અમદાવાદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પહેલા અમદાવાદના આંગણે પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. આજે 11 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આ પતંગ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 :નોંધનીય છે કે, 11 જાન્યુઆરીથી શરુ થતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લીધો છે. અમદાવાદનો પતંગ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત સુરત, વડોદરા, સુરત, શિવરાજપુર અને ધોરડો ખાતે પણ પતંગ મહોત્સવ યોજાશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ (ETV Bharat Gujarat) પતંગબાજોની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ :આ અવસરે ઋષિ કુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પટેલ અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાયણ પર્વને લઇને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
"પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો": મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભારતે ઉત્તરાયણના આ તહેવારને 'આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. એટલું જ નહીં પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથો સાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ, આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે.
પતંગબાજોની પરેડ (ETV Bharat Gujarat) "પતંગોત્સવ થકી વોકલ ફોર લોકલ અભિયાનને વેગ મળ્યો": મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી વોકલ ફોર લોકલ અભિયાનને પણ ખૂબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહીં, ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયા હતા.
"ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી": મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા સીએમ પટેલે કહ્યું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગ બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે. આજે દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, UK અને કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.
પતંગબાજોની પરેડ (ETV Bharat Gujarat) રાજ્યભરમાં યોજાશે પતંગ મહોત્સવ :આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 અંગે વિગતવાર માહિતી આપતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું કે, આ વર્ષે તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર અને ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.
47 દેશો અને 12 રાજ્યોના પતંગબાજોનો મેળાવડો:મૂળુભાઈ બેરાએ વધુમાં કહ્યું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે.
47 દેશના પતંગબાજો (ETV Bharat Gujarat) કયા કયા દેશોના પતંગબાજો ભાગ લેશે ?ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 2025 માં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગારી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબનોન, લીથું ઉનીયા, મલટા ,મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પૈન, સ્વીઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વિયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.