ગુજરાત

gujarat

ETV Bharat / state

હજારો વર્ષ પહેલા પોરબંદરના કાનમેરા ડુંગર પર શ્રી કૃષ્ણએ હોળી પ્રગટાવી હતી, આજે પણ જળવાઈ રહી છે પરંપરા - Kanmera Holi of Barda hills - KANMERA HOLI OF BARDA HILLS

ભગવાન શ્રીકૃષ્ણચંદ્રમણિના ચરણોથી પાવન થયેલ બરડા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ વાસ કર્યો હતો. આજ પણ એની અનેક કથાઓ મળે છે. એમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી. જાણો શું છે તેની પાછળની લોકવાયકા

PORBANDAR KANMERA DUNGAR HOLI
PORBANDAR KANMERA DUNGAR HOLI

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 8:18 AM IST

પોરબંદર:બરડા ડુંગરની ગિરિમાળામાં કાનમેરા શિખર આવેલ છે. ઇતિહાસવિદ લેખક વિરદેવસિંહના જણાવ્યા અનુસાર કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આભપરા પછીનું સૌથી ઊંચું શિખર છે. એમ કહેવાય છે અહીં હજારો વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી. ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન/પૂજન કરવા આવે છે.

Porbandar Kanmera Dungar Holi

કેવી રીતે ઉજવાય છે કાનમેરાની હોળી ?

આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે. બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાનમેરાની હોળી પ્રગટે પછી બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી. પરંતુ હવે કો'ક ગામોએ જ આ પરંપરા જાળવી છે બાકી ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે. આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામ-સામે દુહાઓ ગાય છે, ગીતો ગાય છે. આ પરંપરા એક સમયે દરેક ગામોમાં હતી. દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામ-સામા એક પછી એક દુહાઓ લલકારતા. કલાકો સુધી આ દોર ચાલતો. લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા. પરંતુ હવે આ પરંપરા ભાગ્યે જ કયાંક જોવા મળે છે.

Porbandar Kanmera Dungar Holi

કાનમેરાની હોળી પાછળની લોકવાયકા:

અહીં એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મિણીનું હરણ કરી લાવ્યા અને અહીં એમનો વિવાહ થયો. એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો. એટલે ભગવાન શ્રીકૃષ્ણ એ અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું. અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો, રાસ રમ્યા. ભગવાન શ્રીકૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાયો એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે.

Porbandar Kanmera Dungar Holi

જો કે ઇતિહાસવિદો આ શિખર નામકરણ પાછળ કઈંક જુદા જ તર્કો બતાવે છે. આ શિખર પર તમરાઓ બહુ પ્રમાણમાં છે. જેમ ફૂલછોડ પર મધમાખીઓ હોય એમ આ શિખરના વૃક્ષે-વૃક્ષે તમરાઓ છે. આ કાનમેરાના શિખરની દક્ષિણે સાંકળોજુ તળાવ છે અને ઉત્તરમાં કરમદી, વાંસ અને ટીમરુંનું વન આવેલું છે. તેમાં બીજા વૃક્ષો પણ છે પરંતુ બહુમાત્રમાં કરમદી, વાંસ અને ટીમરું છે. ત્યાં વનરાવનનો નેસ આવેલો છે. શક્ય છે એ જગ્યાના નામ વનરાવન પરથી નેસનું નામકરણ થયું હોય.આ જાણીને મને પેલું ગીત યાદ આવી ગયું'તું... "મારુ વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું..."

કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં વીસેક ફૂટ નીચે બે ચાર પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રાળ માતાનું સ્થાનક છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે કોઈ ત્યાં રાતવાસો કરતું નથી. રોકાય તો કોઈક સ્થાનિક જ રોકાય છે. અને એમનું કહેવું છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી, કોઈ નિરાકર શક્તિ કુંભ કાઢી લે છે. સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે. હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા. આજ પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે.

  1. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આ શહેરમાં હોળીના પર્વે વાલમ બાપાની કાઢવામાં આવે છે નનામી - Holi festival 2024
  2. શું તમે કચ્છમાં હોળી ઉજવવાની 200 વર્ષ જૂની પરંપરાગત જાણો છો ? તો જુઓ ETV Bharat નો વિશેષ અહેવાલ... - Holi 2024

ABOUT THE AUTHOR

...view details