જૂનાગઢ:તાલાલા પોલીસે ફિલ્મની કોઈ કહાની જેવો કિસ્સો શોધી કાઢીને મોતને અકસ્માતમાં ખપાવવા માટે કરવામાં આવેલી ખોટી ફરિયાદને આધારે રાહુલ વાજા નામના આરોપીને અટકાયત કરી હતી. સમગ્ર ઘટનામાં ફિલ્મી સ્ટંટ ત્યારે સામે આવ્યો, જ્યારે પોલીસે મૃતક મનસુખ વાજાના મોતની તપાસ તેમના ભાઈ રાહુલ વાજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદની તપાસમાં ખુલાસો થયો કે સમગ્ર ઘટનામાં મૃતકના ભાઈ રાહુલ વાજા દ્વારા સરકારને ગેરમાર્ગે દોરીને મળવાપાત્ર વિમાની સહાય મેળવવા માટે સમગ્ર કારસ્તાન ઘડવામાં આવ્યું હતું. વાસ્તવિક ઘટના અંગેની વિગતો તાલાલા પોલીસને મળતા પોલીસે તપાસને અંતે રાહુલ વાજા નામના આરોપીની અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે, રાહુલ વાજા જ સમગ્ર મામલામાં પહેલા ફરિયાદી પણ હતો.
મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ: ફરિયાદીના ભાઈ મનસુખ વાજાનું મોત 23 જૂન 2024ના રોજ ઘુસીયા નજીક આવેલી તેમની વાડીના ખેતરમાં બંધ પડેલા કુવામાં પડી જવાન કારણે થયું હતું. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, 45 વર્ષીય મનસુખભાઈ સવારના સાડા સાત આઠેક વાગ્યાના અરસામા પોતાના ખેતરએ મોટરસાઇકલ લઇને પાણી વાળવા ગયેલ ત્યારે પોતાના ખેતરમા બંધ હાલતમા પડતર પાસે બેઠેલ હતા તે વખતે મનસુખભાઇને અચાનક ચક્કર આવતા તેઓ કુવામાં પડી ગયા હતા. પરિણામે તેમને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
ખોટી ફરિયાદ નોંધાવી: મૃતક મનસુખભાઈના મોતના 24 કલાક બાદ તેનો ભાઈ રાહુલ વાજાએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે અને મૃતક મનસુખભાઈ વાજા સ્કૂટર પર ઘુસિયા નજીક આવેલી તેમની વાડીમાં ખેતર કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન જંગલી ભૂંડ રસ્તા વચ્ચે પડતા બાઈકનો અકસ્માત થયો હતો જેમાં મનસુખભાઈનું મોત થયું હતું.