ભાવનગર : ભાવનગર જિલ્લામાં લોકસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ETV BHARAT દ્વારા જિલ્લાના ઉમરાળા અને ધોળા ગામની મુલાકાત લઈ ચૂંટણી વચ્ચે સમસ્યાઓ અને અપેક્ષાઓ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. કોઈપણ ગામમાં આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવા મુદ્દાઓ મહત્વના હોય છે. ત્યારે ચાલો જાણીએ બંને ગામના મુખ્ય મુદ્દા શું છે અને સમસ્યાઓ છે કે કેમ ?
લોકસભા ચૂંટણી ટાણે ધોળા-ઉમરાળાની સ્થાનિક સમસ્યા હલ થવાની આશા ખરી ? ઉમરાળા ગામની સ્થાનિક સમસ્યા :ઉમરાળા ગામમાં લોકસભા ચૂંટણી વચ્ચે ETV BHARAT ની ટીમ પહોંચી હતી. ગામના સરપંચની મુલાકાત કરીને લોકોની સમસ્યાઓ અને અપેક્ષાઓ જાણી હતી. ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું કે, ઉમરાળા તાલુકામાં ઘણો બધો વિકાસ જોવા મળી રહ્યો છે, સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ છે. ધોળા ઓવરબ્રિજનું કામ બાકી છે, તે થોડું ઝડપથી પૂર્ણ થાય ઉપરાંત ઘણી બધી ટ્રેનના રેલવે સ્ટેશન પર સ્ટોપેજ નથી, તેને સ્ટોપેજ મળે તો ધોળા-ઉમરાળા વિસ્તારના વેપારીઓ અને લોકોને ઘણી બધી સગવડ મળી રહે.
ઉમરાળાની જનતાની અપેક્ષા :ઉમરાળામાં CHC બિલ્ડીંગ છે, પરંતુ નવું બિલ્ડીંગ મળે એવી પણ અપેક્ષા છે. જેથી આરોગ્યને લગતી સુવિધાઓમાં વધારો થાય. શિક્ષણ અને પાણી મામલે પહેલા કરતાં ઘણી બધી સારી સુવિધા છે. ઉમરાળામાં હાલ સાયન્સ બિલ્ડીંગનું નિર્માણ થયું છે. અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે ઉમરાળાને એક કોલેજ મળે જેથી ઉમરાળાના યુવાનો અને દીકરીઓને ભાવનગર સુધી ના જવું પડે.
ધોળાના ગ્રામજનોની સમસ્યા અને અપેક્ષા :ઉમરાળાથી અંદાજે 4 થી 5 કિલોમીટર દૂર આવેલા ધોળા ગામ પર ઉમરાળા તાલુકાની નજર રહે છે. ગામના આગેવાન અશોકભાઈએ જણાવ્યું હતું કે, ધોળા રેલવે સ્ટેશનને નવો ઓપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. કારણ કે લીલીયા, દામનગર અને પાલીતાણાને નવા સ્ટેશન મળ્યા છે. ધોળામાં પણ એક નવું રેલવે સ્ટેશન બને તથા સ્ટેશન ઉપર લિફ્ટવાળા ઓવરબ્રિજ મંજૂર થાય અને ટ્રેનોને સ્ટોપ મળે. ધોળામાં હાલ તો હાઈસ્કૂલ બની ગઈ છે. પાણીની લાઈન પણ નાખી દેવામાં આવી છે, પણ ચાલુ કરવામાં નથી. અગ્રણીઓના પ્રયાસોથી ટુંક સમયમાં શરૂ થઈ જશે એમ લાગે છે. જોકે ઉપરથી કંઈક કાચું કપાયું હોય એવું લાગે છે.
કનેક્ટિવિટી ઝંખતુ ધોળા :ભાવનગર તાલુકાના એક માત્ર ધોળા ગામમાં રેલવે સ્ટેશન આવેલું છે. વ્યાપારીઓ અને વિદ્યાર્થીઓ માટે રેલવે સ્ટેશન ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ભાવનગર અને બોટાદની કનેક્ટિવિટીની કેટલીક ટ્રેનોને લઈને વર્ષોથી માંગ રહેવા છતાં પરીપૂર્ણ થતી નથી. સ્ટોપેજ આપવામાં આવે તો અપડાઉન કરતા વ્યાપારીઓ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓનો હલ આવી શકે છે.
જનતાનો જવાબ :હાલ લોકસભા ચૂંટણી ટાણે લોકો આશ લગાવીને બેઠા છે. જોકે ચૂંટણીના માહોલમાં અગાઉ થયેલા કામો અને બાકી રહેતી સમસ્યાના ઉકેલ વચ્ચે લોકમત અસ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આખરે મતદાન સમયે લોકો ક્યાં મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કરે છે, તે જોવું રહ્યું...
- ગરમીમાં પશુના દૂધમાં થયો ઘટાડો,ડેરીમાં 1 લાખ લિટરની ઘટ,પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક પગલાંની અપાઇ સલાહ
- ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, જાણો ક્યાં મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈ રહી છે ?