કચ્છ:ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છના બે સ્થળોએ 3 એર શો યોજી રહી છે. જે પૈકી 29 જાન્યુઆરીના રોજ અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ પર દિલ ધડક એર શો યોજાયો હતો. તો આજે કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ હવાઈ કરતબો કરીને સફેદ રણની રોનક વધારી હતી અને આ કરતબો જોઈને પ્રેક્ષકો પણ રોમાંચિત થયા હતા. કચ્છના રોગાન કારીગર આશિષ કંસારાએ સૂર્યકિરણ એરોબેટિક ટીમને રોગાન કળાથી બનાવેલ સૂર્યકિરણ પ્લેનની કૃતિ ભેટમાં આપી હતી.
સૂર્યકિરણ એરોબેટિક ટીમે કચ્છના સફેદ રણમાં કરતબો કરી જમાવ્યું આકર્ષણ
કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાનો દ્વારા કરવામાં આવેલ હવાઈ કરતબે આકર્ષણ જમાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કચ્છના પ્રવાસ દરમિયાન આ ટીમ દ્વારા 2 દિવસનો એર શો ભુજ એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યો હતો તો આ વખતના 3 એર શો પૈકી એક શો જે અબડાસામાં કરવામાં આવ્યો હતો. તે અબડાસામાં પ્રથમ વખત યોજાયો હતો. તો સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે 31મી જાન્યુઆરી અને આવતીકાલે 1 ફેબ્રુઆરીના કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં પણ બે દિવસ એર શો યોજાવામા આવ્યા છે. આવતીકાલે યોજાનારા એર શોમાં ત્રિરંગી સ્મોકનો ઉપયોગ કરવામાં આવશે.
14 વર્ષ બાદ ત્રણ રંગના સ્મોકથી ડિસ્પ્લે
કચ્છના સફેદ રણમાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યા હતા. ત્યારે સફેદ રણની ચમક અને સૂર્યકિરણ એરોબેટિક ટીમના લાલ રંગના પ્લેનથી વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ રંગીન બન્યું હતું. સૂર્યકિરણ એરોબેટિક ટીમ 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની ટ્રાય કલર ડિસ્પ્લે એટલે કે આપણા તિરંગાના રંગો કેસરી સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરીને કરતબો કરવામાં આવી રહ્યા છે.જેનો લાભ કચ્છની જનતા આવતીકાલે લઈ શકશે.
દર્શકો જુદા જુદા કરતબો જોઈને રોમાંચિત થયા
કચ્છના સફેદ રણ ખાતેનો સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો લગભગ 30 મિનિટ સુધી જેટલો ચાલ્યો હતો અને સફેદ રણથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવ્યા હતા. આ એર શો દરમિયાન કચ્છનું સફેદ રણ સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્લેનના અવાજો અને પ્રેક્ષકોની તાળીઓના ઉલ્લાસપૂર્ણ અવાજથી ગુંજી ઉઠ્યું હતું. આ એર શો દરમિયાન SKAT ના 9 વિમાનો દ્વારા જુદા જુદા ફોર્મેશન કરવામાં આવ્યા હતા. જેમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા તેમજ રૂંવાટા ઊભા કરી દે તેવા એરોબેટિક કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો જ્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા DNA ફોર્મેશન કરવામાં આવ્યું હતું ત્યારે સફેદ રણ પર હાજર તમામ દર્શકો રોમાંચિત થઈ ગયા હતા.
ભારતભરમાં 700 થી વધુ ડિસ્પ્લે રજૂ કર્યા
સૂર્યકિરણ એરોબેટિક ટીમ, જે "ભારતીય વાયુસેનાના રાજદૂત" તરીકે વધુ જાણીતી છે અને પોતાની ચોકસાઇ, કુશળતા અને ટીમ વર્ક માટે પ્રખ્યાત છે. આ ટીમે ભારતભરમાં 700 થી વધુ ડિસ્પ્લે રજૂ કર્યા છે, જ્યારે ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં પણ આંતરરાષ્ટ્રીય એર શોમાં ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.