ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ, ચૂંટણી પંચે આપ્યા જરુરી સૂચન - Lok Sabha Elections 2024

લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાં હવે ગ્રુપ બેઠક અને સોશિયલ મીડિયા પ્રચારનો દોર શરૂ થશે. વિરોધી મતોની જોડતોડની રાજનીતિ શરૂ થશે.

ચૂંટણી પંચે આપ્યા જરુરી સૂચન
ચૂંટણી પંચે આપ્યા જરુરી સૂચન (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 10:36 PM IST

લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ (ETV Bharat Desk)

ગાંધીનગર :મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. આગામી 7 મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ :અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડો. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 126 અંતર્ગત 5 મે, 2024 ના 18 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા સૂચન :આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપ, સામુદાયિક હોલ, સમાજની વાડી વગેરે મકાનની હદમાં, હોસ્ટેલ તથા ધર્મશાળામાં લોકસભા મતદાર વિભાગ સિવાય બહારની વ્યક્તિ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટ ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર જવરની પણ તપાસ કરવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ :કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં 'ડ્રાય-ડે' જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત બાબતનો સંપૂર્ણ અમલ થાય તે માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.

મીડિયા માધ્યમ માટે સૂચન : ડો. કુલદીપ આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ-Exit Poll તથા Opinion Poll પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કર્યું ન હોય તેવી જાહેરાત પ્રકાશિત કરી શકાશે નહીં.

વિવિધ વિભાગ સાથે સંકલન :મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન તથા ટેલિફોનિક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઈડર્સ સાથે, વીજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે, રેલવે, ટપાલ વિભાગ, અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે.

મતદાન મથકમાં ખાસ વ્યવસ્થા : મતદારોએ મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળીયે બનાવવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર જરૂરી સાઈનબોર્ડ, વેઈટીંગ એરિયા તરીકે મંડપની વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, દિવ્યાંગો અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે.

આરોગ્ય સુવિધા :મતદાનના દિવસે હિટ વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને મતદારો ગરમીના કારણે મુશ્કેલી ન અનુભવે તે માટે તમામ મતદાન કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કીટ ઉપલબ્ધ હશે, તેમજ તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORS ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ ગરમીના કારણે સન સ્ટ્રોકથી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેક્ટર ઓફિસર સાથે પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ મેડિકલ સુવિધાઓથી સજ્જ મેડિકલ ટીમ ઉપલબ્ધ રહેશે.

  1. અમદાવાદમાં 4132 પોલિંગ બુથ પર મતદારો કરશે મતદાન, અમદાવાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થાની કરી ખાતરી
  2. ગાંધીનગરમાં મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ", મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જનતા જોગ અપીલ

ABOUT THE AUTHOR

...view details