ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકો પર આજે મતદારો રાજા - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

2024ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદની બે લોકસભા બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ પર  7, મે - 2024નો દિવસ નિર્ણાયક બની રહેવાનો છે. ભારતના ઝડપથી વિકસતા જતા શહેરોમાં અમદાવાદ શહેર મોખરે છે. અમદાવાદની લોકસભાની બંને બેઠકો પર મતદારો આજે ખરેખર રાજા બનાવા છે, અને પોતાના પાંચ વર્ષના સંસદીય ક્ષેત્રના પ્રતિનિઘિને પસંદ કરવાના છે ત્યારે કેવો રહેશે મતદાનના દિવસે અમદાવાદની લોકસભા બેઠક પરના મતદારોનો મિજાજ જાણીએ... lok Sabha election 2024

LOK SABHA ELECTION 2024
LOK SABHA ELECTION 2024 (etv bharat gujrat)

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 5:10 AM IST

અમદાવાદ: અમદાવાદ શહેરની અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક મહત્વની છે. અમદાવાદ બેઠકે દેશના સૌ પ્રથમ લોકસભા સ્પીકર આપ્યા હતા. અમદાવાદ લોકસભા બેઠક ઐતિહાસિક અને રાજકીય રીતે મહત્વની બેઠક છે. 2008ના સીમાંકન બાદ અમદાવાદ બેઠક બે લોકસભા બેઠકોમાં વિભાજિત થઈ, અને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક તરીકે અસ્તિત્વમાં આવી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક રાજ્યની બે પૈકીની એક અનૂસુચિત જાતિના ઉમેદવાર માટે જાહેર થઈ. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 2009માં પહેલી ચૂંટણી થી લઈને 2019ની ત્રણેય ચૂંટણીમાં સતત ભાજપના ડૉ. કિરીટ સોલંકી સતત ત્રણ વખત મોટા મત માર્જિનથી જીતતા આવ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક પર પણ 2009થી સતત ભાજપ વિજયી બન્યું છે.

અમદાવાદ પૂર્વ બેઠક પરનો કેવો છે ચૂંટણી જંગ: અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર હસમુખ પટેલને રીપીટ કર્યા છે. તો કોંગ્રેસે પૂર્વ મેયર 2024માં આ બેઠકથી ચૂંટણી હારનાર હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાં અમદાવાદ શહેરની બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ, નરોડા અને વટવા તો ગાંધીનગર જિલ્લાની દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રની તમામ સાત વિધાનસભા બેઠકો ભાજપ હસ્તક છે. 2024માં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કુલ 18 ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં મુખ્યત્વે જંગ ભાજપના હસમુખ પટેલ વિરુદ્ધ કોંગ્રેસના હિંમતસિંહ પટેલ વચ્ચે રહેશે. બેઠક પરથી કુલ 10 વિવિધ રાજકીય પક્ષો અને 8 અપક્ષો ચૂંટણી લડી રહ્યાં છે.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોણ છે મહત્વના ઉમેદવારો

હસમુખ પટેલ (ભાજપ):ઉંમર - 64, વર્ષ, બે વખત અમરાઈવાડીના ધારાસભ્ચ, 2019ના વિજેતા, વિવાદમાં ન રહયા, ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજથી આવે છે

હિંમતસિંહ પટેલ (કોંગ્રેસ):ઉંમર - 62, અમદાવાદના પૂર્વ મેયર અને બાપુનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય, ઓબીસી આગેવાન, ઉત્તર ભારતીય સમાજનો સહયોગ મળે છે, રોહન ગુપ્તાને ના પાડતા કોંગ્રેસે ટિકિટ આપી, વિવાદમાં નથી રહેતા, 2014માં બેઠક પરથી હાર્યા હતા.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 20.24 લાખ મતદારો નોંધાયા છે

2009માં રચાયેલી અમદાવાદ પૂર્વ બેઠક પર 2024ની લોકસભા ચૂંટણી માટે કુલ મતદારો 20,24,952 છે.

બેઠક પર કુલ પુરુષ મતદારોની સંખ્યા 10,59,682 છે. બેઠક પર કુલ 9,56,154 મહિલા મતદારો છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા 116 નોંઘાયા છે.

અમદાવાદ પશ્ચિમ બેઠક પર કેવો છે રાજકીય માહોલ: અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ ઉમેદવાર તરીકે નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક પર ભાજપે તેમના ત્રણ ટર્મ સાંસદ રહેલા ડૉ. કિરીટ સોલંકીને બદલી દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા તો કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં તમામ છ ઉમેદવારો રાજકીય પક્ષોના ઉમેદવારો છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોણ છે મહત્વના ઉમેદવારો

દિનેશ મકવાણા (ભાજપ): દિનેશ મકવાણાનો કાયદાનો અભ્યાસ છે. ભાજપના પાયાના કાર્યકર છે. દિનેશ મકવાણા અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ પાંચ ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે.

ભરત મકવાણા (કોંગ્રેસ):કાયદાના સ્નાતક સુધીનો અભ્યાસ ભરત મકવાણાનો છે. ભરત મકવાણા મૂળ કોંગ્રેસી પરિવારથી આવે છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમના માતા શાંતાબહેન મકવાણા પણ સોજીત્રા બેઠકથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 17.11 લાખ મતદારો નોંધાયા છે

  • 2009માં નવી રચાયેલી પશ્ચિમ લોકસભા બેઠક પર 2024ની લોકસભા મતક્ષેત્રમાં કુલ 17,11,932 મતદારો છે.
  • બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 8,82,968 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 8,28,895ની છે.

2024માં ક્યા મુદ્દે મતદારો કરી શકે છે મતદાન:અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની લોકસભા બેઠક પરના મતદારોના મતદાન માટે મહત્વનો મુદ્દો છે વિકાસ. શહેરી અને શહેરની આસપાસનો મતક્ષેત્ર હોવાથી મતદારો આંતરમાળખાકીય સુવિધાને મતદાનનો આધાર માને છે. છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં પણ મતદારો એ અમદાવાદ શહેરના બ્રિજ, ઓવરબ્રિજ, રિવરફ્રન્ટ, બીઆરટીએસ, મેટ્રો ટ્રેન, અટલ બ્રિજ, આધુનિક એરપોર્ટ, બસપોર્ટ અને શહેરી આંતરમાળખાકીય સુવિધાને જોઈ મતદાનનો ઝોક ભાજપ તરફી રાખ્યો છે. જ્યારે અમદાવાદ પૂર્વની બેઠક હેઠળનો ગ્રામીણ વિસ્તાર વધતા શહેરીકરણથી ઉચકાતા જમીનના ભાવ, ગ્રામીણ સડક યોજના, કિસાન સન્માન નિધિ અને સરકારી યોજના લાભને લઈને 2024માં મતદાન કરશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકેની હેટ્રીક, એક બાર ફીર મોદી સરકાર, ભાજપ 370 કે પારના રાજકીય નારો પણ 2024માં મતદાન માટેનો મુદ્દો છે. તો સામી તરફ કોંગ્રેસ પાસે ઈલેક્ટ્રોલ બોન્ડમાં ગોટાળોનો આક્ષેપ કોંગ્રેસ કરે છે. સામાજિક ન્યાયનો કોંગ્રેસનો નારો અને જાતિ ગણતરી સાથે વધતી મોંઘવારી, બેકારી અને અસમાનતા, એન્ટિ ઇન્કમ્બન્સી, માત્ર ધાર્મિક ઉન્માદ જગાવતા ભાષણથી પણ મતદારો કંટાળીને પોતાનો મત ભાજપ વિરોધી આપે એવો 2024નો માહોલ છે. 2024ની અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી, તુર્ત જ ભાજપમાં જોડાયા એ મુદ્દો પણ કોંગસ માટે મત ખેંચનારો બની શકે છે.

આંદોલનોમાં માહીર, અમદાવાદીઓ મતદાનમાં આળસુ:અમદાવાદ એટલે રાજકીય પરિવર્તન અને રાજકીય-સામાજિક આંદોલનનું કેન્દ્ર રહ્યું છે. આઝાદી બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં અમદાવાદના મતદારો રાજ્યના નાગરિકોના સરેરાશ મતદાન કરતાં ઓછું મતદાન કરે છે. ભાજપના ઉદય સાથે એટલે કે 1991 બાદ અમદાવાદ શહેરની બેઠક હોય કે નવા સીમાંકન બાદ રચાયેલી અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક હોય અમદાવાદીઓ લોકસભા ચૂંટણીમાં સતત ઓછું મતદાન કરે છે. રાજ્યની સ્થાપના બાદની પ્રથમ ચૂંટણી 1962માં યોજાઇ હતી ત્યારે અમદાવાદ બેઠક પર રાજ્યની સરેરાશ કરતા વધુ મતદાન નોંઘાયું હતુ. 1962ની પ્રથમ ચૂંટણીમાં રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં મતદાનની સરેરાશ 57.96%ની રહી હતી. જ્યારે અમદાવાદ બેઠક પરનું મતદાન 58.88% રહ્યું હતુ, છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2009ની ચૂંટણીમાં રાજ્યનું સરેરાશ મતદાન 47.89% હતુ. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર 42.32% અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર 48.22% મતદાન નોંધાયું હતુ. મોદી વેવની 2014ની ચૂંટણીમાં રાજ્યનું સરેરાશ મતદાન 63.66% નોંધાયુ હતુ. તો અમદાવાદ પૂર્વમાં 61.52% જ્યારે અમદાવાદ પશ્ચિમ પર 62.87% મતદાન થયુ હતુ. છેલ્લી 2019ની ચૂંટણીમાં રાજ્યનું સરેરાશ મતદાન 64.51% હતુ. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર 61.61% અને અમદાવાદ પશ્ચિમ પર 60.67% મતદાન નોંધાયું હતુ.

ભાજપે પાંચ લાખથી વિજયી થવા તો કોંગ્રેસે હારનું અંતર ઘટાડવા કર્યા છે પ્રયાસો: અબ કી બાર મોદી સરકાર અને ભાજપ 370 પારના નારાને સાર્થક કરવા રાજ્યની તમામ બેઠકો પર ભાજપને વિજય પ્રાપ્ત થાય એ દિશામાં ભાજપ પ્રયાસ કરે છે. જ્યારે કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર હારનું માર્જિન ઓછું કરવા પ્રયાસ કરવાનો જ ધ્યેય તેમના ચૂંટણી પ્રચાર સહિત ચૂંટણી વ્યૂહમાં જોવા મળ્યો છે. આરંભમાં અમદાવાદ પૂર્વના જાહેર થયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદાવારી પાછી ખેંચી અને ત્યાર બાદ ભાજપમાં જોડાયા તો અમદાવાદ પશ્ચિમની અનામત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાની ચૂંટણી રેલી, ચૂંટણી પ્રચાર, લોક સંપર્ક અને મુદ્દાઓ બાબતની ઓછી સક્રિયતા ભાજપને પાંચ લાખ મતના માર્જિનથી વિજયી બનાવવા તરફ લઈ જશે.

મતદાન વધાે એ માટે સતત પ્રયાસો, પહેલે મતદાન, બાદ મે જલપાન:દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડમાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન યોજાવાનું છે, ત્યારે રાજ્યમાં ગરમીનું સવિશેષ પ્રમાણ રહેશે. એક તરફ લગ્ન સિઝન, બીજી તરફ દેશમાં બે રાઉન્ડમાં ઓછું મતદાન, ત્રીજુ વધતી મોંઘવારી, ગુણવત્તાસભર રોજગારીની અછત, વધતો ભ્રષ્ટાચાર અને અસમાનતાના કારણે મતદારોનો રસ આરંભથી જ ઓછો જણાયો છે. 2024માં દર વખતની જેમ ઓછા મતદાનને જાણીને અનેક પ્રયાસો મતદાન વઘારના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ 10 વાગ્યા પહેલા મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કરવા પહેલે મતદાન, બાદ જલપાનના નારાનું આહવાન કર્યું છે. અમદાવાદ સાથે અનેક વિસ્તારોમાં મતદાન કરેલ મતદાતાને વેપારીઓ 10 ટકા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપે, રેપિડો વિના મુલ્યે મુસાફરી કરાવે તો કોઇ વેપારીએ ઓછી કિંમતની ખાદ્ય સામગ્રી વિના મૂલ્યે કે મતદાતાઓને એક ઉપર એક ફ્રીની ઓફર આપી મતદાન વધારાવાની કોશિષ કરી છે. સરકારી તંત્રએ ચૂંટણી મથકે પીવાના પાણીની વ્યવસ્થા, ઓઆરએસ, છાંયાની વ્યવસ્થા કરીને ગરમી અને હીટવેવ સામે મતદારોને રક્ષણ આપશે.

  1. અમદાવાદમાં લોકસભા ચૂંટણી મતદાનની તૈયારીઓને આખરી ઓપ, EVM-VVPAT ડિસ્પેચિંગની કામગીરી - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details