વલસાડ:108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ઊંઘની ગોળી પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં મહિલાને એમ્બ્યુલન્સમાં જ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. જોકે, આ સાથે પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં આક્ષેપ છે કે 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર અને ઇએમઇ (EME) ના ત્રાસથી મહિલા કર્મચારીએ ચાલુ ફરજ દરમિયાન ઊંઘની ગોળી પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ફરજ પર જ કર્યો આત્મહત્યાનો પ્રયાસ :પારડી શહેરમાં 108 એમ્બ્યુલન્સમાં ઇએમટી (EMT) તરીકે માનસી પટેલ છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવે છે. આજરોજ પોતાની ફરજ દરમિયાન માનસી પટેલે ઊંઘની ગોળી પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે (EMT) માનસી પટેલને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
સુસાઇડ નોટમાં માનસિક ત્રાસનો ઉલ્લેખ:પોલીસ રિપોર્ટ અનુસાર, માનસી પટેલ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં લખ્યું હતું કે, '108 ના પ્રોગ્રામ મેનેજર અને EME દ્વારા બદલી કરવામાં આવે છે અને માનસિક ત્રાસ પણ આપે છે. EMT માનસી પટેલની અગાઉ વલસાડથી પારડી બદલી કરવામાં આવી હતી. જે બાદ કેટલાક એમ્બ્યુલન્સ ચાલકોએ કરેલી 108 માં ફરિયાદના પગલે તેની પારડીથી વાપી બદલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. માનસી પટેલના અનુસાર ખોટી રીતે બદલી કરવામાં આવતી હોવાથી તે માનસિક તાણમાં આવી જતાં તેને આ પગલું ભર્યું છે.