ધોરડો ગુજરાતના ટેબ્લોનું પ્રતિનિધિત્વ કરશે કચ્છઃ 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિતે દિલ્હીના કર્તવ્યપથ પર યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ તરીકે ધોરડો ગામની ઝાંખી રજૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ ટેબ્લો 'ધોરડો'માં કચ્છની રોગાન કળા, રણોત્સવ, ટેન્ટ સિટીની સચોટ રજૂઆત કરતી પ્રતિકૃતિ દર્શાવાશે.
રણોત્સવ અને ટેન્ટ સિટીની પ્રતિકૃતિ રજૂ કરાશે સરહદી ગામઃ કચ્છનું સરહદી ગામ ધોરડો તેની ખમીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરે છે. તેમજ રાજ્ય અને દેશના સરહદી વિસ્તારના પ્રવાસનને ઉત્તેજન આપે છે. પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરીત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બન્યું છે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલે 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર આ 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રો પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.
કચ્છી હસ્તકલા અને રોગાન આર્ટની કલાકૃતિ રજૂ થશે ગુજરાત ટેબ્લોઃ ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિઓને ઝાંખીના આગળના ભાગમાં ફરતા પૃથ્વીના ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને 'ભૂંગા' તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાનકલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની ઝાંખીમાં પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરી રહ્યા હોય તેવું તેમજ કલાકૃતિઓને ખરીદી કરી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જે ધોરડો ગામની પરંપરાની સાથે સાથે તેની ડિજિટલ પ્રગતિને પણ દર્શાવી રહી છે. ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ પણ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.
400 વર્ષ જૂનું ગામઃ કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી 85 કિલોમીટરના અંતરે આવેલ અને કચ્છની સરહદનું અંતિમ ગામ એટલે ધોરડો. જે 400 વર્ષ જૂનું ગામ છે. એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારમાં વસેલું છે. અહીં 150 જેટલા ઘર છે અને 1000 જેટલા લોકો અહીં વસે છે. મુખ્યત્વે અહીંના લોકો માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે. મોટા ભાગે અહીં લઘુમતી કોમના લોકો રહે છે. અહીં 600 ભેંસો, 50 ગાયો, 50 ઘેટાં-બકરાં, 10 ઘોડા અને 40 જેટલા ઊંટ છે.
છેવાડાનું પણ આધુનિક ગામઃ ધોરડો ગામમાં સમરસ ગ્રામ પંચાયત છે એટલે કે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો સાથે સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટાયા છે. આ ગામમાં અનેક જાતના વિકાસ થયા છે. પાણીની સવલતની વાત કરવામાં આવે તો દરેક ઘરમાં ઘરેલું ઉપયોગ માટે પાણીના નળનું કનેક્શન છે. ગામમાં 81000 કયુબિક મીટર પાણીની ક્ષમતા વાળા 2 તળાવ આવેલા છે. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ આવેલું છે.તથા 30,000 લીટરની ક્ષમતાનું પાણીનો ટાંકો આવેલો છે. ઉપરાંત ગામમાં 100 ટકા સ્વચ્છ ભારત મિશનની અમલવારી પણ જોવા મળે છે તથા દરેક ઘરમાં શૌચલયની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉપરાંત ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટ, સીસી રોડ, ઘડુલી સાંતલપુર નેશનલ હાઈ વે પણ બની રહ્યો છે. ઉપરાંત ગામમાં 66 kv નું પાવર સબ સ્ટેશન પણ આવેલું છે. ધોરડો ગામમાં દૂધ એકત્ર કરવા માટેની ડેરી પણ છે જેમાં દરરોજના 7000 લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે. અહીં પોલીસ સ્ટેશનની સુવિધા છે, બેન્ક ઓફ બરોડા બેન્ક છે તથા SBI બેંકનું ATM પણ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે. પંચાયત ઘર, કોમ્યુનિટી હોલની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ડિજિટલ વિલેજઃ ટેલીકોમ્યુનિકેશન માટે BSNL, VODAFONE અને jioના 4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગામમાં અન્ય વિકાસના કાર્યોની વાત કરવામાં આવે તો સરકારી શાળા પણ આવેલી છે. જેમાં ડિજિટલ ક્લાસરૂમ પણ છે. જ્યાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં કન્યા કેળવણી અંતર્ગત 40 જેટલી દીકરીઓએ 9મું ધોરણ પાસ કર્યું છે તો 10 જેટલી દીકરીએ 10મું ધોરણ પાસ કર્યું છે, 3 દીકરીઓએ 12મું ધોરણ પાસ કર્યું છે જ્યારે 1 દીકરીએ ઈંગ્લિશમાં MAની ડીગ્રી પણ મેળવી છે.
100 ટકા રોજગારીઃ ગામની બાજુમાં જ એક ખાનગી કંપની Agrocel આવેલી છે. જે વર્ષોથી ગામના 350 જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીંના યુવાનો જે ઓછું ભણેલા છે તેમને પણ આ કંપનીમાં છેલ્લા 24 વર્ષથી ટ્રેનિંગ આપીને રોજગારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટુરિઝમ પણ આવકનો અન્ય સ્ત્રોત ગણી શકાય. રણોત્સવમાં અહીંના લોકો તમામ મેનેજમેન્ટ કરીને હેન્ડિક્રાફ્ટની બનાવટોનું વેંચાણ, રિસોર્ટ, ગાઈડ, ઊંટ ગાડી ચલાવીને પણ રોજગારી મેળવી રહ્યા છે. ધોરડો ગામના કલકારોને નેશનલ એવોર્ડ પણ મળ્યાં છે. અહીંની કળા પણ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે. અહીં અનેક જાતની એબ્રોડરી વર્ક કરવામાં આવે છે ઉપરાંત પેચ વર્ક, લેધર વર્ક, મડ વર્ક વગેરે જેવી કળાનું કામ પણ અહીંના કલાકારો કરે છે. આ ઉપરાંત ધોરડો ગામને સમરસ ગ્રામ યોજનાના અનેક વાર એવોર્ડ મળ્યા છે.તથા પ્રવાસન ક્ષેત્રના પણ અનેક એવોર્ડ મળ્યા છે. ધોરડો ગામને 2011માં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો પણ ખિતાબ મળ્યો છે.
ગેટ વે ટુ રણ રિસોર્ટઃ અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેટ વે ટુ રણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું છે જેનું સંચાલન ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ સમિતિ કરે છે. ઉપરાંત અહીં 400 ટેન્ટનું ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.ઉપરાંત ટ્રેડિશનલ બન્નીના 36 જેટલા ભુંગા સાથેનું તોરણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ ગામમાં અનેક ખાનગી રિસોર્ટ અને હોટલ પણ આવેલી છે.
મહાનુભાવો બન્યા છે મહેમાનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધોરડોની અનેકવાર મુલાકાત લઈ ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, આનંદી પટેલ, પૂર્વ રાજ્યપાલ ઓ પી કોહલી, પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ, હમીદ અન્સારી, અમિતાભ બચ્ચન, Seychellesના વાઈસ પ્રેસિડેન્ટ, ગ્રેટ બ્રિટન અને ન્યૂઝિલેન્ડના હાઈ કમિશ્નર પણ ધોરડોની મુલાકાત લઈ ચૂક્યા છે. કચ્છ તથા ગુજરાતમાં રાજકીય તથા સામાજિક નેતાઓ અને અનેક દેશ વિદેશના પ્રવાસીઓ આ ગામની તથા રણોત્સવની મુલાકાતે આવી ચૂક્યા છે. તાજેતરમાં G20 ની ત્રિદિવસીય બેઠક પણ અહીં યોજવામાં આવી હતી.
ધોરડો ગામના લોકો માટે ગૌરવની વાત છે કે 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની ઝાંખીમાં કચ્છને સ્થાન આપવામાં આવ્યું છે. સરહદનું છેવાડાનું ગામ આજે સૌથી આગળ આવ્યું છે જે એક ખુશીની વાત છે. ગામના વિકાસના કારણે યુએન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ આપવામાં આવ્યો છે...મિયા હુસેન(સરપંચ, ધોરડો)
26મી જાન્યુઆરીના દિલ્હીના કર્તવ્યપથ પર યોજનારા કાર્યક્રમમાં ગુજરાતને સ્થાન મળ્યું છે અને તેમાં પણ કચ્છના ધોરડો અને કચ્છી હસ્ત કળાને સમાવવામાં આવ્યું છે જે ખૂબ જ ગૌરવની વાત છે.ખાસ કરીને જ્યારે કચ્છની 400 વર્ષ જૂની લુપ્ત થતી કળાને પણ આ ઝાંખીમા સમાવવામાં આવ્યું છે ત્યારે રોગાન કળાના કારીગરોમાં પણ ઉત્સાહ છે અને આના કારણે આ કળાને વધુ એક ઊંચાઈ મળશે. ઉલ્લેખનીય છે કે રોગાન કળાના કારીગરને પદ્મશ્રી એવોર્ડ મળ્યા બાદ આ કળા ફરીથી ઉજાગર થઈ છે...આશિષ કંસારા(રોગાન આર્ટિસ્ટ, કચ્છ)
- 'સફેદ રણનું અર્થશાસ્ત્ર': કચ્છ યુનિ.ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ બહાર પાડ્યું ખાસ પુસ્તક
- G20 Summit India : કચ્છના ધોરડો ખાતે 7થી 10 ફેબ્રુઆરી સુધી G 20 Summit, તૈયારીઓની કરાઈ સમીક્ષા