ગુજરાત

gujarat

ETV Bharat / state

ATMમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, અલગ અલગ રાજ્યોમાં 50થી વધુ ચોરીના બનાવ

અલગ અલગ રાજ્યોમાં ATM માં છેડછાડ કરીને 50થી વધુ ચોરીને અંજામ આપનાર ગેંગને જામનગર પોલીસ LCB ટીમ દ્વારા પકડવામાં આવ્યા છે.

ATMમાં ચોરી કરનાર આરોપી
ATMમાં ચોરી કરનાર આરોપી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

જામનગર :ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ATMમાં છેડછાડ કરીને 50થી વધુ ચોરીને અંજામ આપનાર ગેંગને જામનગર પોલીસ LCB ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને પકડવામાં આવી છે.

ATMમાં ચોરીના બનાવ :સેકશન રોડ અને ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ATMમાં છેડછાડ કરીને ખાતામાંથી રોકડ રકમને તફડાવી લેવાની ફરિયાદો દાખલ થઈ હતી. છેલ્લા થોડા સમયથી ATM મશીનમાં છેડછાડ કરીને રૂપિયા કાઢી લેતા હોવાના બનાવો સામે આવતા SP પ્રેમસુખ ડેલુ અને ઈન્ચાર્જ SP વી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ LCB ટીમે આ દિશામાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ :આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ATM કેસ ડીસ્પેન્શરમાં છેડછાડ કરીને રૂપિયાની ચોરી કરનાર ગેંગના ત્રણ ઈસમો સંગઠિત ટોળકી બનાવીને સેલ્ટોસ કાર નં. GJ18BM6869 લઈને શહેરના પંચવટી કોલેજના ખૂણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસેના રોડ પર આવેલા છે. અહીં ATM માંથી પૈસા કાઢવાની તૈયારી કરવા આંટાફેરા કરે છે.

ત્રણ આરોપી ઝડપાયા :આ બાતમીના આધારે પોલીસે સ્થળે પહોંચી રાજસ્થાન બિકાનેરના ડુંગરગઢ તાલુકાના કલ્યાણસર ગામના પુનમખાન ડયાલખાન માલીયા, કલ્યાણસરના રામપ્રકાશ રામકરણ ગોદારા, રાજસ્થાનના બાડસર ગામના ગૌરીશંકર ગીરધરલાલ સુથારને પકડી લીધા હતા. તપાસમાં ધાનેરુ ગામના હરમનરામ નથુરામ ભાકરની સંડોવણી ખુલી હતી, જેની તપાસ જામનગર એલસીબી દ્વારા ચાલુ છે.

50થી વધુ ચોરીના બનાવ :પોલીસ તપાસમાં 47,500 રોકડ, સેલ્ટોસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટર, ફેવિક્વિક, પીવીસી પટ્ટીઓ, ATM કાર્ડ, 3 મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ અલગ અલગ જિલ્લાના 50થી વધુ ATM માં છેડછાડ કરીને આશરે સાડા ચાર લાખથી વધુની રકમ ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યુ છે. આરોપી ગૌરીશંકર બારડોલી અને નવસારીમાં બે ગુનામાં સંડોવાયેલ છે અને એક ગુનામાં જેલવાસ ભોગવી ફરી આવા ગુનાને અંજામ આપતા પોલીસના સકંજામાં આવી ગયો છે.

ભેજાબાજ ટોળકીની મોડ્સ ઓપરેન્ડી :આ ટોળકી ભેગા મળી કોઈ ATM ને ટાર્ગેટ કરતી. પછી ATM ના કેસ ડીસ્પેન્સર પર તેના માપની અને તેને મળતી કલરની પ્લાસ્ટિકની પટ્ટી ફેવિક્વીક વડે ચોંટાડી દેતા. જ્યારે કોઈ ATM ધારક રૂપિયા ઉપાડવા કાર્ડ નાખતા અને રૂપિયા કેશ ડિસ્પેન્સરમાંથી બહાર ન નીકળતા, કંટાળીને ATM ધારક બહાર નીકળી જાય. ત્યારબાદ આરોપીઓ ATM માં જઈને પોતે લગાવેલ પ્લાસ્ટિકની પટ્ટી ઉખેડી કેસ ડીસ્પેન્સરમાંથી રૂપિયા લઈને ચોરી કરી જતા હતા. આ ગેંગના ત્રણેય આરોપી પ્લેન મારફતે અન્ય રાજ્યમાં ATMમાં ચોરી કરવા જતા હતા.

  1. જામનગર પોલીસે ઓનલાઈન ઠગાઈ મામલે 11 શખ્સોને ઝડપ્યા
  2. રાજકોટમાં SOG ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપ્યો

ABOUT THE AUTHOR

...view details