પંચમહાલ: આજથી 22 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા 56 જેટલા કારસેવકો ગોધરા ખાતે એસ-6 કોચમાં આગને કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SITની રચના પણ કરવામાં આવી, સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે.
પુષ્પાંજલિઃ વિવિધ હિન્દુ સંગઠનો દર વર્ષે 27 ફેબ્રુઆરીએ ગોધરા રેલવેયાર્ડમાં રાખેલા સાબરમતી એકસપ્રેસ ટ્રેનના S6 કોચ ખાતે જઈને પુષ્પાંજલિ અર્પણ કરે છે. આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડના 22 વર્ષ પૂર્ણ થવા નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાચરચોકથી બાઈક રેલી યોજવામાં આવી હતી. આ બાઈક રેલી ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ આગળ સમાપ્ત કરવામાં આવી હતી. કોચ પાસે ફૂલ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને અને રામધૂન બોલાવવામાં આવી હતી.