બજેટને લઈને જૂનાગઢના ઉદ્યોગપતિઓની આશા-અપેક્ષા જૂનાગઢ :આગામી દિવસોમાં વર્ષ 2024-25 કેન્દ્ર અને રાજ્ય સરકારનું અંદાજપત્ર રજૂ થશે. ત્યારે ટુરીઝમની રાજધાની ગણાતા જૂનાગઢ શહેર અને જિલ્લામાં પર્યટનના વિકાસની સાથે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા પણ છે. ત્યારે એગ્રો બેઈઝ ઇન્ડસ્ટ્રીઝની સાથે પર્યટન ઉદ્યોગને વેગ મળે તે માટેની કોઈ વિશેષ યોજના આગામી બજેટમાં સામેલ થાય તેવી આશા અને અપેક્ષા જૂનાગઢના વેપારી મંડળો સેવી રહ્યા છે.
જૂનાગઢના વેપારીઓની આશા :આગામી દિવસોમાં રજૂ થનાર વર્ષ 2024-25 માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામાન્ય અંદાજપત્રને લઈને જૂનાગઢ જિલ્લાના વેપારીઓ ભારે આશાવાદી બન્યો છે. પર્યટન અને એગ્રો બેઈઝ ઇન્ડસ્ટ્રીઝ થકી જિલ્લાનું અર્થતંત્ર ચાલી રહ્યું છે. ત્યારે આવનારા બજેટમાં એગ્રો બેઈઝ ઇન્ડસ્ટ્રીઝની સાથે જૂનાગઢને પર્યટન કોરીડોરમાં સામેલ કરી હવાઈ અને રેલ્વે માર્ગ સાથે કનેક્ટિવિટી વધારીને ખરા અર્થમાં જૂનાગઢથી દ્વારકા સુધીના પર્યટન કોરિડોરને જીવંત બનાવી શકાય તેમજ નાના અને લઘુ ઔદ્યોગિક એકમો માટે વિકાસલક્ષી યોજનાઓ બજેટમાં સામેલ કરવામાં આવે તો જૂનાગઢના વિકાસને વિશાળ તક મળી શકે તેવી આશા અને અપેક્ષા જૂનાગઢના વિવિધ વેપારી મહામંડળો સેવી રહ્યા છે.
જૂનાગઢ ટુરિઝમ કોરિડોર :વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ, સાસણ, સોમનાથ, માધવપુર અને દ્વારકા વચ્ચે પર્યટન સર્કિટ માટે ખૂબ જ કાર્યશીલ જોવા મળતા હતા, પરંતુ આ પર્યટન કોરિડોર હજુ સુધી પૂર્ણ થયો નથી. જે રીતે સોમનાથ, દ્વારકા અને સાસણનો વિકાસ થયો છે, તેવી જ રીતે જૂનાગઢ આજે પણ વિકાસ ઝંખી રહ્યું છે. પ્રાકૃતિક રીતે પર્યટનની વિશાળ તકો ધરાવતું જૂનાગઢ પર્યટન સર્કિટમાં સામેલ થાય તે માટેની કોઈ યોજના આગામી બજેટમાં બને તેવી આશા રાખી રહ્યું છે. આજના દિવસે જૂનાગઢમાં 31 જોવાલાયક સ્થળો હયાત છે, પરંતુ અહીં પ્રવાસીઓને અનુરૂપ સુવિધાના નામે મીંડુ જોવા મળે છે. જેના કારણે પ્રવાસીઓ રોકાણ કરવાને લઈને અનિચ્છા દર્શાવી રહ્યા છે. વેલિગ્ડન ડેમ, ગિરનારનું સુદર્શન તળાવ જંગલમાં આવેલ બોરદેવી વિસ્તારમાં એડવેન્ચર સ્પોટ માટે કોઈ નક્કર યોજના આગામી બજેટમાં સામેલ થાય તો ખરા અર્થમાં જૂનાગઢ પર્યટન સર્કિટને પૂર્ણ કરે તેવી ક્ષમતા ધરાવે છે.
એગ્રો બેઈઝ ઇન્ડસ્ટ્રીઝને મોટી તક :જૂનાગઢમાં એગ્રો બેઈઝ ઇન્ડસ્ટ્રીઝને લઈને ખૂબ મોટી શક્યતાઓ જોવા મળે છે. ત્યારે વેપારીઓ આશા રાખી રહ્યા છે કે, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને લઈને જે ગેરસમજ આજે ઉભી થઈ છે તેને બજેટમાં કોઈ યોજના થકી દૂર કરવામાં આવે, જૂનાગઢને એગ્રો બેઇઝ ઇન્ડસ્ટ્રીઝના ઝોન તરીકે રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે, પરંતુ તેના માટે જમીન ફાળવણી હજુ સુધી થઈ નથી, તેની જાહેરાત બજેટમાં થાય તેમજ અહીંથી ઉત્પાદિત ચીજોની નિકાસ વધે તેવી સહાયક યોજનાની શરુ કરવામાં આવે. ઉપરાંત વેપારીઓ આશા કરી રહ્યા છે કે, એગ્રો બેઈઝ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ગુજરાત બહારના લોકો જૂનાગઢમાં રોકાણ કરી શકે તે માટેની વિશેષ પ્રોત્સાહક યોજના તેમજ જૂનાગઢ વિસ્તારને એગ્રો ઝોન માટેના વિશેષ સ્થળ તરીકે જાહેર કરવાની યોજનાનો બજેટમાં સમાવેશ કરવામાં આવે તો જૂનાગઢ આજે પણ એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝનું હબ બની શકે તેમ છે.
મધ્યમ-લઘુ ઉદ્યોગોની અપેક્ષા :જૂનાગઢમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગ માટે વિપુલ તકો જોવા મળે છે, પરંતુ તેને પ્રોત્સાહન મળે તેવી યોજનાનો હજુ સુધી બજેટમાં સમાવેશ કરાયો નથી. ત્યારે જૂનાગઢમાં આવેલા પ્લાસ્ટિક રી-પ્રોસેસ યુનિટ પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી સાથે કામ કરી રહી છે. તેને પ્રોત્સાહક યોજના મળે તેમજ GIDC ની પડતર જમીનનો ઉપયોગ નાના અને લઘુ ઉદ્યોગો માટે કરવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે. વધુમાં જૂનાગઢ GIDC પાસેથી મનપા અને GIDC નિગમ બંને ટેક્સ ઉઘરાવે છે, ત્યારે ડબલ ટેક્સ સિસ્ટમમાંથી મુક્તિ મળે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. ભાવનગર, જૂનાગઢ, ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં સમગ્ર ભારતમાંથી રિસાયકલ માટે કાચો માલ આવતો હતો. અહીંથી પ્લાસ્ટિકનો તૈયાર માલ સમગ્ર ભારતમાં મોકલવામાં આવતો હતો, પરંતુ સરકારની દર વર્ષની નીતિને કારણે આ ઉદ્યોગ મૃતપાય બન્યો છે, તેનો આગામી બજેટમાં સમાવેશ કરીને ફરીથી પ્રાણ પૂરવામાં આવે. તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સરકારી પ્રક્રિયા અને નીતિ નિયમોને કારણે વિસ્તૃતીકરણ થતું નથી તેમાં સરળીકરણ થાય તેવી કોઈ યોજના આગામી બજેટમાં આવે તેવી આશા અને અપેક્ષા ઔદ્યોગિક એકમો રાખી રહ્યા છે.
એગ્રો બેઇઝ ઇન્ડસ્ટ્રીઝ : જૂનાગઢ જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. ત્યારે કોરોના કાળમાં પણ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ થકી અર્થવ્યવસ્થા જીવંત જોવા મળી હતી. આગામી બજેટમાં ખેતીના સાધનો, દવા-ખાતર, દવા છાંટવાના પંપ, ટ્રેક્ટર અને ખેતી સાથે જોડાયેલા ઓજારો પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તે અંગે ખેડૂતો ખૂબ જ આશાવાદી છે. વધુમાં માઈક્રો ઈરીગેશનમાં અત્યારે જે સબસીડી આપવામાં આવે છે તેમાં વધારો થાય તો જમીનમાં વધી રહેલા ક્ષારના પ્રમાણને માઈક્રો ઈરીગેશનથી ઘટાડી શકાય છે. એગ્રો ઇનપુટ ટેક્સના હાલના ધોરણ સરળ કરીને ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને રાહત આપનારી કોઈ યોજના બને તેવી આશા અને અપેક્ષા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ રાખી રહ્યા છે.
- Budget 2024-25: કેન્દ્ર અને રાજ્યના બજેટ અનુલક્ષીને જૂનાગઢના ખેડૂતોએ રજૂ કરી અપેક્ષાઓ
- Union Budget 2024-25 : કેન્દ્રીય બજેટને લઈને કચ્છના વેપારીઓની આશા-અપેક્ષા શું છે ?