રૂપાલાનો વિરોધ કરવા જતી ક્ષત્રાણીઓની અટકાયત રાજકોટ:જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ક્ષત્રિયોનું પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનું સ્વયંભૂ આંદોલન ઉગ્ર અને તીવ્ર બનતું જાય છે. રાજકોટ ખાતે આવેલા ભાજપનાં કાર્યાલય કમલમ ખાતે રૂપાલાનો વિરોધ કરવા જનારી ક્ષત્રાણીઓની પોલીસે અટકાયત કરી હતી. તો ગુરુવારનાં દિવસે શહેરનાં પશ્ચિમ ભાગમાં રૂપાલાનાં લાગેલા હોર્ડિંગ પર શાહી ફેંકવામાં આવી હતી.
હોર્ડિંગ પર શાહી ફેંકવામાં આવી ક્ષત્રાણીઓની અટકાયત:શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે પુરષોત્તમ રૂપાલા સાથે પક્ષનાં કાર્યકર્તાઓ માટે યોજાનારા સ્નેહમિલનનાં સમારંભમાં ક્ષત્રાણીઓ પદ્મિનીબા વાળાની આગેવાની હેઠળ તેમનો વિરોધ નોંધાવવા પહોંચી હતી. વિરોધ દરમિયાન બહેનો દ્વારા થયેલા દેખાવમાં ક્ષત્રિયાણીઓ સાથે પોલીસે ભાજપના સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં કરેલ વ્યવહારને અતિ નિંદનીય ગણાવતાં રાજકોટ ક્ષત્રિય સમાજની બધી સંસ્થાના હોદ્દેદારો શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખને કરી રજૂઆત:
રજૂઆત કરનારા ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ ભારતીય જનતા પક્ષનાં શહેર પ્રમુખ મુકેશ દોશીને મળીને ઉપરોક્ત મુદ્દે આવેદન આપતા કહ્યું હતું કે રાજપુતની મર્યાદા સમાન એવી ક્ષત્રિય સમાજની પાઘડી અને સ્ત્રીઓનાં સાડી સાથે જે રીતે અડપલા કરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજ ઉશ્કેરાશે, જ્યારે અન્ય હોદેદારોએ એવી લાગણી પણ દર્શાવી હતી કે બિનજરૂરી બળપ્રયોગ અને અપમાન થઈ રહ્યું છે તેમજ ઉશ્કેરણીજનક નિવેદનો જે ઉચ્ચારવામાં આવી રહ્યા છે તે ન થાય. શહેર પ્રમુખ મુકેશ દોશીએ બાહેંધરી પણ આપી હતી કે ક્ષત્રિય સમાજની આ લાગણી અને તેમની રજૂઆત પક્ષમાં યોગ્ય સ્થળે પ્રદેશનાં મોવડીઓ સુધી એક કલાકમાં જ પહોંચાડવામાં આવશે.
એક યુવક અને પોલીસ અધિકારી વચ્ચે બોલાચાલી:
પોલીસે વિરોધ કરી રહેલી ક્ષત્રાણીઓની અટકાયત કરીને તેમને પોલીસનાં વાહનમાં બેસાડયા ત્યારે પદ્મિનીબા વાળા અટકાયતનું વોરંટની માગણી પણ કરતા જોવા મળ્યા હતા અને જતા જતા પોલીસ વાહનની બારીમાંથી "અમારી અટકાયત ખોટી રીતે કરવામાં આવી છે"ની વાત ભારપૂર્વક રજુ કરતા પણ જોવા મળ્યા હતા. તે સમયે જ ઘટનાસ્થળે એક યુવક ઘસી આવ્યો હતો અને ક્રોધિત થઈને પૂછી રહ્યો હતો કે સ્ત્રીઓને હાથ કોણે લગાડ્યો ત્યારે ત્યાં સિવિલ ડ્રેસમાં હાજર રહેલ પોલીસ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી થતી જોવા પણ મળી હતી.
શું રૂપાલાની ટિકિટ કપાશે ?
તો બીજી તરફ "અમૃત સાગર" પાર્ટી પ્લોટમાં પક્ષની લોકસભાની ચૂંટણીમાં આયાતી ઉમેદવાર પુરષોતમ રૂપાલાને જીતાડવા માટે ચાલી રહેલા માનસિક, શાબ્દિક અને વૈચારિક મનોમંથનમાં પરશોત્તમ રૂપાલાએ તેની આગવી શૈલીમાં (દોહા અને શાયરીરૂપે) પોતાનો પક્ષ રાખતા એક વાત સ્પષ્ટ રીતે રજુ કરી હતી. તેનાથી ઘણી ધારણાઓ ધ્વસ્ત થઈ હોવાની ચર્ચાઓ રાજકોટનાં રાજકીય ગલિયારાઓમાં શરૂ થઈ ગઈ છે અને એ વાતને પણ સમર્થન મળી ગયું છે કે રૂપાલા રાજકોટની લોકસભાની બેઠક પર એ પર એવા ઉમેદવાર છે જેના પર કોઈ ચોક્કસ મોટા નેતાનાં આશીર્વાદ છે અને જ્ઞાતિગત મતોનું રાજકારણ અને સમીકરણ તેમના પક્ષે છે અને એ પરિસ્થિતિને ધ્યાને લેતા હવે રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ થાય તે વાત સંપૂર્ણપણે અસ્થાને છે.
રાજપૂતોનો રૂપાલા વિરુદ્ધનો જંગ શું રંગ લાવશે એ તો આવનારો સમય જ કહેશે, જ્યારે આ ઘટી રહેલા રાજકીય અને સામાજીક ઘટનાક્રમ વચ્ચે 14મી એપ્રિલ, રવિવારનાં દિવસે રાજકોટ ખાતે યોજાનારા ક્ષત્રિય મહાસંમેલન પર સહુની નજર ટકેલી છે અને ત્યારબાદ 16 તારીખે રૂપાલા જ્યારે ઉમેદવારી નોંધાવશે ત્યારબાદ આ રૂપાલા વિરુદ્ધનું રાજપુતી આંદોલન કઈ દિશામાં અને ક્યાં પક્ષની દશા બદલશે તે જ જોવું રહ્યું.
- ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આજે નોંધાવી શકાશે ઉમેદવારી - Lok Sabha Election 2024
- 'મારા વતી પ્રાર્થના કરજો, ધુણતા ધુણતા ઘર સામે નારિયેળ નાખજો' ગેનીબેન પહોંચ્યા ભુવાજીની શરણે - Lok Sabha Election 2024