ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: છેલ્લા 10 વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ પૂરુ પાડતો અનોખો શૈક્ષણિક યજ્ઞ - Free of Cost Tuition

કચ્છના માધાપર ગામમાં રહેતા ભીમજી લાડક છેલ્લા 10 વર્ષથી સહ પરિવાર કોલીવાસમાં આવેલા રામ મંદિરમાં 80થી 85 જેટલા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપીને તેમનું ઘડતર કરી રહ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Kutch Gandhidham Madhapar Last 10 Years Free of Cost Tuition

નિઃશુલ્ક શિક્ષણ પૂરુ પાડતો અનોખો શૈક્ષણિક યજ્ઞ
નિઃશુલ્ક શિક્ષણ પૂરુ પાડતો અનોખો શૈક્ષણિક યજ્ઞ

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 10:52 PM IST

છેલ્લા 10 વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ

કચ્છઃ પર સેવા માટે પરસેવો પાડવો એટલે કે બીજાનું ભલું થાય તે માટે પોતે શ્રમ કરવો. શિક્ષણ જગતમાં અનેક લોકો અનેકવિધ સેવાકાર્ય કરતા હોય છે. જેમાં સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓના જીવનના ઘડતર અને ભણતર માટે કચ્છના માધાપર ગામમાં રહેતા ભીમજી લાડક પણ શૈક્ષણિક યજ્ઞ કરી રહ્યા છે.છેલ્લા 10 વર્ષથી સહ પરિવાર કોલીવાસમાં આવેલા રામ મંદિરમાં 80થી 85 જેટલા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપીને તેમનું ઘડતર કરી રહ્યા છે.

મોંઘા શિક્ષણનો ઉપાય ફ્રી શિક્ષણઃ આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ મહત્વનું બની ગયું છે. જો કે શિક્ષણ મોંઘુ પણ બની રહ્યું છે. યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન થકી વિચારશક્તિ, કલ્પનાશક્તિ તો ખીલે જ છે સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આજના મોંઘવારીના સમયમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં બાળકો ઈચ્છતા હોવા છતાં મોંઘવારી અથવા ગરીબીના કારણોસર ભણી નથી શકતા અથવા તેમને પૂરતું શિક્ષણ મળતું નથી. સ્લમ વિસ્તારના બાળકોને પૂરતું ભણતર મળી રહે તે માટે માધાપર ગામમાં રહેતા ભીમજી લાડક કે જેઓ ચાર ચોપડી ભણેલા છે. તેઓ હાલમાં એક શાળામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લાં 10 વર્ષથી દરરોજ સાંજે માધાપરના રામ મંદિર ખાતે સ્લમ વિસ્તારના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન કરાવી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે.

દરરોજ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી અને પરીક્ષામાં 8:30 વાગ્યા સુધી

વર્ષ 2013થી શૈક્ષણિક યજ્ઞઃ વર્ષ 2013માં ભીમજી લાડક જ્યારે મંદિરના ઓટલા પર બેઠા હતા ત્યારે તેમને કોલી વાસમાં રહેતા લોકો કે જે સવાર સાંજ મજૂરી કરીને રોજીરોટી મેળવતા હોય છે તેમના બાળકો કંઈ રીતે ભણતા હશે? શાળામાં પણ સરકારી શાળાના શિક્ષણ સ્તરને ધ્યાનમાં રાખીને બાળકો ઊંચી ટ્યુશન ફી ભરીને ટ્યુશન પણ ના મેળવી શકતા હોય ત્યારે આ બાળકોને જાતે ટ્યુશન ભણાવવાનો વિચાર આવ્યો હતો. તેમની બંને દીકરી જયા લાડક અને જાગૃતિ લાડક તથા દીકરો ભરત લાડક પણ તેમના આ ઉમદા વિચાર તથા કાર્યમાં જોડાઈ ગયા. સમગ્ર પરિવાર અત્યારે માધાપરના કોલીવાસમાં આવેલા રામ મંદિરમાં 80થી 85 સ્લમ વિસ્તારના બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે.

સમગ્ર પરિવારનો સાથ મળ્યોઃ ભીમજી લાડકની નાની દીકરી જાગૃતી પોતે ભુજની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે અભ્યાસમાં MA Bed કર્યું છે. તેમની મોટી દીકરીએ પણ MA Bed કરેલું છે. જ્યારે તેમના દીકરા ભરત લાડકે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. પિતાજીની સાથે સાથે ત્રણેય ભાઈ બહેનો પણ ટ્યુશન કરાવવા લાગ્યા હતા. નોકરી પર જવાનું હોવા છતાં પણ આખો પરિવાર ચોક્કસ પણે ટ્યુશન આપવા માટે સમય ફાળવે છે.

કોલીવાસમાં આવેલા રામ મંદિરમાં 80થી 85 જેટલા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ

80થી 85 બાળકોને ટ્યુશનઃ 10 વર્ષ અગાઉ શરૂ થયેલ આ ટ્યુશન ક્લાસમાં શરૂઆત 20-25 બાળકોથી થઈ હતી. હાલમાં અહીં 80થી 85 જેટલા બાળકો ટ્યુશન લેવા આવે છે. માધાપરના કોલીવાસના બાળકો શાળાએ તો જાય જ છે, પરંતુ વધારે શિક્ષણ માટે તેમના માતા પિતા અહીં ફ્રી ટ્યુશન ક્લાસમાં મોકલે છે. ભીમજી લાડક અને તેમનો પરિવાર અહીં દરરોજ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી અને પરીક્ષામાં 8:30 વાગ્યા સુધી બાલમંદિરની લઈને 9મા ધોરણ સુધીના બાળકોને ટ્યુશન કરાવે છે.

શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચનઃ રામ મંદિરના પ્રાંગણમાં બાળકો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી જેવા વિવિધ વિષયોમાં અભ્યાસ કરીને આગળ વધી રહ્યા છે. અહીંથી ભણીને 2-3 છોકરાઓ નોકરીએ લાગ્યા છે. 10મુ ધોરણ પાસ કરીને ગયેલી દીકરીઓ કોલેજમાં પણ ભણતી થઈ છે. બાળકોને અહી ભણતરની સાથે તેમનામાં વિવિધ ધાર્મિક આસ્થાનું પણ સિંચન કરવામાં આવે છે. દરરોજ તેમને પ્રાર્થના પણ કરાવવામાં આવે છે. આમ ભીમજી લાડક તથા તેમના પરિવારજનોના આ ઉમદા વિચાર અને કાર્યોથી અહીં આવતા બાળકોના સારું ભવિષ્ય બનતા તેમના માતા પિતા પણ આભારી બન્યા છે.

અમે અહીં બાલમંદિરથી ધો.9 સુધીનું શિક્ષણ નિઃશુલ્ક પૂરુ પાડીએ છીએ. અમે 20થી 25 છોકરાઓથી શરુ કર્યુ હતું અત્યારે 80થી 85 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે...ભીમજી લાડક(ફ્રીમાં ટયુશન કરાવનાર, માધાપર, કચ્છ)

હું એમએ બીએડ છું મારા મોટા બેન પણ એમએ બીએડ છે. અમે બંને અને અમારો મિકેનિકલ એન્જિનિયર ભાઈ અહીં બાળકોને ફ્રીમાં શિક્ષણ પુરુ પાડીએ છીએ...જાગૃતિ લાડક(ફ્રીમાં ટયુશન કરાવનાર, માધાપર, કચ્છ)

હું રોજ સાંજે રામ મંદિરમાં 05.30થી 07.30 કલાક સુધી ટયુશનમાં શિક્ષણ મેળવવા આવું છું...ભવ્ય કોલી(વિદ્યાર્થી, માધાપર, કચ્છ)

મેં નાનપણથી ધોરણ 10 સુધીનું ટ્યુશન અહીં રામમંદિરમાં મેળવ્યું છે. અત્યારે હું સીક્યુરિટી ગાર્ડની નોકરી પણ કરી રહ્યો છું ...સુનિલ લાડક(પૂર્વ વિદ્યાર્થી, માધાપર, કચ્છ)

  1. ફ્રી શિક્ષણ આપતી શાળામાં છે અનેક સુવિધાઓ, જાણો કઇ સુવિધાઓનો કરાયો સમાવેશ...
  2. મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના બાળકોને મફત શિક્ષણ, સ્વનિર્ભર શાળા મંડળની જાહેરાત

ABOUT THE AUTHOR

...view details