કચ્છ: સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ ભુજમાં લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત 225 કિલાનો બુંદીનો લાડુ પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો હતો. તો સર્વે જ્ઞાતિજનોએ આ વિશાળ લાડુના દર્શન પણ કર્યા હતા.
લાડુમાં 75 કિલો બેસન, 60 કિલો ઘી, 30 કિલો તેલ, 50 કિલો ખાંડ, 10 કિલો ડ્રાય ફ્રુટનો ઉપયોગ (ETV Bharat Gujarat) જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે 225 કિલોનો બુંદીનો લાડુ બનાવાયો
સંત શિરોમણી શ્રી જલારામ બાપાના સૂત્ર 'દેને કો ટુકડા, ભલા લેને કો હરીનામ'ને સાર્થક કરતા સંત શિરોમણી જલારામ બાપાની પરોપકારની ભાવનાને પ્રજ્વલિત રાખનાર રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતિને ધાર્મિક પૂજન અર્ચન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે દર વર્ષે અનોખી રીતે અને કંઇક વિશિષ્ટ કરવાની ભાવના સાથે આયોજન કરવામાં આવતું હોય છે.
ગત વર્ષે 224 કિલોનો બાજરાનો રોટલો બનાવાયો હતો
કારતક સુદ સાતમ એટલે કે આવતીકાલે સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતી છે. ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ લોહાણા મહાજનના મંત્રી હિતેશ ઠક્કર, ઉપપ્રમુખ ઘનશ્યામ ઠકકરને જલારામ બાપાની 225 મી જન્મજયંતિ નિમિતે વિશિષ્ટ કરવાનો વિચાર આવ્યો અને ગત વર્ષે 224 કિલોનો બાપાને પ્રિય બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે 225 કિલોનો બુંદીનો વિશાળ લાડુ બનાવવાનો વિચાર આવ્યો છે. જેમાં ભુજ લોહાણા મહાજનના તમામ હોદ્દેદારો અને કારોબારી સમિતીએ પણ સમર્થન આપ્યું હતું.
ભુજમાં લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન (ETV Bharat Gujarat) લાડુમાં વપરાયેલ સામગ્રી
આ 225 કિલોના બુંદીના લાડુમાં 75 કિલો બેસન, 60 કિલો ઘી, 30 કિલો તેલ, 50 કિલો ખાંડ, 10 કિલો ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાડુ 4 ફૂટ પહોળો અને 2.5 ફૂટ ઊંચો છે. જેને બનાવતા 1 કલાકનો સમય લાગ્યો છે જ્યારે તેને 6 કલાક જેટલો સમય સંચામાં રાખવામાં આવ્યો હતો જેથી તે એક ચોક્કસ આકારમાં રહી શકે.
સમાજના લોકો માટે સાંજે દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો
225 કિલોના આ મહાકાય બુંદીના લાડુને સાંજે 6.30થી રાત્રિના 11 વાગ્યા સુધી સર્વ સમાજ માટે દર્શન માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતી પ્રસંગે 225 કિલોનો મહાકાય બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિશાળ લાડુને આજે તમામ સમાજના લોકો માટે સાંજે દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સંગીતમય મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
બુંદીનો લાડુ તૈયાર કરતા સમયની તસવીર (ETV Bharat Gujarat) વિશાળ લાડુનો પ્રસાદ દરિદ્ર નારાયણોને પણ આપવામાં આવશે
આવતીકાલે જલારામ બાપાની 225 જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સાંજે લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિ જમણમાં પ્રસાદ સ્વરૂપે લાડુની પ્રસાદી પીરસવામાં આવશે. આ ઉપરાંત લોહાણા મહાજન દ્વારા દરિદ્ર નારાયણો માટે પણ ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તો આ ઉપરાંત ભુજ લોહાણા યુવા મંડળ દ્વારા પણ રવિવારના દિવસે 225 બોટલ રક્ત એકઠું કરવા માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રહેતા
સંત જલારામબાપાનો જન્મ 4 નવેમ્બર 1799ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા અને આજે પણ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર ચાલે છે.
આ પણ વાંચો:
- પાવાગઢમાં માતાજી દાગીનાની ચોરી બાદ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, આ દિવસથી મંદિરના દ્વાર બંધ થશે, પછી ક્યારે ખુલશે?
- વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને PM મોદીએ નવા વર્ષ પર મોકલ્યો ખાસ મેસેજ, પત્ર લખીને વડાપ્રધાને શું કહ્યું?