સુરત: સુરતના સેઝમાં ચાલતા યુનિટોમાં સૌથી વધુ યુનિટ ડાયમંડ એન્ડ જેમ જ્વેલરીનું છે, જેઓ સેઝમાંથી 95 ટકા એક્સપોર્ટ કરે છે. પાંચ વર્ષથી સેઝના એક્સપોર્ટમાં દર વર્ષે રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો હતો. પરંતુ આ વખતે જે એક્સપોર્ટ નોંધાયું છે તેમાં મોટું ગાબડું પડયું છે. સેઝ એક જ ઝાટકે પાંચ વર્ષ પાછળ જતું રહ્યું છે. આગામી વર્ષે આ આંકડા સુધરે તેવી શક્યતાઓ છે પરંતુ હાલમાં એક્સપોર્ટના આંકડા ઘટ્યા છે, તેની પાછળ વૈશ્વિક મંદી, ડાયમંડ અને જવેલરીની ઓછી ડિમાન્ડ ઉપરાંત સેઝમાં ચાલતા કેટલાક યુનિટોનું બંધ થવું આ તમામ બાબતો અસર કરે છે.
સેઝમાં ડાયમંડ અને જવેલરી ઉપરાંતના યુનિટો: સુરત સેઝમાં એન્જિનિયરિંગ, લેઝર ટેકનોલોજી, મેડિકલ ઈક્વિપમેન્ટ, ફાર્મા કેમિકલ, પ્લાસ્ટિક રબર, ટેક્સટાઈલ, ટોબેકો તેમજ નોન કન્વેનશનલ એનર્જીના યુનિટો પણ આવેલ છે. ડાયમંડ અને જવેલરીના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયોં છે. ત્યારે બાકીના યુનિટોના એક્સપોર્ટમાં વધારો થયો છે. એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, ફાર્મા કેમિકલ સહિતના યુનિટોના નિકાસમાં વધારો થયો છે. પરંતુ તે આંકડો ડાયમંડ અને જેમ જવેલરીના એકસપોર્ટ સામે ખુબજ ઓછો છે. આ વખતે પાછલા ચાર વર્ષની સરખામણીમાં સૌથી ઓછું એક્સપોર્ટ નોંધાયું છે.