ગાંધીનગર :ગુજરાત એન્ટી-ટેરર સ્ક્વોડ ટીમે ખંભાતમાં સપાટો બોલાવ્યો છે. ગુજરાત ATSએ ગુરુવારના રોજ અહીં અલ્પ્રાઝોલમનું ઉત્પાદન કરતી એક ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન રૂ. 107 કરોડના પ્રતિબંધિત ડ્રગ સાથે છ લોકોની ધરપકડ કરી હતી.
ખંભાતમાં ઝડપાઈ "ડ્રગ ફેક્ટરી" :ગુજરાત એન્ટી-ટેરર સ્ક્વોડ (ATS) ટીમ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ATS ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) સુનીલ જોશીએ જણાવ્યું કે, દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
ગુજરાત ATSના દરોડામાં છ ઝડપાયા (ETV Bharat Gujarat) પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્રગનું ઉત્પાદન :મદદનીશ પોલીસ કમિશનર (ATS) હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું કે, આરોપીઓએ ખંભાત શહેર નજીક એક કારખાનું ભાડે રાખ્યું હતું અને ઊંઘની ગોળીઓમાં વપરાતો પદાર્થ અલ્પ્રાઝોલમ બનાવતા હતા. અલ્પ્રાઝોલમ ડ્રગ તરીકે તેના દુરુપયોગને કારણે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટના દાયરામાં આવે છે.
107 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત :ACP હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું કે, એક સૂચનાના આધારે ગુરુવારે સાંજે ફેક્ટરી પર દરોડો પાડ્યો અને 107 કરોડ રૂપિયાની કિંમતના 107 કિલો અલ્પ્રાઝોલમ સાથે છ લોકોની ધરપકડ કરી. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) અલ્પ્રાઝોલમના ઉત્પાદન માટે લાઇસન્સ આપે છે. આ દવા પણ NDPS એક્ટના દાયરામાં આવે છે. દરોડા સમયે આરોપીઓ પાસે કોઈ લાયસન્સ ન હતું.
"આણંદ જિલ્લાના ખંભાતમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ATS દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે છ લોકોની ધરપકડ થઈ છે" -- DIG સુનિલ જોષી (ATS)
ભાડે રાખી હતી ફેક્ટરી :પાંચ આરોપીઓ યુનિટનું સંચાલન કરતા હતા, જ્યારે છઠ્ઠો વ્યક્તિ રીસીવર હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાંચેય આરોપીઓએ સાયકોટ્રોપિક પદાર્થ બનાવવાનું કારખાનું ભાડે રાખ્યું હતું. આરોપીઓ અલ્પ્રાઝોલમ બનાવતા હતા, જેનો ઉપયોગ ઊંઘની ગોળીઓમાં થાય છે. આ અંગે તપાસ ચાલુ છે.
છ શખ્સોની ધરપકડ કરાઈ :DIG સુનીલ જોશીએ જણાવ્યું કે, ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. ATS ટીમે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું, જેમાં ગ્રીન લાઈફ ફેકટરીમાં બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ફેકટરીમાંથી 107 કરોડનું ડ્રગ્સ મળ્યું હોવાનો અંદાજ છે. આણંદની SOG પોલીસ અંધારામાં રહી અને ATS એ દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો.
- ડ્રગ કેસના આરોપીએ જામીન મેળવવા કર્યું તિકડમ, બોગસ મેડિકલ સર્ટિફિકેટનું રેકેટ
- નવસારીમાં ડ્રગ વિભાગના દરોડા : દવાનો જથ્થો સીઝ, ઘરમાં મળ્યા 400 શ્વાન