રાજકોટ: શું તમે ક્યારેય આંખો પર પાટા બાંધીને કોઈ કામ કર્યું છે ? તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં આંખો પર પાટા બાંધીને ચાલવું જ મુશ્કેલ બની જાય છે ત્યાં રાજકોટની વરદા સ્કેટિંગ કરી રહી છે. જેની નોંંધ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. છ વર્ષની વરદા પરમાર નામની બાળકીને તાજેતરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. છ વર્ષની વરદાએ આંખે પાટા બાંધીને 45 મિનિટ અને 5 સેકન્ડ સુધી સ્કેટિંગ કર્યું હતું. આટલી નાની ઉંમરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રાજકોટની વરદાને સ્થાન મળતાં તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Rajkot: 6 વર્ષની વરદાએ આંખે પાટા બાંધી કર્યું સ્કેટિંગ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન - રાજકોટની વરદા
રાજકોટમાં છ વર્ષની વરદાએ આંખે પાટા બાંધીને 45 મિનિટ અને 5 સેકન્ડ સુધી સ્કેટિંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વરદા હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારી કરી રહી છે.
Published : Mar 1, 2024, 6:45 AM IST
|Updated : Mar 2, 2024, 10:02 AM IST
'વરદાને પીએમ મોદીને મળવું હતું. જેને લઈને તેને આ અંગેની વાત મને કરી હતી અને ત્યારબાદ મેં તેને કહ્યું હતુંકે પીએમ મોદી સામાન્ય માણસોને ન મળે જેના કારણે જો તું કંઈક અનોખું કરીશ તો પીએમ મોદી તને સામેથી મળશે. આ વાત બાદ વરદાને અમે સ્કેટિંગ માટેના ક્લાસ માટે મૂકી હતી. હાલ વરદા માત્ર છ વર્ષની છે. એવામાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા તેની નોંધ લેવામાં આવી છે. જ્યારે આપણે માત્ર દસ મિનિટ પણ આંખો બંધ રાખીને એક સ્થળે બેસી શકતા નથી. એવામાં વરદાએ 45 મિનિટ પાંચ સેકન્ડ સુધી આંખો પર પટ્ટી બાંધીને સ્કેટિંગ કર્યું હતું. જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે. હવે વરદા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારી કરી રહી છે.'- ગાયત્રી પરમાર, વરદાની માતા
હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારી કરી રહી છે વરદા:
ગાયત્રી પરમારે વધુમાં જણાવ્યું હતું કે આટલી નાની ઉંમરમાં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવું એ ખૂબ જ દુર્લભ વાત છે. જ્યારે આ સિદ્ધિ વરદાએ પોતાની રીતે હાંસિલ કરી છે. મેં તો તેને માતા તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ અમે પણ તેને જોઈતી તમામ વસ્તુઓ આપતા હોઈએ છીએ. હાલમાં વરદા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દરરોજ બે કલાક સ્કેટિંગની પ્રેક્ટિસ કરે છે. જ્યારે તેનું સપનું છે કે તે પીએમ મોદીને મળે તેના માટે હાલ આ પ્રકારની તે મહેનત કરી રહી છે.