ગુજરાત

gujarat

ETV Bharat / state

છેલ્લાં ૨૪ કલાકમાં ભરૂચના વાલિયા તાલુકામાં ૧૨ ઇંચ વરસાદ, રાજ્યમાં મોસમનો કુલ 116 ટકા વરસાદ - Gujarat weather update - GUJARAT WEATHER UPDATE

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ, જ્યારે તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો. જોકે, છેલ્લાં ૨૪ કલાક સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયા તાલુકામાં ૧૨ ઇંચ નોંધાયો છે. Gujarat weather update

રાજ્યમાં મોસમનો કુલ 116 ટકા વરસાદ
રાજ્યમાં મોસમનો કુલ 116 ટકા વરસાદ (Etv Bharat Graphics)

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 1:24 PM IST

ગાંધીનગરઃરાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, તાપીના સોનગઢમાં ૧૦ ઇંચ અને વ્યારા તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અત્યાર સુધીમાં મોસમનો કુલ 116 ટકા વરસાદઃગત ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ નોંધાયો છે. જે પૈકી કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદઃ તાલુકાની વાત કરીએ તો, સુરતના માંગરોળ, ડાંગના વઘઇ, નર્મદાના તિલકવાડા, તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, તાપીના ડોલવણ, ડાંગના સુબિર, ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે, મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વડોદરાના કરજણ, સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર, ડાંગના આહવા, તાપીના વાલોડ, ખેડાના કઠલાલ, મહીસાગરના વિરપુર, અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના આશરે ૨૨ તાલુકામાં ૩ ઇંચથી વધુ, ૩૯ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૪૫ તાલુકામાં ૧ ઇંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૧૮૩ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આજે ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૫ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૩ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૫ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ

  1. નવસારીમાં ત્રીજી વખત પારાવાર પરેશાની લઈને ત્રાટક્યું પૂર, જુઓ ગ્રાઉન્ડ ઝીરોથી મેગા અહેવાલ - Navsari Flood
  2. પોરબંદરના દરિયા કાંઠે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, કોસ્ટગાર્ડના ત્રણ કર્મચારી લાપતા - ICG Chopper Emergency landing

ABOUT THE AUTHOR

...view details