અમદાવાદ :સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે. જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજ ભારતી આશ્રમ પર કબજો કરી લીધો છે. પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે પોતાના સમર્થકો સાથે હરિહરાનંદ બાપુ મંદિરમાં પ્રવેશ્યા અને મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા. દોઢ વર્ષથી આશ્રમનો વહીવટ કરતા મહંત ઋષિ ભારતી બાપુ સાંજથી જ આશ્રમની બહાર હતા.
"ચારેય આશ્રમનો વહીવટ હું કરીશ": હરિહરાનંદબાપુ (ETV Bharat Gujarat) ભારતી આશ્રમ વિવાદ :ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજ ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમ પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદબાપુ કરે છે, પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરિહરાનંદબાપુ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયતનામુ રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા.
"ચારેય આશ્રમનો વહીવટ હવે હું જ કરીશ, ટ્રસ્ટ મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે, જેથી હવે સરખેજ સહિતના તમામ આશ્રમનો વહીવટ હું કરીશ. ટ્રસ્ટના ઠરાવને ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરાયો છે. બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું." -- હરિહરાનંદબાપુ
50 કરોડની મિલકત :5 સપ્ટેમ્બરના રોજ આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો. હરિહરાનંદ બાપુના ગુરુભાઈ કલ્યાણ ભારતી બાપુનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમની સમાધિ વખતે સમાધાનની વાત સામે આવી હતી. સરખેજ આશ્રમની સમગ્ર પ્રોપર્ટી આશરે 50 કરોડથી વધુ રકમની છે.
"હું શુક્રવારે બપોરે ત્રણ કલાકે બીજા આશ્રમની મુલાકાતે ગયો હોવાથી કેટલાક લોકો મારા આશ્રમમાં કબજો કરવા આવ્યા છે. સરખેજ ભારતી આશ્રમનો મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ જે નિર્ણય લેશે તે નિર્ણય આખરી રહેશે, મને કોર્ટ પર વિશ્વાસ છે." -- ઋષિ ભારતી બાપુ (મહંત)
પોલીસનો કાફલો ખડકાયો :હરિહરાનંદબાપુ પોતાના સમર્થકો સાથે ભારતી આશ્રમનો કબજો લેવા આવી રહ્યા હોવાની વાત આશ્રમના સંચાલકો સુધી પહોંચી ગઈ હતી. તેથી સાંજથી જ ભારતી આશ્રમ પર પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. બોલાચાલી બાદ તમામ દસ્તાવેજો રજૂ કરીને હરિહરાનંદ બાપુએ સમર્થકો સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો હતો. મોડી રાત્રે પોલીસે સમર્થકોને આશ્રમ બહાર જવાની સૂચના આપી હતી. પરંતુ હરિહરાનંદબાપુ પર જીવ જોખમમાં હોવાની વાત કરીને સમર્થકોએ ભારતી આશ્રમની બહાર ન જવા જણાવી દેવાયું હતું.
- સરખેજ ભારતી આશ્રમ પર ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતીએ કબજો મેળવ્યો
- પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સ્ફટિક શિવલિંગના દર્શન અને પૂજાનું ઘણું આધ્યાત્મિક મહત્વ