સુરત :આજે રાજ્યભરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના કામરેજના વાવ ગામે વાવ SRP ગ્રુપ 11 ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજથી બિનહથિયારધારી PSI અને લોકરક્ષક ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ થયો હતો. અહીં 700 માંથી 350 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી.
ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટી :રાજ્યભરમાં આજરોજથી પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજરોજ એટલે કે 8 જાન્યુઆરી, બુધવારથી 1 માર્ચ, 2025 સુધી બિનહથિયારધારી PSI અને લોકરક્ષક માટે ભરતી ચાલશે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે આવેલ SRP ગૃપ વાવ 11 ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શારીરિક પરીક્ષાનું આયોજન કરાયુ છે.
ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ (ETV Bharat Gujarat) કેટલા ઉમેદવારો હાજર રહ્યા ?મળતી માહિતી અનુસાર બે મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ રહેશે. આ અંગે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રોજ અલગ અલગ સંખ્યામાં ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. આજરોજ રજિસ્ટર થયેલ 700 ઉમેદવારોને બોલાવાયા હતા, જે પૈકી 350 ઉમેદવારો હાજર રહ્યા હતા.
ડોક્ટરો અને 108 એમ્બ્યુલન્સ ટીમ તૈનાત :વાવ SRP 11 ગ્રુપના DYSP અનિલ પટેલે જણાવ્યું કે, સુરત રેન્જ IGP પ્રેમવીર સિંહ, DCI ઇન્ટેલિજન્સ હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આગામી 1 માર્ચ સુધીમાં કુલ 69,000 ઉમેદવારોની અહીંયા પરીક્ષા લેવામાં આવશે. આજે વહેલી સવારથી જ પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. ઉમેદવારોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ડોક્ટરો સાથે 108 એમ્બ્યુલન્સ ટીમ ખડેપગે રહેશે.
ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ (ETV Bharat Gujarat) CCTV કેમેરા સર્વેલન્સની વ્યવસ્થા :પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજિસ્ટ્રેશન બાદ શારીરિક કસોટી લેવામાં આવી હતી. જેમાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની શારીરિક કસોટી લેવામાં આવી હતી. તમામ પ્રક્રિયા CCTV કેમેરા સર્વેલન્સ હેઠળ થઈ હતી. આજરોજ સવારે 4 કલાકથી પોલીસ ભરતીનો પ્રારંભ થઇ ગયો હતો. ગુજરાત પોલીસની ભરતી માટે શારીરિક કસોટીને લઇને 384.1 મીટર લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડના પાંચ ચક્કર મારતા પાંચ કિમી પૂર્ણ થાય છે. ભરતીના નિયમો અનુસાર આ ગ્રાઉન્ડ ટેસ્ટ ઉમેદવારોને 25 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે.
- પોલીસની 3800 જગ્યાઓ પર થશે ભરતી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું મોટું નિવેદન
- પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા અંગે મહત્વની જાહેરાત