અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. જેનું પરિણામ આજે સવારે 8 વાગે જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ 82.56 નોંધાયું છે. આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247 નોંધાઈ છે. અમદાવાદ શહેરનું પરિણામ 78.20% અને અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 81.74% નોંધાયું છે.
અમદાવાદ શહેરમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 25 અને અમદાવાદ ગ્રામ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 73 નોંધાઈ છે. આ સાથે અમદાવાદ શહેરમાં 10 ટકાથી નીચું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 8 અને અમદાવાદ ગ્રામ્યમાં 10 ટકાથી નીચું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 4 નોંધાઈ છે.
પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ સફળતાની ઉજવણી કરી હતી. વાલીઓમાં પણ પોતાના સંતાનોના સારા પરિણામને લઈને તેમના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે ETV ભારતની ટીમ અમદાવાદના HB કાપડિયા સ્કૂલ ખાતે પહોંચી હતી. અને વિદ્યાર્થીઓએ સાથે સંવાદ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ આજે આવેલા પરિણામથી ખૂબજ ખુશ છે. તેમના ધાર્યા કરતાં વધુ પરિણામ તેમને મળ્યું છે. આ માટે અમારા માતા-પિતા અને શિક્ષકોનો મોટો ફાળો છે. જેમણે અમને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂ પાડ્યું. અમે પોતે પણ ખૂબ જ મહેનત કરી છે. જેનું આજે પરિણામ મળ્યું છે. અમને હવે 10 મા ઘોરણમાં આવી રહેલા વિદ્યાર્થીઓને કહેવા માંગીશું કે જો આપણે કોઈ વસ્તુ દિલથી ઈચ્છીએ અને તેની પાછળ પૂરતી મહેનત કરીએ તો સફળતા ચોક્કસથી મળે છે.
રુદ્ર મોદી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મેં 97 ટકા મેળવ્યા છે. હું દરેક વિષયને લઈને મારી તૈયારીઓ અલગ અલગ હતી. શરૂઆતથી અલગ સમય ફાળવીને હું અભ્યાસ કરતો હતો. આગળ મારે B ગ્રુપમાં એડમિશન લેવું છે. હું ડોક્ટર બનવા માંગુ છું અને લોકોની સેવા કરવા ઈચ્છું છું.