જૂનાગઢઃ જુલાઈમાં જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આજે મનપા દ્વારા 5 વર્ષનું અંતિમ બજેટ રજૂ કરાયું હતું. આ પ્રસંગે મેયર ગીતા પરમારે જૂનાગઢ મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત બજેટ બોર્ડમાં હલવા મીજબાનીની પરંપરા શરૂ કરી હતી. આજે બજેટ બોર્ડ પૂર્ણ થયા બાદ તમામ કોર્પોરેટર્સ અધિકારીઓ, કર્મચારીઓની સાથે જનરલ બોર્ડમાં હાજર સૌ કોઈ માટે મેયર ગીતાબેન પરમારે હલવો પીરસીને બજેટ રજૂઆતને અનોખી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
દેશની સંસદની પરંપરાઃ બજેટ વખતે હલવા મિજબાનીની પરંપરા દેશની સંસદમાં આજે પણ જોવા મળે છે. પાછલા 5 વર્ષથી કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ પૂર્વે હલવા મિજબાની રાખે છે. જેમાં નાણાં વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પાર્લામેન્ટના સભ્યો સામેલ થતા હોય છે. આ જ પરંપરાને આ વર્ષે જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત મેયર દ્વારા શરુ કરવામાં આવી હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની પાર્લામેન્ટ પછી બીજી એવી સંસ્થા બની છે કે જ્યાં બજેટ બોર્ડ વખતે હલવા મિજબાનીનું આયોજન થયું હોય. આ પ્રકારે કોઈ પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં બજેટ વખતે હલવો પીરસવાની પરંપરા હજુ જોવા કે સાંભળવા મળી નથી.