જૂનાગઢઃ આગામી 5થી 8મી માર્ચ સુધી ભવનાથમાં મહા શિવરાત્રી મેળો યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્યમાંથી નાના અને છૂટક વેપારીઓ રોજગારી મેળવવા માટે આવે છે. જૂનાગઢ મનપા દ્વારા ભવનાથના મેળા વિસ્તારમાં 60 જેટલા ખુલ્લા પ્લોટ્સની વેપારીઓ માટે જાહેર હરાજી કરવામાં આવી. આ પ્લોટ્સનો કબજો આજથી સોંપી દેવામાં આવશે. મેળો પૂર્ણ થયા બાદ ફરી ખુલ્લા પ્લોટ્સ 9તારીખ સુધીમાં જૂનાગઢ મનપાને હસ્તાંતરીત કરવાના રહેશે.
મનપાને થશે આવકઃ મહાશિવરાત્રીના મેળામાં 60 જેટલા અલગ અલગ સ્થળો પર પ્લોટ્સની જાહેર હરાજી જૂનાગઢ મનપાએ કરી છે. જેના પરિણામે મનપાને 12થી 15 લાખ રૂપિયાની આવક થવાની શક્યતા છે. 30 જેટલા પ્લોટ્સ જે સરકારના વિવિધ વિભાગોને ફાળવવામાં આવતા હોય છે. આજે ફાળવણી કરેલા તમામ પ્લોટ્સ પર પ્લાસ્ટિક નહીં વેચવું, સ્વચ્છતા જાળવવી અને અકસ્માતને આમંત્રણ આપી શકાય તેવી તમામ ગતિવિધિઓથી દૂર રહેવાની શરતે વેપારીઓને જાહેર હરાજી બાદ પ્લોટ્સની ફાળવણી કરાઈ. 60 પ્લોટ્સ માંથી 35 જેટલા પ્લોટ્સ પર નાના વેપારીઓએ રોજગારી અર્થે પોતાનો ઉત્સાહ દેખાડ્યો હતો.