ગુજરાત

gujarat

ETV Bharat / state

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: કચ્છમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા કર્યો આપઘાત, પરિવાર આઘાતમાં... - MOBILE GAME SUICIDE CASE

કચ્છમાં વ્હાલા પુત્રએ ગેમ હારવા જેવી નજીવી બાબતે આપઘાત કરી લેતા સમગ્ર પરિવાર પર વજ્રઘાત...

કચ્છમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા કર્યો આપઘાત
કચ્છમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા કર્યો આપઘાત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2025, 7:14 PM IST

કચ્છઃકચ્છમાં હાલ છેલ્લાં કેટલાક સમયથી ચર્ચા અને આશ્ચર્ય જગાવતા ગુનાઓ બની રહ્યા છે ત્યારે આજે ભુજ તાલુકાના એક ગામે એક 17 વર્ષીય કિશોરના મોતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસની પ્રારંભીક તપાસમાં કિશોરે મોબાઈલ ગેમમાં હારી જતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા ગામમાં ગમગીની છવાઈ છે. પોલીસે આ બાબતે અકસ્માતે મોત સંદર્ભે ગુનો નોંધ્યો છે.

17 વર્ષીય યુવકે ગેમ હારી જતાં કર્યો આપઘાત

પ્રારંભીક પોલીસ કાર્યવાહીમાં સામે આવેલી વિગતો પ્રમાણે, ભુજ તાલુકાના એક ગામે 17 વર્ષીય કમલેશ (નામ બદલ્યું છે) કે જેને મોબાઈલ પર ગેમ રમવાની આદત હતી અને મોબાઈલમાં તે ઘણી બધી ગેમ્સ રમતો હતો. ત્યારે 4 જાન્યુઆરીના સાંજે 7 વાગ્યાના અરસામાં તે ગેમ હારી ગયો હતો. જેનું દુઃખ તેને લાગી આવ્યું હતું અને તેણે આઘાતમાં આવી નીંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી તેની તબિયત નાદુરસ્ત થતા તેના માતાપિતાને જાણ થતાં તે પોતાના બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.

કચ્છમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા કર્યો આપઘાત (Etv Bharat Gujarat)

ગેમ હારી જતા નીંદામણ બાળવાની ઝેરી દવા પીધી

ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ 8 જાન્યુઆરીના આ કિશોરનું મોત નીપજ્યું હતું. હતભાગી કિશોરના મોબાઈલમાં ઘણી બધી ગેમ્સ છે જોકે કઈ ગેમમાં હારી જતા તેણે અંતિમ પગલું ભર્યું છે તે પોલીસની તપાસ બાદ સામે આવશે. મૃતકના પિતા ધનજીભાઈ (નામ બદલ્યું છે) ખેતીકામ કરે છે અને પોતાના પુત્રએ ગેમ હારી જતા કરેલા આપઘાતના કારણે તેઓ પોતે આઘાતમાં છે અને પોતાનો વહાલસોયો પુત્ર ખોતા પરિવારમાં ગમગીની પણ છવાઈ છે. જોકે પરિવાર આઘાતમાં હોઈ તેમનો સંપર્ક સાધી શકાયો ન હતો.

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આજના આ આધુનિક યુગમાં સુવિધાઓની સાથે સાથે સમસ્યાઓ પણ વધી છે ત્યારે વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. કારણ કે આજે બાળકો દરરોજ અવનવી ગેમ્સ રમતા હોય છે જેમાં ઘણી ગેમમાં વિવિધ પ્રકારના ટાસ્ક પૂર્ણ કરવાના હોય છે ત્યારે અમુક સમયે ગેમ કે ટાસ્ક હારી જવાના દુઃખમાં આવેશમાં આવીને બાળકો ખોટા પગલાં ભરી લેતા હોય છે. ત્યારે વાલીઓએ બાળકો કોઈ આવા પગલાં ના ભરે તેમજ આવી કોઈ ગેમના સંકજામાં ના આવે તે માટે સતત દેખરેખ રાખવી જરૂરી બન્યું છે.

કિશોરનો મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઇ

પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમારે Etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મૃતક કિશોર કાર્તિક ઘરે મોબાઈલમાં અનેક ગેમ રમતો હતો ત્યારે કોઈ એક ગેમ રમતા તે હારી ગયો હતો. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સારવાર દરમિયાન તેણે પોતાના પિતાને ગેમ હારી જતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. મૃતક કિશોરનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.

  1. સુરત સિવિલમાં 3 માસની બાળકીનું મોત, પરિવારનો હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ, તપાસ કમિટી રચાઈ
  2. અમદાવાદ રેલવે સ્ટેશને બ્લોકેજના કારણે આ પેસેન્જર અને મેમૂ ટ્રેનો રદ રહેશે, જુઓ લિસ્ટ

ABOUT THE AUTHOR

...view details