ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં પ્રવાસન સીઝન પૂરબહારમાં ખીલી : પ્રવાસીઓનો ધસારો, ફ્લાઇટ ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા - KUTCH TOURIST SEASON

કચ્છમાં પ્રવાસની સિઝન ખૂલતા જ નવેમ્બર માસની શરૂઆતથી જ પ્રવાસીઓનો ધસારો છે. બીજી તરફ ફ્લાઈટ ભાડા પણ આકાશે પહોંચ્યા છે.

કચ્છમાં પ્રવાસની સીઝન
કચ્છમાં પ્રવાસની સીઝન (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 2:08 PM IST

કચ્છ :ઓફ સિઝનમાં ભુજ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ 4000થી 7000 હોય છે, પરંતુ હાલમાં ટિકિટ ભાવ 25,000 સુધી પહોંચી ગયા છે. એરલાઇન્સને પણ સ્થાનિક સંગઠને રજૂઆત કરી છે. તો ભુજ-અમદાવાદ વચ્ચેનું ભાડું પણ 2,500થી 3,000 રહેતું હોય છે, તે 6500 સુધી પહોંચી ગયું છે. વિમાની સેવા આપતી કંપનીએ મનમાની સાથે ભાડાં આસમાને પહોંચાડી દીધા છે.

કચ્છમાં પ્રવાસનની સીઝન :હાલમાં કચ્છમાં પ્રવાસની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. હવાઈ માર્ગે પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ 500થી 600 વચ્ચે જોવા મળી રહી છે. ત્યારે હાલમાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી ફ્લાઈટના ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે. એરલાઇન્સ દ્વારા આ ભાડું ઘટાડવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

પ્રવાસીઓનો ધસારો, ફ્લાઇટ ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા (ETV Bharat Gujarat)

કચ્છમાં 4 વિમાની સેવા કાર્યરત :પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાલમાં 4 વિમાની સેવા કાર્યરત છે. જેમાં ભુજ-મુંબઈ વચ્ચે બે ફ્લાઈટ, કંડલા-મુંબઈ વચ્ચે એક ફ્લાઇટ તેમજ ભુજ-અમદાવાદ વચ્ચે એક વિમાની સેવા હાલમાં ચાલુ છે. હાલમાં રણોત્સવ અને પ્રવાસનની સિઝન ખૂલતાં જ ભુજ-મુંબઈ વચ્ચેની ફલાઇટનું એક તરફનું ભાડું 25,000 સુધી પહોંચી ગયું છે. તો નવેમ્બરના માસના શરૂઆતથી લઈ મધ્ય જાન્યુઆરી સુધી 4 થી 6 ગણો વધારો થશે.

ભુજ આવતી ફ્લાઇટના ભાવ આસમાને : સામાન્ય રીતે વિદેશ પ્રવાસ કરવા માટે પણ જેટલું ભાડું ન થાય તેટલું કચ્છ આવવાનું થાય છે. કંડલા-મુંબઈ વચ્ચેની ફ્લાઇટ ટિકિટ ખૂબ મોંઘી છે. સાથે જ કંડલામાંથી ફલાઈટ અવાર-નવાર રદ થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી બાજુ ભુજ-અમદાવાદ વચ્ચે જ્યારે નવી ફ્લાઇટ શરૂ થઈ ત્યારે શરૂઆતમાં ફ્લાઇટ ટિકિટ 2500 થી 3000 જેટલી હતી, પરંતુ હાલ આ ફ્લાઇટ ટિકિટના ભાવ પણ 5,500-6,500 સુધી થઈ ગયા છે.

ફ્લાઈટના ભાડાનો સળગતો પ્રશ્ન :ટૂર ઓપરેટર એસોસિયેશન ઓફ કચ્છના પ્રમુખ અંશુલ વછરાજાનીએ જણાવ્યું કે, હાલમાં કચ્છમાં પ્રવાસીઓનો ધસારો છે. નવી ફ્લાઇટ તેમજ ફ્લાઈટના ભાડાનો સતત સળગતો પ્રશ્ન છે. ભાડાની કોઈ સીમા નથી, મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે. એરલાઇન્સ કંપનીએ મનમાની સાથે ભાડાં આસમાને પહોંચાડી દીધા છે. ભુજ-અમદાવાદ વચ્ચેના ભાવ રૂ. 7,000 સુધી પહોંચી ગયા છે. મુંબઈ ફ્લાઇટના ભાવ પણ 25,000 સુધી પહોંચી ગયા છે.

3 માસ દરમિયાન પ્રવાસીઓનો ધસારો :ઉલ્લેખનીય છે કે, કચ્છમાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં વધારે માત્રામાં પ્રવાસીઓ આવે છે, જેને ગોલ્ડન સમય કહેવાય છે. કારણ કે ડિસેમ્બર મહિનામાં નાતાલની રજાઓ દરમિયાન NRI લોકો પણ કચ્છ આવતા હોય છે. આ ઉપરાંત કોઈ ઇમરજન્સી ઊભી થાય તો લોકોને 25,000 સુધીનું ભાડા આપીને જવું પડે છે. આ પ્રશ્નને લઈને અગાઉ પણ ઉડ્ડયન મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં ફરી વાર જરૂર પડશે તો રજૂઆત કરવામાં આવશે. પરંતુ ફ્લાઇટ ભાડામાં રાહત મળે તેવી આશા છે. જો તેવું થશે તો કચ્છના ટુરિઝમ વિભાગને પણ ફાયદો થશે.

  1. રણોત્સવ થકી ધોરડોના ગામોની કાયાપલટ, રોજગારી સાથે વિકાસની હરણફાળ
  2. કચ્છ રણોત્સવ 2024ઃ ક્રાફટ સ્ટોલ ધારકોને 6 કરોડથી વધુ આવક થયાનો દાવો

ABOUT THE AUTHOR

...view details