ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-CAAનો કાયદો અમલી બનાવ્યો છે, તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પારાવાર યાતનાઓનો ભોગ બનેલા અને ત્યાંથી ભારતમાં શરણ લેવા માટે આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના પીડિતોને ભારતની નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. આમાં હાલમાં ભારતમાં નિવાસ કરતાં કોઈપણ ધર્મના નાગરિકની નાગરિકતા લઇ લેવાની કોઈ જોગવાઈ નથી તેવી સ્પષ્ટતા કરતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં CAAના લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલા ભારતીય નાગરિકતા કાનૂન-CAA કાયદાના અમલ બદલ વર્ષો પહેલા પાકિસ્તાનથી ભારત-ગુજરાતના વિવિધ જિલ્લામાં આવીને વસેલા પીડિત ભાઈ-બહેનો દ્વારા આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ કહ્યું હતું કે, અકલ્પનીય યાતનાઓ સહન કરીને પાડોશી દેશોમાંથી ભારતમાં આવીને વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે, આજે તેમના ઘરે દિવાળી આવી છે. આ મોદી સરકારની ગેરંટી એટલે કે કોઈપણ કામ ૧૦૦ ટકા પૂર્ણ કરવાની ગેરંટી છે.તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત-સુરક્ષિત છો તેમ તેમણે ઉમેર્યું હતું.
CAA અંતગર્ત ભારતની નાગરિકતા સંદર્ભે નાના-મોટા પ્રશ્નોના ઝડપી-હકારાત્મક નિકાલ લાવવા યોગ્ય કક્ષાએ સંકલન કરવામાં આવી રહ્યું છે. CAAના અમલ બદલ આજે આપના સૌ તરફથી જે ભેટ-સોગાદ અને અભિનંદન પત્ર મને આપવામાં આવ્યા છે તે તમામ તમારા વતી વડાપ્રધાનશ્રી તેમજ ગૃહ મંત્રીશ્રીને દિલ્હી ખાતે સન્માન સાથે મોકલી આપવામાં આવશે તેમ,જણાવી ગૃહ રાજ્ય મંત્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.