ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM ભાજપની B ટીમ તરીકે ઉતરી રહી છે? સાબિર કાબલીવાલાએ જુઓ શું કહ્યું - AIMIM IN GUJARAT ELECTION

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM પાર્ટી પોતાના 142 ઉમેદવારો મેદાનમાં ઉતારશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 8:09 PM IST

અમદાવાદ: ગુજરાતમાં 16 ફેબ્રુઆરી 2025 ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે અને 18 ફેબ્રુઆરી ના રોજ મત ગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, AAPએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. આની સાથે AIMIM પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં આવી છે. અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM પાર્ટી પોતાના 142 ઉમેદવારો મેદાનમાં ઉતારશે આ મુદ્દે ETV Bharat સાથે AIMIM ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાએ ખાસ વાતચીત કરી હતી.

AIMIM ગુજરાતમાં 142 સીટો પર લડશે
આ મુદ્દે AIMIM ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાએ ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમે અમારા ઉમેદવાર ઉતારીશું. 16 ફેબ્રુઆરી 2025 ના રોજ સ્થાનિક ચૂંટણી માટે અમે 142 ઉમેદવારો મેદાનમાં ઉતારીશું. તેના માટે અમે મહેનત કરી રહ્યા છીએ. અમારી સંપૂર્ણ તૈયારી છે. અમે આ ચૂંટણીમાં ખાસ કરીને ડિમોલેશનના મુદ્દાને ઉઠાવીશું અને હાલની જે પરિસ્થિતિ લોકોની છે. આ ચૂંટણીમાં લોકોનો અમે આવાજ બનીશું. સ્થાનિક લોકોના મુદ્દાઓને ઉઠાવીશું. એમની સમસ્યાને આ ચૂંટણીમાં જણાવીશું.

તેમણે વધુ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 12 સીટ, માંગરોળમાં 24 સીટ, સુરતની 1 સીટ, સંતરામપુરની 4 સીટ, સલાયામાં 28 સીટ, બાલાસિનોરમાં 12 સીટ, ઉપલેટામાં 13 સીટ, ધોરાજીમાં 20 સીટ અને કરજણમાં 5 સીટ અને કુલ 142 સીટ પર ચૂંટણી લડીશું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM (ETV Bharat Gujarat)

ચૂંટણીમાં કયો મુદ્દો ઉઠાવશે?
તેમણે ઉમેર્યું કે, આ ચૂંટણીમાં અમે ડિમોલેશનનો મુદ્દો ઉઠાવીશું, ગરીબ લોકોના મકાનને તોડવામાં આવ્યા છે. સરકારની જવાબદારી છે કે ગરીબોને મકાન આપે, ગરીબ આવાસ યોજનામાંથી મકાન આપવા સરકાર જાહેરાત કરે છે, કે અમે આટલા મકાનના બનાવ્યા છે. પરંતુ ગરીબ લોકોને અત્યાર સુધી આ મકાનો મળ્યા નથી. ગરીબોને દૂર કરવાની સરકાર ઝુંબેશ ચલાવી રહી છે એવું લાગી રહ્યું છે. અમે ઇલેક્શનમાં જ્યાં પણ અમારા ઉમેદવારો ઉતારીશું ત્યાં અમે ખૂબ જ મહેનત કરીશું અને અસદુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગુજરાત આવશે. ઈમ્તિયાઝઅલી અને બીજા ઘણા નેતાઓ ચૂંટણીમાં સભા કરવામાં માટે આવશે અને અમે જીતવા માટે તમામ પ્રકારની મહેનત કરીશું.

ભાજપને ફાયદો પહોંચાડવા ઉમેદવાર ઉતારી રહી છે AIMIM?
ઔવેસીની પાર્ટી ભાજપને ફાયદો પહોંચાડવા માટે ઉમેદવાર ઉતારી રહી છે? આ પ્રશ્નનો જવાબ આપતા સાબિર કાબલી વાલાએ જણાવ્યું હતું કે, અમારા નેતા અસદુદ્દીન ઓવૈસી છે. એ બધા સમાજ માટે કામ કરે છે. ઓવૈસી સાહેબ લોકસભાની અંદર બધા સમાજની વાત ઉઠાવે છે. બીજી પાર્ટીઓને વોટ કાપવા વિશે લોકો કેમ નથી કહેતા? શું ઓવૈસી સાહેબનો આ કસુર છે કે તે મુસ્લિમ છે? અમે અમારી પાર્ટી સ્પીડથી આગળ વધી રહ્યા છીએ. 4 વર્ષ અગાઉ ગુજરાતમાં આ પાર્ટી આવી હતી અને 22 દિવસની અંદર જ કોર્પોરેશનની ચૂંટણીમાં 28 ઉમેદવારોને જીતાડ્યા હતા. આ અમારા માટે બહુ જ મોટી સફળતા છે. જોકે અમારી વિધાનસભાની અંદર એક પણ સીટ નથી મળી તો પણ અમે હાર્યા નથી. અમે મહેનત કરી રહ્યા છીએ. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અમે એડી ચોટીનું દમ લગાવી શું. વધારેને વધારે સીટ પર જીત હાંસેલ કરવાની મહેનત કરીશું. ગુજરાતમાં અમે અમારી લીડરશીપ ઊભી કરીશું.

આ પણ વાંચો:

  1. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ ક્યાંથી કોને ટિકિટ મળી?
  2. ગ્રાઉન્ડ રિપોર્ટ: થાન નગરપાલિકામાં સ્થાનિકોની શું છે સમસ્યા? ચૂંટણી પહેલાં ETV સમક્ષ લોકો શું બોલ્યા?

ABOUT THE AUTHOR

...view details