ગુજરાત

gujarat

ETV Bharat / state

કોનું પલડું ભારે : કચ્છ લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ? - Lok Sabha Election 2024 Result

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ હવે 4 જૂને EVM માંથી જનતાએ ચૂંટેલા પ્રતિનિધીની યાદી નીકળશે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અને બે ટર્મથી સાંસદ રહેલા વિનોદ ચાવડા સામે કોંગ્રેસે નવા ચહેરા તરીકે યુવા નેતા નિતેશ લાલણને મેદાને ઉતાર્યા છે. મતદાન પૂર્વે અને મતદાન પછીની સ્થિતિએ કોનું પલડું ભારે રહેશે ? વિનોદ ચાવડા હેટ્રિક કરશે કે નિતેશ લાલણનો પંજો જમાવશે ? Lok Sabha Election 2024

કચ્છ લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ?
કચ્છ લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ? (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 5:53 AM IST

કચ્છ :ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ 45,674 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ સાથે દેશનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાત રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો 23% જેટલો વિસ્તાર ધરાવે છે. કચ્છમાં 10 તાલુકા, 10 મોટા શહેરો અને 950થી વધારે ગામડા છે. પરંતુ કચ્છ લોકસભા મતવિસ્તાર તો એથી પણ મોટો છે, જેમાં કચ્છની છ અને મોરબીની એક એમ કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. અહીં છેલ્લી સાત ટર્મથી ભાજપનો કેસરિયો લહેરાયો છે.

કચ્છ લોકસભા બેઠક પર મતદાન :લોકસભા ચૂંટણી 2024 ચોથા તબક્કાના મતદાનમાં 7 મે, રોજ ગુજરાતની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયું. જેમાં કચ્છ લોકસભા બેઠક પર 56.14 ટકા મતદાન થયા હોવાનું સત્તાવાર જાહેર થયું છે, જે ગત લોકસભા ચૂંટણી 2019 કરતા 2.08 ટકા ઓછું છે. લોકસભા ચૂંટણી 2024 માટે નોંધાયેલા કુલ 19,43,136 જેટલા મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચની મતદાન જાગૃતિ ઝુંબેશ બાદ મતદાનના દિવસે જ ગરમીનો પારો ઊંચકાઈને 43.5 ડિગ્રી થઈ જતાં મતદાનની ટકાવારી ધારણા કરતાં ઓછી રહી હતી. ગત પાંચ વર્ષની તુલનાએ આ વખતે કુલ 1,99,311 મતદારો વધ્યા હોવા છતાં ગત લોકસભા ચૂંટણીમાં થયેલ મતદાન કરતા પણ ટકાવારી નીચી રહી હતી.

વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો અબડાસામાં 58.28 ટકા, માંડવીમાં 62.59 ટકા, ભુજમાં 57.13 ટકા, અંજારમાં 59.62 ટકા, ગાંધીધામમાં 49.38 ટકા, રાપરમાં 48.20 ટકા અને મોરબી વિધાનસભા વિસ્તારમાં 58.26 ટકા મતદાન નોંધાયું હતું.

ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા (ETV Bharat)
  • ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા

કચ્છ લોકસભા બેઠક પર સાંસદ અને ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. તેમણે વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી રાજકીય સફર પ્રારંભ કરી હતી.

ગત લોકસભા ચૂંટણીમાં પ્રદર્શન :

સતત બે ટર્મથી સાંસદ રહેલા વિનોદ ચાવડાને ભાજપે રિપીટ કર્યા છે. વિનોદ ચાવડાએ લોકસભા ચૂંટણી 2014 માં વિનોદ ચાવડાએ 5,62,855 મત મેળવીને કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પરમારને 2,54,482 મતના માર્જિનથી હરાવ્યા હતા. ફરી લોકસભા ચૂંટણી 2019 માં ભાજપે વિનોદ ચાવડાને રિપીટ કર્યા અને તેઓ પક્ષની અપેક્ષા પર ખરા ઉતર્યા. વિનોદ ચાવડાએ 6,37,034 મત મેળવીને કોંગ્રેસ ઉમેદવાર નરેશ મહેશ્વરીને 3,05,513 મતના માર્જિનથી હરાવ્યા હતા.

પક્ષની પસંદ શા માટે ?

અનુસૂચિત જાતિ માટે અનામત કચ્છ લોકસભા બેઠક પર ભાજપના સાંસદ વિનોદ ચાવડાને મજબૂત નેતા માનવામાં આવે છે. છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડાની કામગીરીની નોંધ દિલ્હી હાઇકમાન્ડ લીધી અને પક્ષે ફરી એકવાર વિનોદ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે. આ ઉપરાંત ભાજપે ચૂંટણીલક્ષી કામગીરી માટે અન્ય રાજ્યોમાં પણ વિનોદ ચાવડાને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વિનોદ ચાવડા ચૂંટણી પ્રચાર :

આકરા તાપ અને ભારે ઉકળાટ વચ્ચે વિનોદ ચાવડાએ કચ્છ અને મોરબીના ગામે ગામ પ્રવાસ કરીને જાહેર સભા અને લોકસંપર્ક કર્યો હતો. વિનોદ ચાવડાના સમર્થનમાં ગાંધીધામમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા ભુજમાં અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણાએ રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. વિનોદ ચાવડાના નામાંકન સમયે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે રોડ શો યોજી જાહેર સભા સંબોધી હતી.

  • આ પરિબળ નજીક લઈ આવશે "જીત"

વિનોદ ચાવડાના કામો અને લોકો સાથેના જીવંત સંપર્કની જાણ ભાજપ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ હતી. તેને ધ્યાનમાં રાખીને કચ્છની બેઠક માટે ફરીવાર તેમને તક આપવામાં આવી હતી. વર્ષ 2014ની ચૂંટણી વખતે કચ્છના મતદારો તેમને માત્ર નામથી જ ઓળખતા હતા. તે સમયમાં લોકો સાથેના સંપર્કને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બીજી ટર્મમાં કચ્છના પ્રશ્નો અને વિકાસની યોજનાઓ પર ધ્યાન આપ્યું. જ્યારે આ વખતે પોતાના અનુભવ, લોકો સાથેના સંપર્ક અને વિકાસ કામોની યાદીના આધારે મતની અપેક્ષા રાખી રહ્યા છે.

10 વર્ષમાં કરેલા વિકાસકાર્ય :

સાંસદ તરીકે વિનોદ ચાવડાએ 10 વર્ષમાં કરેલા કાર્યોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર, ઘડુલી સાંતલપુર રોડ મંજૂરી, ભુજ નલિયા બ્રોડગેજ, ભુજમાં ડાયાલીસીસ સેન્ટર, કંડલા એરપોર્ટનું વિસ્તરણ, ચોબારી જેસડા અભ્યારણમાં નહેર મંજૂરી, ભીમાસર અંજાર ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગાંધીધામ સંકુલ ફ્રી હોલ્ડ જમીન, કચ્છ યુનિવર્સિટીને UGC માન્યતા, કચ્છમાં FM સેવા, મોરબી માળિયા ડેમો ટ્રેન, ભુજ એરપોર્ટ પર ફ્યુઅલ સેવા, ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા, ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા, એકલ બાંભણકા રોડ, જળ સરોવર લુણી બનાસ નદીના પાણી કચ્છના રણમાં, એરપોર્ટ ટાઈપ રેલવે સ્ટેશન પ્રોજેક્ટ, ધોળાવીરા આઇકોનિક પ્લેસ જાહેર, ગુંદિયાળી ખાતે ડીસેલીનેશન પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

મતદાન ઘટવાનો સીધો અણસાર :

કચ્છ લોકસભા બેઠક પર મતદાન ટકાવારી ઘટી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે સામાન્ય રીતે જ્યારે મતદાન ઘટે ત્યારે સત્તાપક્ષની જીતની શક્યતા વધી જાય છે. ઓછું મતદાન થાય ત્યારે સત્તાપક્ષ તરફ પ્રતિબદ્ધ રહેલા મતદારો વધુ મત કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ મુદ્દાને કેન્દ્રમાં રાખીએ તો વિનોદ ચાવડા જીત તરફ અગ્રેસર જણાય છે.

કોંગ્રેસમુક્ત કચ્છમાં મજુબત સંગઠનની શક્તિ :

જીતના પરિબળોમાં કચ્છ ભાજપનું સંગઠન પણ મુખ્ય કહી શકાય કારણ કે, આમ તો કચ્છ કોંગ્રેસ મુક્ત છે. અહીં કચ્છની જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 8 નગરપાલિકાઓ અને 6 વિધાનસભા બેઠકો ભાજપ શાસિત છે. તેથી મજબૂત સંગઠન તેમજ સક્રિય કાર્યકરોના જોરે ભાજપ ઉમેદવાર ફરીથી કચ્છ લોકસભા બેઠક પર કેસરિયો લહેરાવશે. આમ તો ભાજપને મત આપનાર લોકો નરેન્દ્ર મોદીના ચહેરો પર મતદાન કરે છે, પરંતુ વિનોદ ચાવડા સક્રિય જન સંપર્ક અને લોકચાહના થકી ફરીથી સાંસદ બની શકે છે.

પ્રજાના પ્રશ્નો ઉકેલવા નું આશ્વાસન:

કચ્છ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં મુખ્ય નર્મદાનાં નીર, મોંઘવારી, રોડ રસ્તા તેમજ કેનાલની નબળી ગુણવત્તા, વારંવાર પકડાતા ડ્રગ્સ, શિક્ષકોની ઘટ્ટ, અપૂરતી ટ્રેન અને ફ્લાઇટ, પર્યાવરણના પ્રશ્નો, પવનચક્કીના વિવાદો, ખેડૂતોના પ્રશ્નો, રોજગારી, કચ્છના પ્રવેશદ્વાર પર ટ્રાફિક જામની સમસ્યા, ખેડૂતોની જમીન સંપાદન યોગ્ય વળતર જેવા પ્રશ્નો હજુ પણ છે. વિનોદ ચાવડાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસની પ્રક્રિયા યથાવત રહે અને તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

  • "હાર" નજીક લઈ જતા પરિબળો

છેલ્લા 10 વર્ષમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારમાં થયેલા વિકાસકાર્યો સામે કેટલાક પાયાના પ્રશ્નો અને સમસ્યા યથાવત છે. ગરમીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઘરેથી નીકળીને મતદાન કરવાનું ટાળ્યું હતું. જેના પરિણામે મતદાન ટકાવારી ઘટી છે.

ક્ષત્રિય આંદોલન અને ભાજપ વિરોધી લહેર:કચ્છ લોકસભા બેઠક પર 5 લાખ મતની લીડથી વિજેતા બનવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ મતદાન ટકાવારી ઘટતા આ લીડ હવે 1.5 લાખથી 2.5 લાખ વચ્ચે જ અટકી ગઈ હતી. ચૂંટણી અગાઉ કેન્દ્રીય પ્રધાન રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો. તેના પરિણામે ઠેરઠેર વિનોદ ચાવડાના પ્રવાસ કાર્યક્રમ તેમજ રોડ શો દરમિયાન ભાજપ વિરોધી નારા લાગ્યા હતા. ઉપરાંત ભાજપ વિરોધી મતદાન કરવાની વાત કરવામાં આવી હતી.

વાસણ આહીરનો લેટર બોમ્બ :કોંગ્રેસી નેતાએ ભાજપના કદાવર નેતા વાસણ આહીરની અવગણના થતી હોવાના આક્ષેપો સાથે લેટર બોમ્બ જાહેર કર્યો હતો. વધુમાં આહીરોને ભાજપ પક્ષને મત આપતા પહેલા વિચારવા અનુરોધ કર્યો હતો, તેની અસર પણ લીડ ઓછી થવા પર દર્શાઈ રહી છે.

કચ્છના પડતર પ્રશ્ન અને સમસ્યા :કચ્છ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં મુખ્ય નર્મદાનાં નીર, મોંઘવારી, રોડ રસ્તા તેમજ કેનાલની નબળી ગુણવત્તા, વારંવાર પકડાતા ડ્રગ્સ, શિક્ષકોની ઘટ, અપૂરતી ટ્રેન અને ફ્લાઇટ,પર્યાવરણના પ્રશ્નો, પવનચક્કીના વિવાદો, ખેડૂતોના પ્રશ્નો, રોજગારી, ખેડૂતોની જમીન સંપાદન યોગ્ય વળતર જેવા પ્રશ્નો યથાવત છે. વર્ષોથી તેનો ઉકેલ ન આવતા લોકો પણ હવે રજૂઆત કરીને થાક્યા છે. જેની સીધી અસર ચૂંટણી પરિણામ પર થઈ શકે છે.

ક્ષત્રિય સમાજનો કોંગ્રેસને ટેકો :કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલ વિવાદિત નિવેદનને કારણે કચ્છ ક્ષત્રિય સમાજના લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. રાજપૂત સમાજે અસ્મિતા આંદોલન ચલાવ્યું અને ગામ પ્રવેશ પર પ્રતિબંધ અને ચૂંટણી બહિષ્કાર અંગેના બેનરો લગાવવામાં આવ્યા હતા. વિનોદ ચાવડાને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા સ્થળોએ જાકારો મળ્યો અને મતદાન કરવા અંગેની અપીલ કરવાની તક પણ મળી શકી ન હતી. તેમજ ક્ષત્રિય સમાજે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો.

કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ (ETV Bharat)
  • કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ

કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ વર્ષ 2012 થી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય તરીકે સક્રિય છે. યુવા નેતા અને નવા ચહેરા તરીકે કોંગ્રેસે નિતેશ લાલણને વિનોદ ચાવડા સામે ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

યુવા નેતા અને મજબૂત કાર્યકર્તા :નિતેશ લાલણ પૂર્વ કચ્છ જિલ્લાના ઇન્ડિયન યુથ કોંગ્રેસ પ્રમુખ છે. નિતેશ લાલણે લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં સક્રિય કામગીરી દાખવી છે. ગ્રાઉન્ડ લેવલે પોલિંગ એજન્ટ તરીકે કામગીરી કરી હોવાથી ચૂંટણી દરમિયાન બૂથ મેનેજમેન્ટનો પણ અનુભવ છે. આ ઉપરાંત સતત પાંચ વર્ષથી તેઓ મહેશ્વરી મેઘવાર સમાજના નવજીવન સોસાયટી સેક્ટર 7 પ્રમુખ છે. અગાઉ ગાંધીધામ કોમ્પ્લેક્સના મહેશ્વરી મેઘવાર સમાજના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

સ્થાનિક યુવા નેતા તરીકે કામગીરી :યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિતેશ લાલણની મજબૂત કામગીરી રહી છે. ગાંધીધામ વિધાનસભા વિસ્તાર માટેની પ્રાથમિક સવલતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટે લડત ચલાવી છે. બીજી તરફ ગરીબ અને ઘર વીહોણા લોકોના લાભાર્થે પણ અનેક રજૂઆતો કરી છે. બેરોજગાર લોકો અને વિદ્યાર્થીઓના હક માટે પણ લડત ચડાવી છે. આ ઉપરાંત ડ્રગ જેવા ગંભીર મુદ્દે સતત આક્રમક રહ્યા છે.

પક્ષની પસંદ શા માટે ?કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણે કોંગ્રેસ પક્ષમાં પાયાના સ્તરેથી કામગીરી કરી છે. એક કાર્યકર તરીકે બૂથમાં પોલિંગ એજન્ટ તરીકે સેવા આપવાથી લઈને પૂર્વ કચ્છની કોંગ્રેસ યુવા પાંખના વડાના પદ સુધી પહોંચ્યા છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી 2022 સમયે ગાંધીધામ બેઠક પર નિતેશ લાલણે ટિકિટ માંગી હતી. હવે પક્ષે વફાદારી અને અનુસૂચિત જાતિમાં તેમના સંબંધને ધ્યાને લઇને લોકસભા બેઠક પર ઉમેદવારીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

નિતેશ લાલણનો ચૂંટણી પ્રચાર :આકરા તાપ અને ભારે ઉકળાટ વચ્ચે નિતેશ લાલણે કચ્છ અને મોરબીના ગામે ગામ પ્રવાસ કરીને જાહેર સભા અને લોકસંપર્ક કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નીતેશ લાલણના નામાંકન પૂર્વે સભા સંબોધી હતી. ઉપરાંત નિતેશ લાલણે નાની નાની જાહેર સભા અને વ્યક્તિગત સંપર્ક અને ગામજનો સાથેની બેઠક પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

  • આ પરિબળ નજીક લઈ આવશે "જીત"

આમ તો ચૂંટણી મુદ્દા અને પ્રશ્નોના આધારે લડાતી હોય છે. પણ પોલિંગ એજન્ટથી લઈ યુથ કોંગ્રેસ પ્રમુખ સુધીની કામગીરી કરી ચૂકેલા નિતેશ લાલણ ચૂંટણી લડવાના અનેક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરીને અંત સુધી લડ્યા છે.

બૂથ મેનેજમેન્ટ :મતદાન પૂર્વે ચૂંટણી પ્રચાર, લોકસંપર્ક અને જનસભા સંબોધ્યા બાદ મતદાનના દિવસે આખરે નિતેશ લાલણને પોલિંગ એજન્ટનો અનુભવ નિર્ણાયક બની શકે છે. આ વખતે આ બોધને ધ્યાને લઇને મતદાનના દિવસે પક્ષના બૂથ મેનેજમેન્ટને છેલ્લા કલાક સુધી અસરકારક રાખવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

રાજપૂત સમાજનો ટેકો :ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ હતો. જેના પગલે રાજપૂત સમાજનો ટેકો કોંગ્રેસના ઉમેદવારને મળ્યો હતો. ક્ષત્રિય સમાજના જે લોકો ભાજપ સાથે જોડાયેલા હતા તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. આ વખતે ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ પ્રચાર પ્રસારના સમયે પૂરો સહયોગ મળ્યો, જેની મહત્વની ભૂમિકા રહેશે.

કોંગ્રેસની ગેરંટી :કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણે ચૂંટણી પ્રચાર દરમિયાન ગામેગામ મુલાકાત લઈને કચ્છના વણઉકેલ્યા પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ લોકોની રજૂઆતો સાંભળી અને સાથે જ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને શ્રમિકોને ન્યાય અપાવવાની વાત કરી હતી. કોંગ્રેસની ગેરંટી આપીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો. જેની સીધી અસર પરિણામ પર થઈ શકે છે.

ભાજપને આત્મવિશ્વાસ ભારે પડશે ?કોંગ્રેસના ઉમેદવાર મુજબ કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે 5 લાખ મતની લીડથી વિજેતા બનવાનો દાવો કર્યો હતો, જે વધુ પડતો આત્મવિશ્વાસ અને અહંકાર દર્શાવે છે. નિતેશ લાલણે વેપારીઓને જીએસટીમાંથી રાહત, મહિલાઓને મોંઘવારીમાંથી રાહત, યુવાનોને રોજગારીની તકો, કિસાનોના દેવા માફ વગેરે જેવી વાતો કરી હતી, જેના પરિણામે કચ્છની જનતા તેમના પર વિશ્વાસ મૂકી શકે છે.

  • "હાર" નજીક લઈ જતા પરિબળો

કચ્છમાં ભાજપનું એકહથ્થુ શાસન :કચ્છ લોકસભા બેઠક અને કચ્છ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાઇ રહ્યું છે. કારણ કે ભાજપ પાસે જ જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 6 વિધાનસભા બેઠકો, 8 નગરપાલિકાનું શાસન છે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષમાં સંગઠન અને સક્રિય કાર્યકરોનો ખૂબ અભાવ છે. જેના કારણે ઉમેદવારને હારનો સામનો કરવો પડી રહ્યો છે.

વિપક્ષ તરીકે આંશિક નબળી કામગીરી :10 વર્ષમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે જેનું નિરાકરણ હજી સુધી થયું નથી પરંતુ એક વિપક્ષ તરીકે કોંગ્રેસ માત્ર આવેદનપત્ર પાઠવીને કે રજૂઆત કરીને સંતોષ માની લે છે તેના વિરૂદ્ધ લડત લાંબા સમય સુધી નથી લડતી અને માત્ર આક્ષેપબાજી કરીને મુદ્દાની વાત બાજુએ રહી જાય છે.

ઓછું મતદાન, મતદારોનો ભાજપ તરફી ઝુકાવ :કચ્છ લોકસભા બેઠક પર મતદાન ટકાવારી ઘટી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે સામાન્ય રીતે જ્યારે મતદાન ઘટે ત્યારે સત્તાપક્ષની જીતની શક્યતા વધી જાય છે. ઓછું મતદાન થાય ત્યારે સત્તાપક્ષ તરફ પ્રતિબદ્ધ રહેલા મતદારો વધુ મત કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ મુદ્દાને કેન્દ્રમાં રાખીએ તો નિતેશ લાલણની મુશ્કેલી વધી શકે છે.

કોંગ્રેસના પાયાના નેતાઓના રાજીનામા :લોકસભા ચૂંટણી પહેલા કચ્છ જિલ્લા કોંગ્રેસમાં 17 વર્ષથી જોડાયેલ પ્રવક્તા દીપક ડાંગર અને તેમની સાથે કચ્છ જિલ્લા NSUI પ્રમુખે રાજીનામું આપ્યું હતું. સાથે જ કચ્છ યુથ કોંગ્રેસના મહામંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જેના પરિણામે કોંગ્રેસનું સંગઠન વધુ નબળું થયું છે.

ABOUT THE AUTHOR

...view details