કચ્છ :ગુજરાતમાં એક સાથે વરસાદની ત્રણ સિસ્ટમ બનતા ડીપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે. જેના કારણે ભારે વરસાદ અને ભારે ગતિથી પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વચ્ચે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.
"રેડ એલર્ટ" બાદ કચ્છ વહીવટી તંત્રએ "કમર કસી" (ETV Bharat Gujarat) પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ :કચ્છ સહિતના તમામ વિસ્તારના પોર્ટને એલર્ટ કરવામાં આવ્યા છે. કચ્છના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. માંડવી, કંડલા, કોટેશ્વર, જખૌ સહિતના બંદરોના માછીમારોને સલામત સ્થળે બોટ લાંગરી દેવાની સૂચનાને પગલે મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે.
પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ (ETV Bharat Gujarat) નાગરિકોને સાવચેત રહેવા અપીલ:ભારે વરસાદની આગાહીના પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા કલેકટર અમિત અરોરાએ તાકીદની બેઠક બોલાવી હતી. આ સ્થિતિ વચ્ચે જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે. રસ્તા પર પાપડી તેમજ કોઝવે પરથી જોખમી રીતે પસાર ન થવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
પંથકના ડેમો ઓવરફ્લો (ETV Bharat Gujarat) પંથકના ડેમો ઓવરફ્લો:કચ્છના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. કચ્છના મધ્યમ સિંચાઇના 20 ડેમો પૈકી મધ્યમ કક્ષાના 6 ડેમ ઓવરફલો થયા છે, જેમાં નિરોણા ડેમ, કંનકાવતી ડેમ, મિટ્ટી ડેમ, બેરાચીયા ડેમ, ડૉણ ડેમ અને ગજણસર ડેમ ઓવરફલો થયા છે. જળાશયો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નાની સિંચાઈના 170 ડેમો પૈકી 61 ડેમ ઓવરફલો થયા છે. તો નાની સિંચાઈ યોજનાના અન્ય 72 જેટલા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. તો વિજય સાગર ડેમ, ભારાપર ડેમ, મંજલ ડેમ, વાયોર ડેમ, નાના અંગીયા સહિતના ડેમો ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સાર્વત્રિક વરસાદ (ETV Bharat Gujarat) 24 કલાક કાર્યરત કંટ્રોલરૂમ:કચ્છના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ તલાટી મંત્રીઓ મારફત નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રને સ્થળાંતરની જરૂરિયાત જણાય તો સત્વરે કામગીરી કરવા પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહી પગલે કોઈ પણ નાગરિકોને તકલીફ પડે તો તાલુકા તથા જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અને ભારે વરસાદની આગાહી પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ રહેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
સાર્વત્રિક વરસાદી આંકડા:કચ્છમાં આગાહી મુજબ મેઘરાજા મહેરબાન થતાં છેલ્લા 24 કલાકમાં 2 થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં માંડવી અને નખત્રાણા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો મુન્દ્રા અને ભુજ તાલુકામાં 4 ઇંચ વરસાદ, અબડાસા અને લખપત તાલુકામાં 3 ઈંચ તથા રાપર, ભચાઉ અને અંજાર તાલુકામાં 2 થી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીધામ તાલુકામાં સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
- રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને અપીલ
- રાજકોટ વહીવટી તંત્ર સજ્જ, કલેકટર પ્રભવ જોશીનો જનતા જોગ સંદેશ