જૂનાગઢઃ ભવનાથની તળેટીમાં મહા વદ નોમથી મહા વદ તેરસ સુધી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનું આયોજન થતું હોય છે. આ મેળો સમગ્ર ભારતમાં આયોજિત થતા ધાર્મિક ઉત્સવોમાં ખૂબ જ અલગ રીતે તરી આવે છે. કહેવાય છે કે અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના સ્વરૂપ સમાન ગુરુદત્તાત્રેય મહારાજ ની સતત હાજરી હોય છે. વધુમાં 52 શક્તિપીઠો પૈકી ઉદરીય શક્તિપીઠ તરીકે જાણીતી અને સનાતન ધર્મમાં પૂજનીય માં અંબાજી ગિરનાર પર્વત પર બિરાજી રહ્યા છે. જ્યારે તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરમાં સ્વયં દેવાધિદેવની હાજરી હોય છે.
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમઃ મહા શિવરાત્રીના મેળાને ભજન, ભોજન અને ભક્તિના મેળાના ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 5 દિવસ સુધી અલખને ઓટલે નાગા સન્યાસીઓ દ્વારા ધૂણી ધખાવીને મહાદેવની આરાધના ગુરુ દત્તાત્રેય ભગવાનના સાનિધ્યમાં થતી હોય છે. ગિરનારમાં આયોજિત મહાશિવરાત્રીના મેળાને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ઓળખવામાં આવે છે. અહીં સમગ્ર દેશમાંથી નાગા સન્યાસીઓ અને અઘોરી બાવાઓ 5 દિવસ સુધી અલખને ઓટલે ધુણી ધખાવીને મહાદેવની આરાધના પણ કરતા હોય છે. જેને કારણે પણ મહા શિવરાત્રીનો મેળો અને ગિરનારનું સાનિધ્ય સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.