સુરત: સુરત જિલ્લામાં એકબાજુ મેઘરાજાના વિદાયની વાતો થઈ રહી છે. ત્યારે જાણે ફરી ચોમાસાનો પ્રારંભ થયો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી નજીક આવી ગઈ છતાં મેઘરાજા વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યા જેને લઈને ખેડૂતો ચિતામાં મુકાયા છે. માંગરોળ તાલુકામાં ભારે વરસાદ વરસતા નેશનલ હાઇવે 56 પર પાણી ફરી વળ્યા હતા. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિ તણાઈ ગયા હતા. હાજર લોકોએ રેસ્ક્યુ કરી લેતા બન્નેનો બચાવ થયો હતો.
નેશનલ હાઇવે નંબર 56 પાણી પાણી: સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળો વચ્ચે વીજળીના ભારે કડાકા ભડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને માંગરોળ તાલુકાના ઝંખવાવ ચાર રસ્તા નેશનલ હાઇવે નંબર 56 ઉપર આજુ બાજુની કોતરોનું પાણી ફરી વળ્યું હતું. આ સમયે ઝંખવાવ ગામના મંદિર ફળિયાનો શૈલેષભાઈ નામનો યુવક બાઈક પર પાછળ એક વ્યક્તિને બેસાડી ઝંખવાવ ચાર રસ્તાથી માંડવી તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો.