રાજકોટ :આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. હાલ આ રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 કિલોમીટરની રથયાત્રામાં ખાસ ફ્લોટ્સ સાથે સનાતની બુલડોઝર પણ રાખવામાં આવ્યું છે. આ સનાતની બુલડોઝર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. રથયાત્રા પૂર્વે આજે રાજકોટમાં કળશ યાત્રા યોજવામાં આવી હતી.
ભગવાન જગન્નાથની ભવ્ય કળશયાત્રાનું આયોજન (ETV Bharat Reporter) ભવ્ય કળશયાત્રાનું આયોજન :કૈલાસધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસે જણાવ્યું કે, આજે જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ ભવ્ય જળયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાનામવા ગામના કુવે પાણી ભરવા ગઈ હતી. ત્યારબાદ પાણી અને કેસર-ચંદનથી મંદિર પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રામાં બાળાઓ, બહેનો અને સાધુ-સંતો તેમજ ભક્તજનો જોડાયા હતા. દૂધ, કેસર અને 108 ઘડા જળથી ભગવાનને સ્નાન કરાવ્યા બાદ યાત્રા નીજ મંદિર પરત લાવવામાં આવી હતી.
ભગવાન જગન્નાથની રથયાત્રા :રથયાત્રા વિશે માહિતી આપતા મનમોહનદાસે જણાવ્યું કે, આગામી 7 જુલાઈના રોજ વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. જેમાં સંતો અને મહંતોની સાથે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ જોડાશે. આ વર્ષે પૂજન વિધિ, નેત્રોત્સવ, ધ્વજારોહણ અને અભિષેકનો લાભ લેવા માટે યજમાનો વચ્ચે બોલી બોલાશે. આ વખતે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીનું પૂજન કરવામાં આવશે. રથયાત્રા અંદાજિત 22 કિલોમીટરની હશે, જેમાં વિવિધ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વર્ષભર જે ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જઈ શકતા નથી, તેને ખુદ ભગવાન સામે ચાલીને દર્શન આપશે.
200 કિલો મગનો પ્રસાદ :મહંત મનમોહનદાસે વધુમાં જણાવ્યું કે, કૈલાસધામ આશ્રમથી રથયાત્રા શરૂ થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત ફરશે. આ રથયાત્રામાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. જેના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ માટે વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન અંદાજે 200 કિલો મગનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ રથયાત્રામાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.
- જય જગન્નાથ, અમદાવાદમાં વાજતે-ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની 147મી જળયાત્રા
- ભાવનગરમાં જગન્નાથજી ભગવાનને નદીઓના નીરથી કરાયો જળાભિષેક Lord Jagannath