ગાંધીનગર:રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના સૂર રેલાવી રહ્યા છે. જેમાં ખાસ લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ, ટોલટેક્સ મુદ્દે પત્ર બાદ ફરી તેમણે સીધી પ્રધામંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા છે. તો ચાલો જાણીએ જવાહર ચાવડાના પત્ર બોમ્બમાં શું લખ્યું છે.
જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારો ને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.
તેમણે વધુમાં લખ્યું કે, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બેન્કમાં પ્રમુખ ૩. માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે). બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું, 1. તાલાળા 2. વિસાવદર 3. જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યુ હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્ફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરઉપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃતિ હોય તો જ આ બને).
તેમણે જણાવ્યું કે આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો 1. કનુભાઈ ભાલાળા 2. ઠાકરશીભાઈ જાવિયા 3. માધાભાઈ બોરીચા વગેરેએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી, ક્યાંક કોઇ રહેમ નજર હેઠળ દબાઇ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લીસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે.
તેમના પત્રમાં લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું ? પ્રજાનો સામનો કેમ કરવો ? આ સાથે તેમણે અગાઉ કરેલ્ર્ર રજૂઆતની પાંચ ફરિયાદ પણ જોડી છે.
ટોલટેક્સ મુદ્દે પોરબંદરના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને લખી ચૂક્યા છે પત્ર
ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ટોલટેક્સ મુદ્દે સરકારથી નારાજગી વ્યક્ત કરી હતી. ટોલ ટેક્સ મામલે જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ધગધગતો પત્ર લખ્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ટોલટેક્સને લઈને ફરિયાદ કરી હતી. પત્રમાં લખ્યું હતું કે આપને જાણીને આઘાત અને આશ્ચર્ય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર આપના જ મતક્ષેત્રના એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજૂઆત તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય ત્યારે સહુને અસહ્ય ટોલટેક્સ ભરવો પડે છે જે સરાસર અન્યાય છે. આપ પણ સંમત થશો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોને પોતાની રજૂઆત તાલુકા, જીલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જતી વેળાએ આ ટોલટેક્સનો માર પડતો નથી.
જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ભાજપને આપી હતી ખુલ્લી ચેલેન્જ
ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને પોતાની પાછળ વ્હાઇટ બોર્ડમાં ચોંટાડેલું ભારતીય જનતા પાર્ટીનું પોસ્ટર ઉતારીને જણાવ્યું કે નમસ્કાર મનસુખભાઈ માંડવીયા આપને નહીં ધ્યાનમાં હોય કે મારી ઓળખ આ હતી. તેમણે પોસ્ટરની પાછળ મશાલા લઈને ઉભેલો યુવાનનું ચિત્ર તરફ ઈશારો કરી જણાવ્યું કે દસ વર્ષ દરમિયાન માણાવદર અને વંથલીના ખેડૂતો ખાતર પ્રશ્ન હોય, બિયારણના પ્રશ્નો હોય, ધોવાણના પ્રશ્ન હોય, પાક વીમાના પ્રશ્ન હોય, તમામ પ્રશ્ન મેં ઉઠાવ્યા છે. અમારા વિસ્તારનો સૌથી મોટો ખેડૂતનો પ્રશ્ન ડાર્ક ઝોનનો હતો. ડાર્ક ઝોન વિરુદ્ધ મુવમેન્ટ મેં ત્રણ વર્ષે ઉઠાવી હતી. તેથી સરકારે ડાર્ક ઝોન પાછો ઉઠાવ્યો હતો. 600 કરોડનું જુનાગઢમાં પાછા લાવવાનું અભિયાન મેં ચલાવ્યું હતું. જુનાગઢમાં લોકશાહી બચાવો અભિયાન મેં ચલાવ્યું હતું. જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ સહાયતા અભિયાન ચલાવ્યું હતું. સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં પાંચ થી છ જિલ્લામાં 21 તાલુકામાં આ અભિયાન ચલાવ્યું હતું. તે હેઠળ 75 હજારથી વધુ ગરીબોને બીપીએલના કાર્ડ આપ્યા હતા. આ મારું કામ હતું. આ મારી ઓળખ હતી. તેની ઉપર ભાજપે પોતાની ઓળખ લગાડે છે. આટલી હિંમત, તાકાત અને તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. જવાહર ચાવડા નો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકોએ કોમેન્ટ્સનો મારો કર્યો છે.
ભાજપના ઋણ શિકાર કાર્યક્રમમાં મનસુખ માંડવીએ ચાવડા પર કર્યા હતા પ્રહાર
લોકસભા ચૂંટણી બાદ વંથલીમાં ભાજપનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આડતરી રીતે જવાહર ચાવડા પર નિશાન ટાંક્યું હતું. તેમણે ઈશારા ઈશારામાં જવાહર ચાવડા પર કટાક્ષ કરી જણાવ્યું કે જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાડતા હોય તેમણે ભાજપનું કામ કરવું જોઈએ. કેટલાક રિસાયા તો મે આગેવાનોને કહ્યું કે શું કરીશું? આગેવાનોએ એકી અવાજે કહ્યું કે "લડી લઈશું" તમે બધાએ લડી લીધું છે દોસ્તો.
જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે કે નહીં ?
ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નવા જુની કરે તેવી સંભાવના છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સીમ્બોલ હટાવ્યો છે અને ભાજપની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ નીષ્ક્રીય રહ્યા હતા. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા
જવાહર ચાવડાનું અચાનક આ પ્રકારનું વર્તન કોઈ નવી વાત નથી કારણ કે લોકસભાની ચૂંટણી સમયે અને બાદમાં તેઓ ભાજપના એકપણ કાર્યક્રમમાં દેખાયા ન હતા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ દિવસે વંથલી ખાતે સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જે બાદ જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી. આ સિવાય જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવી હતી. જવાહર ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાની પણ રાજકીય વર્તુળમાં ચર્ચા છે.