અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની વય વંદના યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ અમદાવાદ શહેરના કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં 70 વર્ષથી વધુ વયની તમામ વ્યક્તિઓ મફતમાં સારવાર મેળવી શકશે.
આ અંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણીએ જણાવ્યું હતું કે, અગાઉની PMJ યોજનામાં આવક મર્યાદા હતી, પરંતુ વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. 70 વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.
શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડથી તેઓ 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે.
આ યોજનાનો લાભ કોને મળશે?
આયુષ્માન વય વંદના યોજના હેઠળ કાઢવામાં આવતા કાર્ડનો લાભ શહેરના 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો મેળવી શકશે.