ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષનો આક્ષેપ પાયાવિહોણો, GIDC ભ્રષ્ટાચાર મામલે ઋષિકેશ પટેલે આપ્યો જવાબ - GIDC corruption allegation - GIDC CORRUPTION ALLEGATION

હાલમાં જ GIDC માં પ્લોટ ફાળવણી દરમિયાન અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. જોકે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. જુઓ વિગતવાર શું કહ્યું...

GIDC ભ્રષ્ટાચાર મામલે ઋષિકેશ પટેલે આપ્યો જવાબ
GIDC ભ્રષ્ટાચાર મામલે ઋષિકેશ પટેલે આપ્યો જવાબ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 2:52 PM IST

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આક્ષેપ સત્યથી વેગળા, પાયાવિહાણા તથા લોકોને ગેરમાર્ગે દોરનારા છે. ગુજરાતના વૈશ્વિક ઔદ્યોગિક વિકાસમાં GIDC મહત્વનું યોગદાન આપી રહી છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અંદાજે 239 જેટલા ઔદ્યોગિક વસાહતોમાં 70 હજારથી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે. જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક હેતુઓ પૂરા થાય છે અને તેના મારફતે રાજય તેમજ રાષ્ટ્રની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે છે.

GIDC સરકાર પાસેથી કે સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવી માળખાકીય સુવિધા ઊભી કરીને નહીં નફો, નહી નુકશાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષણ ભાવે જમીન આપે છે. GIDC નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી, તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં.

GIDC દ્વારા કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં 90 ટકા કે તેથી વધુ પ્લોટની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 161 વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વસાહતના (ના કે વસાહતના કોઈ અમુક ઝોનના) ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.

દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. સદર ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં 90 ટકા જેટલા પ્લોટ વેચાયા હોવાથી GIDC દ્વારા નિયામક મંડળની 518 મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વિવિધ ઔદ્યોગિક સંગઠન, ઉદ્યોગકારો તરફથી રજૂઆત મળી કે સમગ્ર વસાહતના 90 ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે.

GIDC એ પણ આ સંદર્ભમાં તેની પ્રણાલીને આધીન રહીને 519મી બોર્ડ બેઠકમાં સાયખા અને દહેજના સમગ્ર ઔદ્યોગિક વસાહતના 90 ટકા સુધીના પ્લોટની ફાળવણી થયેલ ન હોય, સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી. ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. તેથી સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.

બલવંતસિંહ રાજપૂતે સ્પષ્ટપણે કહ્યું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને એ વાતનો ખ્યાલ જ હશે કે તેમની કોંગ્રેસ સરકારના સમય ગાળામાં હરાજી વગર જ માત્ર નક્કી થયેલ ફાળવણી દરે ફાળવણી કરવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકાર આવ્યા પછી સેચ્યુરેટેડ એસ્ટેટમાં જાહેર હરાજીથી પ્લોટની ફાળવણી કરવાની પ્રણાલી શરૂ થઈ છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, જૂની અરજી સાથે વાટાઘાટો અને વહીવટ બાદ ભ્રષ્ટાચાર થયો છે. આ વાતને પાયા વિનાનો ગણાવતા ઋષિકેશ પટેલ અને બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે, જૂની મંગાવેલ અરજી પૈકી એકપણ અરજદારને આજદિન સુધી પ્લોટ ફાળવવામાં આવ્યો નથી, એટલે વાટાઘાટાનો કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી.

સાયખા ખાતે એપ્રિલ 2023 થી આજ સુધી કોઈ પ્લોટ ફાળવણી કરવામાં આવેલ નથી. તેથી સરકારને નાણાકીય નુકસાન પહોંચાડ્યું હોવાની રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી તથા માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેના હવાતિયાં સમાન છે.

  1. બેરોજગારોને ભથ્થાનો પ્રશ્ન શ્રમપ્રધાન માંડવિયાને જૉક લાગ્યો ! પ્રશ્નના જવાબથી હસીને ભાગ્યા
  2. ચૈતર વસાવાનો CM-રાજ્યપાલને પત્ર, ભાજપના નેતાઓ અને કલેક્ટરો સામે કર્યા ગંભીર આક્ષેપો

ABOUT THE AUTHOR

...view details