પરેશ દવે.અમદાવાદ :વર્ષ 2024 ગુજરાતના રાજકારણ માટે ફક્ત વધુ એક વર્ષ નથી, પણ અનોખું વર્ષ બની રહ્યું છે. વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપને 156 અને કોંગ્રેસને 17 બેઠકો પ્રાપ્ત થઈ હતી. પણ વર્ષ 2024 માં કોંગ્રેસના ધારાસભ્યો સતત તૂટતા ગયા અને ભાજપમાં પક્ષ પલટો કરતા ગયા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને દેશમાં પહેલો વિજય સુરતથી પ્રાપ્ત થયો, જે બિનહરીફ સાબિત થઈ હતી. 2024 નું વર્ષ સફળતા, વિવાદ અને પક્ષ પલટાનું બની રહ્યું છે. ગુજરાતની કઈ ઘટનાઓ સતત ચર્ચામાં રહી, જાણીએ મુદ્દાસર...
લોકસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો, એક દસકા બાદ કોંગ્રેસનું ખાતું ખુલ્યુ
18 મી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 પૈકી 25 બેઠક જીતીને પોતાનો દબદબો જાળવ્યો, પણ સળંગ હેટ્રિક જીત મેળવી શકી નહીં. કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક જીતી છેલ્લા એક દસકા બાદ ગુજરાતમાં એક બેઠક પર જીત સાથે ખાતું ખોલાવ્યું છે. લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન કર્યું, પણ ભાજપે કોંગ્રેસને 23 બેઠકો પર માત આપી. જ્યારે આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચ એમ બંને બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ગુજરાતની 25 લોકસભા બેઠક 7, મેના રોજ કુલ 60.13 ટકા મતદાન થયુ, જે 2019ની ચૂંટણી કરતાં 4.38 ટકા ઓછું હતું. સતત ત્રણ ચૂંટણીમાં અખંડ જીત નહી મળવાથી ભાજપનો વિજય થોડો ઝાંખો પડ્યો એવું ભાજપના પ્રદેશ પ્રમુખને પણ લાગ્યું હતું.
ગેનીબેન ઠાકોર (ETV Bharat Gujarat) સુરત લોકસભા બેઠક પર ગેમ થઈ ગઈ! ચૂંટણી પહેલા ભાજપને મળી જીત
2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ચૂંટણી પહેલા જ પ્રથમ બેઠક મળી ગઈ. સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જીત્યા. રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે, લોકસભાની ચૂંટણી લડવા ભાજપના મુકેશ દલાલ સામે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર ટેકનિકલ કારણોસર નામંજૂર કરાયું. બીજી તરફ બાકીના 11 ઉમેદવારોએ ચૂંટણી ન લડવાનું નક્કી કરતા 2024 ની લોકસભા ચૂંટણીના પ્રથમ વિજેતા ભાજપના મુકેશ દલાલ બન્યા.
નિલેશ કુંભાણી (ETV Bharat Gujarat) પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજનું આંદોલન
ભાજપે પૂર્વ રાજ્યસભા સાંસદ પરશોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતર્યા હતા. રાજકોટ ખાતે વાલ્મિકી સમાજ આયોજિત કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ પોતાના ભાષણમાં ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરતા વિવાદ થયો હતો. જેના વિરોધમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું. પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઇ અનેક પ્લેટફોર્મ પરથી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના સતત વિરોધ વચ્ચે પણ પરશોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પર કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવી વિજયી બન્યા હતા.
સાંસદ પરશોત્તમ રૂપાલા (ETV Bharat Gujarat) ગુજરાતમાં બંને AAP ઉમેદવારોની હાર, મનસુખ વસાવા સળંગ સાતમી વાર જીત્યા
લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ સામે INDIA ગઠબંધનના સાથી આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર ચૂંટણી લડી. ભરુચથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ભાજપના ઉમેદવાર સામે ઉતાર્યા, પણ બંને ઉમેદવારોની હાર થઈ હતી. કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલના વતનની ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા સળંગ સાતમી વાર જીત્યા અને સાંસદ બન્યા છે. તો ભાવનગર લોકસભા બેઠક પર આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પહેલી વાર ચૂંટણી લડતા નીમુબેન બાંભણિયા સામે હારી ગયા હતા.
મનસુખ વસાવા અને ચૈતર વસાવા (ETV Bharat Gujarat) શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં અસંતોષથી ચૂંટણી સમયે ઉમેદવારો બદલ્યા
વર્ષ 2024માં ભાજપ પક્ષમાં વિવાદનો આરંભ ટિકિટ ફાળવણીથી થયો. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના મોવડી મંડળે 26 પૈકી ફક્ત 11 સિટીંગ સાંસદોને જ રીપીટ કરી, 14 બેઠકો પર નવા ચહેરા ઉતાર્યા હતા. જેના કારણે ભાજપમાં ભારે અસંતોષ પ્રવર્તતો હતો. વડોદરા લોકસભા બેઠક પર આરંભમાં 2019 ના વિજેતા રંજનબેન ભટ્ટને ફરી ટીકીટ આપતા પક્ષ અને સંગઠનમાં ભારે વિરોધ થયો હતો. જેના પગલે ભાજપે રંજનબેન ભટ્ટના બદલે ડૉ. હેમાંગ જોશીને ટિકિટ આપી. સાબરકાંઠામાં પણ ભાજપે પ્રથમ ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરતાં પક્ષની અંદર વિવાદ થયો, સાથે તેમના ચૂંટણી ફોર્મમાં નોંધાયેલ જ્ઞાતિગત વિગતોને કારણે ઉમેદવાર બદલીને શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઉતાર્યા. ભાજપે વડોદરા અને સાબરકાંઠા બંને બેઠકો પર ઉમેદવારો બદલ્યા, છતાં ભાજપનો વિજય થયો હતો.
સમગ્ર વર્ષ 2024 દરમિયાન કોંગ્રેસમાં આંતરિક વિવાદ યથાવત રહ્યો
કોંગ્રેસ પક્ષ રાજ્યમાં છેલ્લા 29 વર્ષથી નથી. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત એક જ લોકસભા બેઠક જીતી છે. આમ કોંગ્રેસનો રાજકીય રીતે જનાધાર ઓછો થતો ગયો છે. 1960 થી 1995 સુધી સળંગ કોંગ્રેસનું શાસન એકાદ બે વર્ષને બાદ કરતા રહ્યુ હતુ. પણ આજે કોંગ્રેસ પાસે રાજ્યમાં એક પણ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી. સમખાવા પૂરતી જિલ્લા પંચાયત કે ક્યાંક તાલુકા પંચાયત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ચૂંટણીમાં નવા રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું પડ્યું. આમ છતાં કોંગ્રેસમાં ચૂંટણી સમયે ટિકિટ વહેંચણીના મુદ્દે સતત આંતરિક વિરોધ જોવા મળ્યો છે. જેના કારણે પક્ષના કાર્યકરો નિરુત્સાહ બનતા કોંગ્રેસનું ચૂંટણીલક્ષી રાજકારણ પ્રજા પણ નકારે છે.
ભરૂચ લોકસભા બેઠક પર સ્વ. અહેમદ પટેલના પરિવારે ટિકિટ માંગી વિવાદ સર્જ્યો
2024 લોકસભા ચૂંટણીમાં ભાજપની જેમ જ કોંગ્રેસમાં પણ ટિકિટ મામલે ભારે વિવાદ સર્જાયો.. કોંગ્રેસના ચાણક્ય ગણાતા સ્વ. અહેમદ પટેલના વતન જિલ્લા ભરૂચમાં કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવવા માટે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે માંગણી કરી, પણ કોંગ્રેસે આ બેઠક પહેલાથી AAP ઉમેદવાર ચૈતર વસાવા માટે મોકળી કરી હતી. આમ છતાં ફૈઝલ પટેલે જીદ કરી પોતે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોના સહકારથી અપક્ષ ચૂંટણી લડવા માટે કોંગ્રેસ સામે પડકાર ફેંક્યો હતો. છેવટે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના સહકાર અને સમર્થનથી કોંગ્રેસ ગઠબંધન સામે અહેમદ પટેલ પરિવારના કોઈપણ સભ્ય ચૂંટણી લડ્યા નહીં.
મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ અને ચૈતર વસાવા (ETV Bharat Gujarat) રોહન ગુપ્તાએ પક્ષ સામે કરી ગદ્દારી! પહેલા રાજીનામુ પછી ભાજપમાં જોડાયા
2024 ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં રાજકારણના અનેક રંગો જોવા મળ્યા. કોંગ્રેસના એક સમયના પ્રવક્તા રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે પક્ષે જાહેર કર્યા હતા. પણ ઉમેદવાર જાહેર થતા ભેદી સંજોગોમાં રોહન ગુપ્તા લોકસંપર્કથી વંચિત થયા. ઉમેદારીનું ફોર્મ ભરતા પહેલા રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. રોહન ગુપ્તાએ પિતાની તબિયતનું બહાનું કરી પોતાની ઉમેદવારી પાછી ખેંચી અને ત્યારબાદ પક્ષમાંથી તમામ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આખરે કોંગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હિંમતસિંહ પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યા, જેમની ભાજપના હસમુખ પટેલ સામે હાર થઈ હતી.
રોહન ગુપ્તા (ETV Bharat Gujarat) ચૂંટણી બાદ પણ ભાજપે જાહેર ન કર્યા નવા પ્રદેશ પ્રમુખ
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલનો કાર્યકાળ સતત મહત્વપૂર્ણ ઘટનાથી સંપન્ન રહ્યો. 2022માં ભાજપને 156 બેઠકો મેળવી આપવામાં સી. આર. પાટીલની મહત્વની ભૂમિકા રહી છે. તો 2024માં પક્ષ અને સંગઠનમાં આંતરિક વિવાદો હોવા છતા ભાજપને સુરત લોકસભા બેઠક બિનહરીફ અપાવી, 26 પૈકી 25 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. પક્ષના એક જૂથ તરફથી સી.આર. પાટીલ વિરુદ્ધ પત્રિકા વોર રહ્યો, તો સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે પણ બેઠકો અને રેલીમાં સતત વિવાદિત નિવેદન થયા હતા. પક્ષના કેટલાક આગેવાનો એમ પણ માને છે કે, પક્ષમાં જૂથવાદ વધવાનું કારણ સી. આર. પાટીલની કાર્યપદ્ધતિ છે. છતાં ડિસેમ્બર-2024 ની 11 તારીખ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રહ્યા છે. નવસારી બેઠકથી જંગી મતથી વિજેતા થયેલા સી. આર. પાટીલને મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયના મંત્રીનું પદ મળ્યુ.
સી. આર. પાટીલ (ETV Bharat Gujarat) કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનો કાર્યકાળ, સિદ્ધિ તરીકે કશું જ નહીં
જૂન, 2023માં કોંગ્રેસે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને જાહેર કર્યા. ત્યારે કોંગ્રેસમાં નવરચના અને નવસંચાર થશે એવો અંદાજ સૌને હતો. શક્તિસિંહ ગોહિલ હાલ ગુજરાતથી કોંગ્રેસના એક માત્ર રાજ્યસભા સાંસદ છે. 2022 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસે અનેક મહત્વના મુદ્દા હતા, પણ મતદારોને કોંગ્રેસ સાથે લઈ શકી નહીં. રાજ્યની પાટણ, આણંદ, સાબરકાંઠા, કચ્છ અને વલસાડ બેઠક પર કોંગ્રેસ માટે સારું પ્રદર્શન કરવાની તક હતી, પણ કોંગ્રેસ મતદારોને રીઝવવામાં નિષ્ફળ નીવડી. 2024 ની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પક્ષના સહારે નહીં, પણ વ્યક્તિગત ઇમેજના કારણે જીત્યા. પણ નવેમ્બર-2024 માં યોજાયેલ પેટા ચૂંટણીમાં વાવ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપ પાસે ગઈ.
શક્તિસિંહ ગોહિલ (ETV Bharat Gujarat) કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કર્યો પક્ષપલટો, ભાજપી બની કોંગ્રેસને વગોવી
લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના દિગ્ગજો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, અને પેટા ચૂંટણી જીતી. કોઈ એક સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા અને તેઓએ અનેકવાર ભાજપ અને વડાપ્રધાન મોદી સામે અનેક આક્ષેપો કર્યા હતા. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નાખુશ થયેલ મેર આગેવાન અર્જુન મોઢવાડિયાએ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને રામ રામ કરી કેસરિયો ખેસ ધારણ કર્યો છે. 2024માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, સી. જે. ચાવડા, અંબરીષ ડેર, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી, રોહન ગુપ્તા મુખ્ય છે. તો અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાયા.
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કર્યો પક્ષપલટો (ETV Bharat Gujarat) વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ હવે ફક્ત 11 જ ધારાસભ્ય
2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આમ આદમી પાર્ટીને પાંચ અને કોંગ્રેસ પાસે બેઠક હતી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો સતત પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાસે 12 ધારાસભ્ય હતા. હવે વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસ હારતા વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 11 જ ધારાસભ્ય રહ્યા છે. જ્યારે બે વર્ષમાં ભાજપના ધારાસભ્ય 156 થી વધીને હાલ 162 થયા. હાલ રાજ્યની વિધાનસભામાં 182 પૈકી 162 ધારાસભ્ય ભાજપના છે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કોઈ એક પક્ષના 162 ધારાસભ્ય હોય એવી આ એકમાત્ર ઘટના છે. 1960થી અસ્તિત્વમાં આવેલ ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ પક્ષ ફક્ત 11 ધારાસભ્યો સાથે વિધાનસભામાં સમેટાયો છે.
- વર્ષ 2024 ભારતીય રાજકારણ માટે ઐતિહાસિક રહ્યું,મુખ્ય ઘટનાઓ પર એક નજર
- રામોજી રાવથી લઈને રતન ટાટા, આ હસ્તીઓએ આ વર્ષે દુનિયાને અલવિદા કહ્યું...