કચ્છ :છેલ્લા ઘણા સમયથી કચ્છ રાજવીના બે પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે માતાના મઢ ખાતે બે વખત પત્રીવિધિ યોજાઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટે મહારાવ મદનસિંહ જાડેજાના તરફેણમાં ચુકાદો આપતા સીધી લીટીના વારસદાર તરીકે મદનસિંહને પત્રી વિધિનો અધિકાર આપ્યો છે. સામે પક્ષના મહારાણી પ્રીતિદેવી દ્વારા નિમાયેલા સભ્યો હવેથી પૂજા નહીં કરી શકે.
માતાના મઢની પત્રીવિધિનો વિવાદ :કચ્છની કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢમાં નવરાત્રિમાં થતી પત્રીવિધિની પૂજા દર વર્ષે આઠમ પહેલા કરવામાં આવતી હોય છે. છેલ્લા લાંબા સમયથી રાજવી પરિવારો વચ્ચે માતાના મઢ ખાતેની પત્રીવિધિ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. જોકે, આ વિવાદ તેમજ માતાના મઢમાં પત્રીવિધિની પૂજા અંગે હાઈકોર્ટનો મહત્વનો આદેશ આવી ગયો છે.
કચ્છના રાજવી પરિવાર વચ્ચેનો વિવાદ સમેટાયો (ETV Bharat Gujarat) હાઇકોર્ટનો આદેશ :આ સમગ્ર મામલો પહેલા ભુજ કોર્ટમાં હતો, જ્યાં ચુકાદો પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના પક્ષમાં આવ્યો હતો. અગાઉ જ્યારે કોર્ટે મહારાણી પ્રીતિદેવીના પક્ષે ચુકાદો આપ્યો હતો, ત્યારે આ મામલે રાજવી પરિવારના સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પગલે આજે કચ્છના રાજપરિવાર વચ્ચે ચાલતા પત્રીવિધિ પૂજા મામલે હાઇકોર્ટનો આદેશ આવી ગયો છે. જેમાં હાઇકોર્ટે આદેશ આપતા જણાવ્યું કે, રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા પત્રીવિધિ કરશે.
હનુવંતસિંહ જાડેજાના પક્ષમાં ચુકાદો :હાઈકોર્ટના ચુકાદા બાદ શરદબાગ પેલેસ ખાતે મદનસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી હતી. હાઈકોર્ટે આપેલા ચુકાદાને સત્યની જીત થઈ હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે મદનસિંહજી જાડેજા માતાના મઢ ખાતે પત્રીવિધિ માટે જશે. આ દરમિયાન સામે પક્ષના લોકો પણ હાઇકોર્ટના આદેશની અવગણના કરી પત્રી વિધિ પૂજા કરશે, તો તેના સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરશે તેવી તૈયારી તેમના વકીલે બતાવી છે.
શું હોય છે પત્રી વિધિ ?દર વર્ષે નવરાત્રિમાં આઠમના દિવસે કચ્છના મહારાવ માં આશાપુરાની વિશેષ પૂજા કરે છે. તેઓ માતાના મઢ ખાતે પવિત્ર ચાચર કુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે માતાજીને પત્રી ચઢાવે છે. પત્રી એક વિશેષ પ્રકારની વનસ્પતિ છે. આ પત્રીને ઝીલવા મહારાવ ખોળો પાથરીને ઊભા રહે છે. જ્યાં સુધી પત્રી ખોળામાં પડે નહીં ત્યાં સુધી પૂજા ચાલુ જ રહે છે. પત્રીના પ્રાપ્ત થતાં જ માતાએ પ્રાર્થના સ્વીકારી હોય અને આશીર્વાદ આપ્યા હોય તેમ માઈભક્તો ધન્યતા અનુભવે છે.
- મહારાણીને મળેલો પત્રી વિધિનો અધિકાર રદ્દ, તો કોણ કરશે આસો નવરાત્રીની વિધિ જૂઓ
- કચ્છમાં માતાના મઢ ખાતે તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા પત્રી વિધિ કરવામાં આવશે