નખત્રાણાના કોટડા જરોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત (ETV Bharat Gujarat) કચ્છ :સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા, ત્યાં બીજી બાજુ સરહદી જિલ્લા કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી રહી છે. પથ્થરમારો કરી અસામાજિક તત્વોએ ગણપતિની મૂર્તિ ખંડિત કરી હોવા અંગે પૂજારી અને ગામના લોકોએ નખત્રાણા પોલીસને જાણ કરી હતી. પોલીસે કુલ 8 આરોપીઓ પૈકી 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે, જેમાં ત્રણ સગીર હોવાનું સામે આવ્યું છે.
3 સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા (Etv Bharat Gujarat) કચ્છમાં ગણપતિની મૂર્તિ ખંડિત :નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત કરવામાં આવેલ ઘટનામાં મળતી વિગતો મુજબ મૂર્તિ પર પથ્થર ફેંકી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ગણપતિની સૂંઢ ખંડિત થતા તેને પરત જોડવામાં આવી હતી.
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત :ગણપતિની મૂર્તિ તોડવા સાથે હિન્દુ ધાર્મિક સ્થળ પર લીલી ઝંડી પણ લગાવવામાં આવી હોવાની વાત સામે આવી હતી. જે મામલે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે બનાવ બાદ સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. હાલમાં પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી અને પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર મુલાકાત કરશે.
મંદિર પર લીલો ધ્વજ લગાવ્યો :ગઈકાલે સાંજના સમયે નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના નખત્રાણા જડોદર ગામમાં ગણપતિ પંડાલમાં ગણપતિની મૂર્તિની ખંડિત કરવાની ઘટના સામે આવી હતી. જેની જાણ થતાં સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા સ્થળ પર જઈને મુલાકાત લેવામાં આવી અને તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે બાજુમાં નાનું મંદિર છે, તેની પર લીલી ધજા ચડાવવામાં આવતા બંને બાબતો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
કુલ 7 આરોપીની અટકાયત :ગત રાત્રી દરમિયાન જ LCB and SOG પોલીસ ટીમ આ ઘટનાની તપાસમાં જોડાઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં ખાસ કરીને ગણપતિની મૂર્તિ ખંડિત થઈ છે, તે અપરાધમાં 3 સગીર બાળકોનો સમાવેશ થાય છે. બીજા મંદિર પર લીલી ધજા લગાવવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી હતી, તેમાં પણ પોલીસ દ્વારા 4 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ત્રણ સગીર આરોપી :સમગ્ર ઘટના અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમો હેઠળ 8 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી 7 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 3 આરોપી સગીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સગીર આરોપીઓ વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જનતા જોગ અપીલ :બનાવ બન્યા બાદ હાલમાં ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવાનું SP સાગર બાગમારે જણાવ્યું હતું. તેમજ ગામમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાની વાત પણ કરી હતી. કચ્છની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, આવી બાબતોમાં કોઈ પણ પ્રકારની અફવાઓ તેમજ સોશિયલ મીડિયામાં મેસેજ કે વીડિયો વાયરલ ના કરવા.
- સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 27 લોકોની ધરપકડ
- સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો : 23 આરોપીના બે દિવસના રિમાન્ડ