અમદાવાદ: ગુજરાતમાં સહકારી મંડળીઓ અને નિર્દિષ્ટ સહકારી મંડળીઓના લાખો કર્મચારીઓની ભરતી સંબંધિત નિયમો નથી, તે મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી દરમિયાન આ અંગે ગુજરાત સરકારના સહકારી વિભાગના રજીસ્ટ્રાર તરફથી સોગંધનામું પણ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, આ સોગંધનામામાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન હોવાથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ગુજરાત સરકારના સહકારી વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને યોગ્ય સોગંધનામું રજૂ કરવા અંગેનો આદેશ કર્યો હતો. હવે આ મામલે વધુ સુનવણી 28 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન: ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ શિવાંગ જાનીએ રીટ પિટિશન દાખલ કરીને રજૂઆત કરી હતી કે, ગુજરાત રાજ્યમાં 85 હજાર પ્રાથમિક સહકારી મંડળીઓ, 300 નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કાર્યરત છે. જેમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે તેમની નોકરી અંગેનો કોઈ નિયમ હજુ સુધી કેમ ઘડવામાં આવ્યો નથી? આ પિટિશનમાં આગળ જણાવવામાં આવ્યું કે, સહકારી કાયદાની કલમ 7માં નિયમો ઘડવા અંગેનો અધિકાર સરકારને આપવામાં આવ્યો છે. તો નિયમ ઘડવા અંગે સરકાર કેમ ઉદાસીનતા દાખવે છે. સહકારી મંડળીના કર્મચારીઓ માટે હજુ સુધી કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી. જેના લીધે ગુજરાતના હજારો સહકારી મંડળીમાં કાર્ય કરતા કર્મચારીઓનું ભાવિ અનિશ્ચિત છે. તેથી સહકારી કાયદાની કલમો હેઠળ નિયમો ઘડવાનો હાઈકોર્ટ સરકારને આદેશ આપે તેવી પિટિશનમાં માંગ કરાઈ હતી.
પિટિશનમાં કઈ બાબતનો ઉલ્લેખ?: આ ઉપરાંત પિટિશનમાં એવી પણ રજૂઆત કરાઈ હતી કે, સહકારી કાયદાની કલમ 156 અન્વયે ગુજરાત કો-ઓપરેટીવ કાઉન્સિલની કલમ હેઠળ સહકારી સચિવ અને સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ ટોચની સંસ્થાના અધિકારીઓને સભ્ય તરીકે રાખવાના હોય છે. આ ઉપરાંત આ કાઉન્સિલે નીતિ વિષયક નિર્ણયો અને કઈ રીતે વિકાસ થાય, તે અંગેના સૂચનો સરકારને કરવાના હોય છે. જેમાં કાયદાની આ જોગવાઈનું જાહેર ઉલ્લંઘન થઈ રહ્યું છે. છેલ્લે 2011માં કાઉન્સિલની બેઠક થઈ હતી. ત્યારબાદ સતત કાઉન્સિલનું ગઠન કરીને બેઠક કરવી જોઈએ. પરંતુ બેઠક કરવામાં આવતી નથી. કાયદાની કલમ 156 હેઠળ સહકારી મંડળીઓમાં ખરીદી માટેના નિયમો અને ઈ- કોમર્સની ખરીદી કરવી જોઈએ કે નહી?, એ બાબતે પણ રિટ પિટિશનમાં દાદ માંગવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટે સોગંધનામુ રજૂ કરવાનો હુકમ કર્યો: આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, સમગ્ર મામલે સહકારી વિભાગના રજિસ્ટ્રાર દ્વારા રજૂ કરેલા સોગંધનામામાં જવાબ સંતોષ પૂર્ણ ન હોવાથી કાયદાના અમલીકરણની સ્પષ્ટતા કરવા અંગે સહકારી વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને હાઈકોર્ટે હુકમ કર્યો. આ ઉપરાંત ગુજરાત સરકાર સહકારી મંડળીના કર્મચારીઓની ભરતીના મામલે નિયમો ઘડવા અંગેનો પણ આદેશ કર્યો હતો.
આ પણ વાંચો:
- પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ, કહ્યું 'પોલીસ ભરતી માટે રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવો' - hc on police bharti
- Gujarat High Court: પુખ્ત વયના બંને પાત્રોએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં - ગુજરાત હાઇકોર્ટ