જૂનાગઢઃ આવતીકાલ 5મીથી 8મી માર્ચ સુધી ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો મહા શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. 5 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો આવતા હોય છે. આ તમામની સુરક્ષાની જાળવણીની સાથે મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય કે અકસ્માતની ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસે મેળાની સુરક્ષાને લઈને આયોજન કર્યુ છે. જેમાં જૂનાગઢ શહેરથી ભાવનાથ તળેટી સુધીના વિસ્તારોને 5 અલગ અલગ ઝોનમાં વિભાજિત કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓની ડ્યૂટી ફાળવવામાં આવી છે.
વિવિધ આધુનિક ઉપકરણોની જોગવાઈઃ 5મીથી 8મી માર્ચ સુધી મેળા દરમિયાન દામોદર કુંડ, રુપાયતન, ભવનાથ, ગિરનાર વિસ્તાર અને જૂનાગઢ શહેરને સુરક્ષાની દ્રષ્ટિએ 5 અલગ અલગ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ પ્રત્યેક ઝોનમાં ડીવાયએસપીના સુપરવિઝન સાથે એસઆરપી જવાનો 24 કલાક રાઉન્ડ ધ ક્લોક મેળામાં આવતા પ્રવાસીઓની સુરક્ષાને સઘન બનાવશે. પોલીસ બોડી વાર્ન કેમેરા, વોકીટોકી, વાયરલેસ સેટ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને મેળા અને ભવનાથ આવેલા યાત્રિકોની સુરક્ષા માટે કામગીરી કરશે. મેળા દરમિયાન 22 સ્ટેજ, 04 રાવટી, 07 વોચ ટાવર, 05 પીઆરઓ સ્ટેન્ડ પણ મેળા દરમિયાન ખાસ ઊભા કરવામાં આવશે.
એડિશનલ સીસીટીવી કેમેરાઃ મહા શિવરાત્રીના મેળા દરમિયાન 5 દિવસ સુધી અંદાજિત 15 થી 20 લાખ ભાવિકો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયે ખૂબ મોટી સંખ્યામાં આવેલા ભાવિકોના ખિસ્સા કાપવા અને મોબાઈલ ચોરી કરવા માટે પણ કેટલાક આવારા તત્વો આવતા હોય છે. જેને પકડી પાડવા માટે 10 જેટલી સર્વલન્સ ટીમો પણ ઊભી કરવામાં આવી છે. આ સિવાય મહિલા અને બાળકોને કોઈ પણ મુશ્કેલી ના પાડે અને મુશ્કેલીના સમયમાં તેને સુરક્ષા આપી શકાય તે માટે 10 જેટલી શી ટીમો પણ કાર્યરત કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં લાગેલા સીસીટીવી સિવાય વધારાના 79 જેટલા કેમેરાઓ પણ લગાવવામાં આવશે. જેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભવનાથ પોલીસ મથકમાં ઊભું કરવામાં આવ્યું છે.
5મીથી 8મી માર્ચ સુધી ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો મહા શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે 2800થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાશે. પોલીસ કર્મચારીઓ પાસે બોડીવોર્ન કેમેરા અને વોકીટોકી હશે. 79 જેટલા સીસીટીવી કેમેરાનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભવનાથ પોલીસ સ્ટેશનમાં ઊભું કરાશે. ડ્રોન દ્વારા ટ્રાફિક સર્વેલન્સ હાથ ધરાશે...હર્ષદ મહેતા(પોલીસ અધિક્ષક, જૂનાગઢ)
- Plastic Free Campaign: મહા શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક ફ્રી અવેરનેસ માટે કલાકારોએ કેમ્પેન શરુ કર્યુ
- Maha Shivratri: યુરોપિયન્સ રંગાયા ભારતીય સંસ્કૃતિના રંગમાં, મહાશિવરાત્રિ મેળામાં જામી ભીડ