ધારદાર દલીલોને અંતે મળ્યા જામીન જૂનાગઢઃ હેટ સ્પીચ મામલે જૂનાગઢ કોર્ટે મૌલાના સલમાન અઝહરીને જામીન આપ્યા છે. મૌલાના સિવાય અને 2 આરોપીઓને પણ જામીન આપવામાં આવ્યા છે. કચ્છમાં પણ મૌલાના વિરુદ્ધ હેટ સ્પીચનો ગુનો દાખલ થયો હોવાથી મૌલાનાને રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કચ્છ પોલીસને સોંપવામાં આવશે. હેટ સ્પીચની ઘટના 31મી જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમ દરમિયાન બની હતી.
સમગ્ર ઘટનાક્રમઃ 31મી જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિર ખાતે રાત્રે સામાજિક જન જાગૃતિ માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાએ મુંબઈના મૌલાના સલમાન અજહરીને મુખ્ય વક્તા તરીકે બોલાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તાએ આપેલા ભાષણના કેટલાક અંશો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા મૌલાના સલમાન અજહરીને મુંબઈ ખાતેથી અને અન્ય 2 આરોપીઓને જૂનાગઢ માંથી પકડીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે ત્રણેય આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય આરોપીને ફરીથી જૂનાગઢ ચિફ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
મૌલાનાને ટ્રાન્સફર વોરંટ દ્વારા કચ્છ પોલીસને સોંપવામાં આવશે ધારદાર દલીલોઃ આજે જૂનાગઢ કોર્ટમાં થયેલ સુનાવણીમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલો વચ્ચે ધારદાર દલીલો કરવામાં આવી હતી. જો કે બચાવ પક્ષના વકીલો અને આરોપીઓની કાયદાકીય પ્રક્રિયાઓમાં સહકારને પરિણામે ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મૌલાના સલમાન અજહરી અને અન્ય 2 આરોપીને 15 હજારના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. મૌલાના સલમાન અજહરીને આજે જામીન મળ્યા છે પરંતુ કચ્છના સામખીયાળીમાં આજ પ્રકારે હેટ સ્પીચ મામલાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને આજે કચ્છ પોલીસ પણ જૂનાગઢ કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ સાથે હાજર રહી હતી. મૌલાનાને જૂનાગઢ કોર્ટે જામીન આપ્યા છે તેથી હવે મૌલાનાની કચ્છ પોલીસ ફરી એક વાર ધરપકડ કરી રહી છે. જામીન આપ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૌલાના સલમાન અજહરીને રાજકોટ જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેનો કબજો વિધિવત રીતે કચ્છ પોલીસને સોંપવામાં આવશે.
મૌલાના સામે હેટ સ્પીચને લઈને જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં મૌલાના કોઈ પણ જ્ઞાતિ ધર્મ કે વ્યક્તિ વિશેષ સામે બોલતા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતું નથી જેથી કોર્ટે તેને જામીન આપ્યા છે આ પ્રકારના ગુનામાં જામીન મળતા નથી પરંતુ મૌલાના અને અન્ય 2 આરોપીઓ કાયદાકીય પ્રક્રિયામાં પહેલા દિવસથી જ ખૂબ જ સહકાર આપવામાં આવી રહ્યો છે...શકીલ શેખ (મૌલાનાના વકીલ)
સી.આર.પી.સી અંતર્ગત 3 વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈમાં કોર્ટ આરોપીઓને જામીન આપી શકે છે તેને કારણે આજે મૌલાના સહિત અન્ય બે આરોપીને આજે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. જામીન મળ્યા બાદ રાજકોટ જેલ ખાતે ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી તેની પાછળનો તર્ક જામીન પર મુક્ત થયેલા આરોપીની સુરક્ષા અને જૂનાગઢ શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે છે...શબીર શેખ (મૌલાનાના વકીલ)
- Maulana Azahari: જૂનાગઢ કોર્ટે હેટ સ્પીચ મામલે મૌલાના અઝહરીના 1 દિવસના રિમાન્ડનો આદેશ કર્યો
- Junagadh Crime : ભડકાઉ પોસ્ટ મામલે આજે મૌલાના અઝહરીને જુનાગઢ કોર્ટમાં કરાશે રજૂ, જુનાગઢ પોલીસ રિમાન્ડની કરશે માંગ