વિસરાયેલી રમતોમાં વિઘ્નહર્તાની મૂરત (ETV Bharat Gujarat) નવસારી: આજના ડિજિટલ યુગમાં જૂની રમતો તો જાણે કયાંક વિસરાઈ ગઈ છે. જેમાં બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ ઘડાતો હતો. તેવી રમતો આ યુગમાં બાળકોથી સાવ લુપ્ત થઈ રહી છે અને રમતો હવે ગેમમાં પરિવર્તિત થઈ રહી છે જેના પ્રત્યાઘાતો ખૂબ ઊંડા પડી રહ્યા છે. હવે બાળકો ખાલી મોબાઇલમાં માથું નાખી એક રૂમમાં અથવા એક જ જગ્યાએ બેસી રહેવાના કારણે બાળક શારીરિક અને માનસિક રીતે નબળો બની રહ્યો છે અને સ્થૂળતાનો શિકાર પણ બની રહ્યો છે, ત્યારે વાલીઓએ આ સ્થિતિને ગંભીર રીતે લઈ બાળકોને ખુલા મેદાનમાં રમાતી રમતો વિશે અવગત કરી તે દિશા તરફ વાળવા પડશે. દેશમાં યુવાનો ઓલમ્પિકમાં કાઠું કાઢી રહ્યા છે ત્યારે આજની પેઢીને પણ તે દિશામાં લઈ જવા માટે તથા બાળકોને આવી રમતો પ્રત્યે જાગૃત કરવા વાલીઓ અને સામાજિક સંસ્થાઓએ આગળ આવવું પડશે.
નવસારી ગણપતિ (ETV Bharat Gujarat) સંદેશાત્મક થીમ પર ગણેશ મૂર્તિની સ્થાપના: નવસારી શહેરના ગણેશચોક પાણીની ટાંકી વિસ્તારમાં છેલ્લા 48 વર્ષથી મંડળ દ્વારા સંદેશાત્મક થીમ ઉપર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં સમાજને કોઈકને કોઈક સારો સંદેશ આપી શકાય. તેવા ઉદ્દેશથી આ મંડળના સભ્યો મથામણ કરીને ગણેશ પ્રતિમા ડિઝાઇન કરે છે. આ વર્ષે વિસરાયેલી રમતો તાજી થાય તે માટે અલગ અલગ રમતના સાધનો વડે ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે.
લુપ્ત થયેલી રમતોમાં ગણેશની મૂરત (ETV Bharat Gujarat) લુપ્ત થયેલી રમતોથી બનાવી ગણેશની પ્રતિમા: વિસરાઈ ગયેલી રમતોથી ફરી બાળકો અવગત થાય તે ઉમદા હેતુથી નવસારી શહેરના ગણેશ ચોક પાણીની ટાંકી વિસ્તારના ગણેશ મંડળ દ્વારા એક અનોખી રીતે સમાજને સારો સંદેશો આપી શકાય તેવા પ્રયત્ન હાથ ધરાયા છે. આ ઉદ્દેશ્યથી ગણેશ પ્રતિમા બનાવવા માટે 1990ના દાયકામાં રમાતી રમતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં બાપાનું મુગટ લખોટીમાંથી બનાવવામાં આવ્યું છે, તો મોઢું ભમરડાથી બનાવવામાં આવ્યો છે. કાન કોડીથી તેમજ કાનની કડી દોરી કુદમાંથી બનાવવામાં આવી છે. સૂંઢ ભમરડાની દોરીમાંથી બનાવવામાં આવી છે. જમણો હાથ કપડાં ધોવાના પાયામાંથી બનાવવામાં આવ્યો છે. જેને બાળકો ક્રિકેટની રમતમાં ઉપયોગમાં લેતા હતા. જમણો હાથ ગીલોડ દ્વારા બનાવવામાં આવ્યો છે, તો જમણો પગ માચીસના બોક્સમાંથી બન્યો છે. ડાબો પગ પાનાની કેટ માંથી બન્યો છે. તેમજ બેઠક ઉપર પૈંડુ બિલ્લો બોલ અને ગિલ્લી મુકવામાં આવ્યા છે. આમ અલગ અલગ સાધન વડે ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે.
લુપ્ત થયેલી રમતોમાં ગણેશની મૂરત (ETV Bharat Gujarat) 1990 ના દાયકાની રમતો:ગણપતિ ઉત્સવ દરમિયાન ગણેશ મંડળો ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવા સાથે કંઈક નવીનતા કરવામાં માનતા હોય છે, જેથી દર્શન કરવા આવનાર ભક્તો આકર્ષાય અને તેઓ દર્શનાર્થે આવે. નવસારી શહેરના ગણેશચોક પાણીની ટાંકી વિસ્તારમાં સ્થાપન કરવામાં આવેલા ગણેશ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગણપતિના દર્શન કરવા માટે નીકળેલા ભક્તોમાં નાના હોય કે મોટા આ મંડળમાંથી પસાર થતી વખતે દરેક લોકો મૂર્તિને જોતા જ પોતાનું વાહન થોભવી નાખે છે અને ધ્યાનથી જોતા જ મૂર્તિમાં 1990 ના દાયકાના રમતના સાધનો નજર સામે તરી આવે છે.
વિસરાયેલી રમતોમાં વિઘ્નહર્તાની મૂરત (ETV Bharat Gujarat) રમતોમાં વિઘ્નહર્તાની મૂરત (ETV Bharat Gujarat) બાળપણના દિવસોની યાદ તાજી થઈ: ભમરડો, લખોટી, બોલબેટ, પાનાની કેટ અને લુડો આ બધી રમતોને પ્રોત્સાહિત કરવા માટે ગણેશ મંડળ દ્વારા થર્મોકોલમાંથી ગણેશ પ્રતિમા બનાવતા 90ના દાયકામાં જન્મેલા લોકો આ મૂર્તિને એક ટશે જોઈ પોતાના ભવ્ય ભૂતકાળને સરી રહ્યા છે. સાથે તેઓ પોતાના બાળકોને ગણેશ પ્રતિમાની શું વિશેષતા છે તે પોતાના બાળકોને અવગત કરાવે છે અને તેઓ જાણે ફ્લેશબેકમાં ત્રણ દાયકા પાછળ જતા હોય તેવો અનુભવ તેમને થઈ રહ્યો છે અને પોતાના બાળપણના દિવસોની યાદ તાજી થઈ જાય છે.
ગણપતિના ફોટો (ETV Bharat Gujarat) પ્રતિમા બનાવતા એક મહિનાનો સમય લાગ્યો: ગણેશ યુવક મંડળના સભ્ય અરવિંદ વર્મા જણાવ્યું કે, "અમે 1977 થી છેલ્લા 48 વર્ષથી જુદી જુદી થીમ પર ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરીએ છીએ. જેમાં વિસરાયેલી રમતોની થીમ પર આ વખતે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ રમતો પૈકી ભમરડો, લખોટી, ગિલ્લી દંડા, દોરી કુદ અને બિલા સહિતના અલગ અલગ રમતના સાધનોની મદદથી આ મૂર્તિ બનાવવામાં આવી છે. 1990 ના દાયકામાં બાળકો આ સાધનો વડે મોટા ભાગે રમત રમતા હતા. જે સમય અંતરે વિસરાઈ ગઈ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે સમગ્ર પ્રતિમા થરમોકોલથી બનાવી છે. આ પ્રતિમા બનાવતા અમને એક મહિના જેટલો સમય લાગ્યો છે."
મૂર્તિ જોવા આવેલી યુવતી ભાગ્યશ્રી જણાવે છે કે, "આ મૂર્તિ જોઈને મને મારા બાળપણની યાદ આવી ગઈ છે. આજના જમાનામાં વાલીઓ પોતાના બાળકને મોબાઇલ આપી દેતા હોય છે. જેને કારણે તેઓને બહાર રમત શું છે તેનો ખ્યાલ હોતો નથી. આ મૂર્તિમાં જે સાધનો બતાવવામાં આવ્યા છે તે સાધનો વડે મેં પોતાના બાળપણમાં ખૂબ રમત રમી છે. જેથી આ મૂર્તિ જોતા જ મને મારી બાળપણની યાદ તાજી થઈ ગઈ છે. વાલીઓએ વિસરાયેલી દેશી રમતો અને ફરી જીવન કરે તે જરૂરી છે."
જયા ટંડેલે કહ્યું છે કે, "રમતના સાધનોમાંથી બનાવેલી ગણેશ પ્રતિમા જોઈને ખૂબ આનંદ થયો છે. એક જમાનામાં અમે લોકો પણ આ રમત રમીને મોટા થયા છે. આજના સમયમાં રમતની પરિભાષા બદલાઈને બાળકો હવે ગેમ રમતા થયા છે. બાળકો જો અલગ અલગ ગેમ રમે તો યુથ ગેમ, એશિયા ગેમ, અને ઓલમ્પિક ગેમમાં ગુજરાતનું નામ રોશન કરી શકે તેમ છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે વાલીઓ તેમને આવી મેદાનની રમત રમવા માટે પ્રોત્સાહિત કરશે, ભુલાયેલી રમતોને ફરી તાજી કરવા માટે વાલીઓએ બાળકોને મદદરૂપ થવું પડશે. તો જ ગુજરાતના અને દેશના બાળકો અલગ અલગ રમતમાં દેશને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી શકશે."
આ પણ વાંચો
- ગણેશોત્સવ 2024: જૂનાગઢમાં મરાઠી પરંપરા અને સંસ્કૃતિ અનુસાર ગણપતિનું સ્થાપન - Ganeshotsav 2024
- અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે - Bhadravi Poonam fair