અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ હવે 4 જૂને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપે ત્રણ ટર્મ સાંસદ રહેલા ડો. કિરીટ સોલંકીને બદલી દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા, તો કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. હવે આ વખતે જનતા અમદાવાદના વિકાસની કમાન કોના હાથમાં આપશે ?
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક :અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. આ પહેલા અમદાવાદ લોકસભા બેઠક અસ્તિત્વમાં હતી. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. આ બેઠક પરથી પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણિનગર, અસારવા અને દાણીલીમડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં એક પણ ગ્રામ્ય વિસ્તાર નથી, તેમાં 100 ટકા શહેરી વસ્તી છે.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મતદાન : લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કાના મતદાનમાં 7 મે રોજ ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું. જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 54.43 ટકા મતદાન થયા હોવાનું સત્તાવાર જાહેર થયું છે, જે ગત લોકસભા ચૂંટણી 2019 કરતા 6.24 ટકા ઓછું છે. લોકસભા ચૂંટણી 2024 માટે નોંધાયેલા કુલ 17.11 લાખ મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચની મતદાન જાગૃતિ ઝુંબેશ બાદ મતદાનના દિવસે જ ગરમીનો પારો વધી જતાં મતદાનની ટકાવારી ધારણા કરતાં ઓછી રહી હતી.
વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો એલિસબ્રિજમાં 55.02 ટકા, અમરાઈવાડીમાં 51.35 ટકા, દરિયાપુરમાં 56.7 ટકા, જમાલપુર-ખાડીયા 53.08 ટકા, મણિનગરમાં 55.01 ટકા, અસારવામાં 54.4 ટકા અને દાણીલીમડામાં 55.75 ટકા મતદાન નોંધાયું હતું.
ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા :
ભાજપના પાયાના કાર્યકર દિનેશ મકવાણાએ કાયદાનો અભ્યાસ કર્યો છે. દિનેશ મકવાણા અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ પાંચ ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ હાલમાં નરોડામાં હરિદ્વાર સોસાયટીમાં રહે છે.
પાર્ટીમાં દિનેશ મકવાણાનું પ્રદર્શન :
દિનેશભાઈ 1987 થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. સૌપ્રથમ તેઓ નરોડા વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. વર્ષ 1991 થી 1995 સુધી અસારવા મંડળ સમિતિના મંત્રી હતા. વર્ષ 1995 થી સતત 20 વર્ષ સુધી સૈજપુર બોઘા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1998-99 દરમિયાન AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન અને 1999થી 2000 સુધી AMC લીગલ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2000 થી 2003 સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહ્યા હતા.
વર્ષ 2005 થી 2008 અને 2018 થી 2020 સુધી બે ટર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે રહ્યા હતા. ઉપરાંત વર્ષ 2013 થી 2021 સુધી કર્ણાવતી મહાનગર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. વર્ષ 2016 થી 2020 સુધી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ સંચાલિત હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડના ઇન્ડિપેન્ડન્સ ડાયરેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા. હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપના પ્રવક્તા તરીકે ફરજ બજાવે છે.
પક્ષની પસંદ શા માટે ? અનુસૂચિત જાતિ માટે અનામત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. દિનેશ મકવાણા અત્યાર સુધી કોઈ વિવાદમાં આવ્યા નથી.
દિનેશ મકવાણા ચૂંટણી પ્રચાર :ભાજપના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ ચૂંટણી પ્રચાર પાછળ 12.89 લાખનો ખર્ચ કર્યો હતો. અમદાવાદની આગ ઝરતી ગરમીમાં અમદાવાદના મોટાભાગના વિધાનસભા વિસ્તારમાં વિજય વિશ્વાસ બાઇક રેલી યોજી હતી. શક્તિ પ્રદર્શન કરી મતદારોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. અસારવા વિધાનસભા વિસ્તારમાં રેલી યોજી પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીની ગેરંટી અને તેમના વિકાસના કામો સાથે સાથે મતદારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યા હતો.