ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ: માંડવીના બાડા ગામનો દરિયા કાંઠો ઓલિવ રિડલી દરિયાઈ કાચબાનું સાસરું કેમ કહેવાય છે? - KUTCH MANDAVI BEACH

કચ્છના માંડવી તાલુકાના બાડા ગામના દરિયાઈ વિસ્તારમાં ઓલિવ રીડલી સી ટર્ટલ કે જેને સામાન્ય રીતે પેસિફિક રીડલી સી ટર્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માંડવીના બાડા ગામનો બીચ પર ખાસ કાચબા
માંડવીના બાડા ગામનો બીચ પર ખાસ કાચબા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2024, 6:03 AM IST

કચ્છ: કચ્છ કે જે ભૌગોલિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. તો અહીં જીવ સૃષ્ટિમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. અહીંના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતા કાચબાઓ પણ વિશિષ્ટ હોય છે અને ખાસ કરીને ઓલિવ રિડલી દરિયાઈ કાચબા કે જેને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચિ-1માં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

રીડલી સી ટર્ટલ બાડા ગામના દરિયા કાંઠે આવે છે (ETV Bharat Gujarat)

ઓલિવ રીડલી સી ટર્ટલનો સાસરું એટલે કે બાડાનો દરિયાકિનારો
કચ્છના માંડવી તાલુકાના બાડા ગામના દરિયાઈ વિસ્તારમાં ઓલિવ રીડલી સી ટર્ટલ કે જેને સામાન્ય રીતે પેસિફિક રીડલી સી ટર્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોટી માત્રામાં જોવા મળે છે. અને કચ્છનું બાડા ગામ કાચબાઓના સાસરા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ કાચબાઓ અહીં ઇંડા આપવા માટે પણ આવે છે. જેનું રક્ષણ અહીંના વનવિભાગના કર્મચારીઓ, સ્થાનિક લોકો અને માછીમારો પણ કરતા હોય છે.

માદા કાચબીએ ઈંડા આપવા કચ્છનો બીચ પસંદ કર્યો (ETV Bharat Gujarat)

ઓલિવ રીડલી સી ટર્ટલ
માંડવીનો બાડા ગામનો દરિયાકિનારો છે તે એકદમ ક્લીન દરિયાકિનારો છે. આ વિસ્તારમાં 3 પ્રકારના કાચબાઓ જોવા મળે છે. જેમાં ગ્રીન સી ટર્ટલ, ઓલિવ રીડલી સી ટર્ટલ અને લોગરહેડ ટર્ટલ. આ વિસ્તારમાં સૌથી વધુ ઓલિવ રીડલી સી ટર્ટલ જોવા મળે છે. આ પ્રજાતિ વિશ્વમાં જોવા મળતા તમામ દરિયાઈ કાચબાઓમાં બીજા નંબરની સૌથી નાની અને સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતી પ્રજાતિ છે.

કાચબાનો દેખાવ
ઓલિવ રીડલી સી ટર્ટલ લગભગ 61 સેમી એટલે કે 2 ફૂટ સુધી કેરેપેસ લંબાઈ એટલે કે તેના વળાંક સાથે માપવામાં આવે છે. તેનું વજન સરેરાશ 50 કિલો જેટલું રહેતું હોય છે. ઓલિવ રિડલી દરિયાઈ કાચબાને તેનું સામાન્ય નામ તેના ઓલિવ-રંગીન કેરાપેસ પરથી મળ્યું છે, જે હૃદયના આકારનું અને ગોળાકાર છે. ઓલિવ રીડલી સી ટર્ટલના નર અને માદા એક જ કદમાં વધે છે, પરંતુ માદાઓ નર કરતાં થોડી વધુ ગોળાકાર કેરાપેસ ધરાવે છે.

બાડા ગામનો બીચ ચોખ્ખાઈના કારણે કાચબાની પસંદ બન્યો (ETV Bharat Gujarat)

ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચિ-1માં સમાવિષ્ટ કાચબાની પ્રજાતિ
ઓલિવ રિડલી દરિયાઈ કાચબાને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચિ-1માં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. પ્રજાતિઓ IUCN હેઠળ સંવેદનશીલ તરીકે સૂચિબદ્ધ છે. આ દરિયાઈ કાચબાને 'માઇગ્રેટરી સ્પિસીઝ કન્વેન્શન' અને કન્વેન્શન ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ ઓન વાઈલ્ડલાઈફ ફ્લોરા એન્ડ ફૌના (CITES) હેઠળ પણ સુરક્ષિત કરવામાં આવ્યા છે.

દર વર્ષે માદા કાચબી ઈંડા આપવા અહીં આવે છે (ETV Bharat Gujarat)

માદા કાચબીઓ રાત્રીના સમયે ઇંડા આપવા આવે છે
માંડવી વિસ્તારના દરિયાઈ કિનારા ઉપર ઓલિવ રીડલી સી ટર્ટલની માદા કાચબીઓ રાત્રિના સમયે ઇંડા આપવા નીકળતી હોય છે. જેમાં તે 1.5થી 2 ફૂટનો ઊંડો ખાડો ખોદે છે જેમાં તે અલગ અલગ ત્રણ પ્રકારના ખાડા ખોદે છે. જેમાં તે એક ખાડામાં ઈંડા મૂકે છે અને બાકીના બે ડમી ખાડા બનાવે છે. માંડવીથી પીંગલેશ્વર સુધીનો દરિયો ખૂબ સ્વચ્છ છે. જેના કારણે તે આ વિસ્તારમાં ખાડા ખોદી ઈંડા આપવા આવે છે.

વનવિભાગ દ્વારા પણ આ કાચબાઓના ઉછેર અને સરક્ષણ માટે પ્રયત્નો
જે રીતે કોઈ વાહન ના ટાયરના નિશાન રેતી પર ઉપસી આવે તે રીતે કાચબાઓ અહીંથી પસાર થતાં હોય છે. ત્યારે તેના પાછળના ફ્લિપર્સ દ્વારા તે ચાલીને દરિયા કિનારા પર બહાર આવે છે તેના નિશાન પણ જોવા મળતા હોય છે. જેના પરથી સ્થાનિક લોકોને પણ જાણ થઈ જતી હોય છે કે આ વિસ્તારમાં કાચબાઓ આવ્યા છે. જેની જાણ વન વિભાગને પણ કરવામાં આવતી હોય છે. વનવિભાગ દ્વારા પણ આ કાચબાઓના ઉછેર અને તેના સંરક્ષણ માટે પણ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દર વર્ષે 8 થી 10 જેટલા માળાઓમાં કાચબાએ આપેલા ઈંડા માંથી બચ્ચાઓનો ઉછેર કરી અને પાછા તેમને દરિયામાં મૂકવામાં આવે છે.

દર વર્ષે માદા કાચબી ઈંડા આપવા અહીં આવે છે (ETV Bharat Gujarat)

150 જેટલા ઈંડાઓ આપે છે
ઓલિવ રીડલી સી ટર્ટલની માદા કાચબી ઓછામાં ઓછા 150થી 200 જેટલા ઇંડા આપતી હોય છે. ઓલિવ રિડલી કાચબા બે અલગ અલગ નેસ્ટિંગ કરતા હોય છે. જેમાં એકાંત નેસ્ટિંગ કે સૌથી વધુ પ્રચલિત છે અને બીજી સિંક્રનાઇઝ્ડ માસ નેસ્ટિંગ, જેને એરિબાડાસ કહેવાય છે. માદાઓ એ જ બીચ પર પાછી ફરે છે જ્યાંથી તેઓ ઇંડા મુકે છે. તેઓ લગભગ 1.5 ફૂટ ઊંડા શંખાકાર માળખામાં તેમના ઇંડા મૂકે છે, જે તેઓ તેમના પાછળના ફ્લિપર્સ વડે મહેનતપૂર્વક ખોદે છે.

બાડાનો દરિયા કિનારો કાચબાઓનું સાસરું
ઉલ્લેખનીય છે કે, ઓલિવ રીડલી સી ટર્ટલની માદા કાચબીઓ અહીં ઈંડા આપે છે તેમાંથી જન્મેલા બચ્ચાઓમાં જે માદા કાચબીઓ હોય છે તે મોટી થઈને પાછી આ જ જગ્યાએ ઈંડા આપવા આવતી હોય છે. જેથી બાડાના આ વિસ્તારને કાચબાઓનું સાસરું પણ કહેવામાં આવતું હોય છે. અહીંનું વાતાવરણ ઓલિવ રીડલી સી ટર્ટલ પ્રજાતિના આ કાચબાઓ માટે ખૂબ સાનુકૂળ હોય છે. જેથી તેઓ દર વર્ષે અહીં જ આવતા હોય છે.

ઓલિવ રીડલી સી ટર્ટલ બીચ પર ચાલે એટલે ટ્રેક્ટરના ટાયર જેવા નિશાન બને છે (ETV Bharat Gujarat)

ઓલિવ રિડલીનો ખોરાક
ઓલિવ રિડલી મુખ્યત્વે માંસાહારી કાચબો છે. સામાન્ય શિકારની વસ્તુઓમાં તે ટ્યુનિકેટ્સ, સ્ટારફિશ , દરિયાઈ અર્ચિન , બ્રાયોઝોઆન્સ , સ્ક્વિડ , બાયવલ્વ્સ , ગોકળગાય, બાર્નેકલ, ઝીંગા, કરચલા, રોક લોબસ્ટર અને સિપનક્યુલિડ વોર્મ્સનો ભોજન તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઓલિવ રીડલી અન્ય ખાદ્ય સ્ત્રોતોથી વંચિત વિસ્તારોમાં ફિલામેન્ટસ શેવાળને ખરોક તરીકે પણ લેતા હોય છે.

હેવી કેમિકલ કંપની આવશે તો આ પ્રજાતિનો નાશ થશે
સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે, આ વિસ્તારમાં જ આ કાચબાઓ જોવા મળે છે. ત્યારે અહીં આગામી સમયમાં એક હેવી કેમિકલ કંપની પોતાનું પ્લાન્ટ અહીં સ્થાપવા પ્રયત્નો કરી રહી છે. પરંતુ જો આ કંપની અહીં આવશે તો આ શિડયુઅલ 1માં સમાવિષ્ટ એવા કાચબાઓની પ્રજાતિનો નાશ થશે. કારણ કે આ હેવી કેમિકલ કંપની દરરોજ 16 લાખ ક્યુબિક મીટર સમુદ્રી પાણીના ઉપયોગ સામે દરરોજ 15.80 લાખ ક્યુબિક મીટર પાણીનું જરૂરી શુધ્ધિકરણ કરીને ભૂગર્ભ પાઈપલાઈન વાટે સમુદ્રમાં ગરમ પાણી પરત છોડશે.

આ પણ વાંચો:

  1. બે રૂપિયે કિલો વેચાઈ ડુંગળી, જુનાગઢ APMCમાં ડુંગળીના ભાવ તળીયે ગયા
  2. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પર દીવ જવાનો છે પ્લાન, તો દીવના આ 10 સ્થળ જોવાનું બિલ્કુલ ન ભૂલતા

ABOUT THE AUTHOR

...view details