જામનગર: જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં ગઈકાલે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. ગામના સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં ગામમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નિકળી છે. જ્યારે ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન:મુખ્યત્વે મગફળીની ઋતુ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પરિણામે ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન થયું છે. ખાસ કરીને, આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે.