ગાંધીનગર:લોકસભા અને પેટા ચૂંટણી મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લા તંત્ર લોકસભા ચૂંટણી માટે સજ્જ થયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પૂરી કરી દેવાઈ છે અને આવતીકાલે જિલ્લાના પાંચ અલગ અલગ સ્થળોએથી પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં આવેલા 1320 જેટલા મતદાન મથકોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ પહોંચતા કરી દેવામાં આવ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા 1320 કંટ્રોલ યુનિટની સાથે 1320 વીવીપેટ અને 1919 બેલેટ યુનિટ રવાના કરવામાં આવ્યા છે. જ્યારે 330 કંટ્રોલ યુનિટ , 462 વીવીપેટ અને 481 બેલેટ યુનિટ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સાંજ સુધીમાં તમામ મતદાન મથકોમાં પોલીંગ પાર્ટી દ્વારા સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઈવીએમ પહોંચતા કરી દેવામાં આવશે.
તમામ તૈયારીઓ પૂર્ણ:છેલ્લા દોઢ મહિનાની ચૂંટણી પ્રક્રિયા બાદ હવે મતદાનના દિવસને ગણતરીના જ કલાકો બાકી રહયા છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ દવેએ જણાવ્યું કે: મંગળવાર સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની હોવાથી આવતીકાલે સવારે નવ કલાકે જિલ્લાના પાંચ મથકો સે-૧૫ કોમર્સ કોલેજ, સરકારી એન્જીનીયરીંગ કોલેજ સે-૨૮,સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કુલ- કલોલ, એસડી.આર્ટ્સ એન્ડ બીઆર કોમર્સ કોલેજ-માણસા અને એમ.બી.પટેલ આટ્સ એન્ડ કોમર્સ કોલેજ-દહેગામમાંથી જિલ્લાના ૧,૩૨૦ જેટલા મતદાન મથકો ઉપર ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરાવવી અને લોકો વધુને વધુ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આવતીકાલે 1320 જેટલા મતદાન મથકોમાં ઈવીએમ રવાના કરાયા છે.
660 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે: ઓફલાઈન અને ઓનલાઈન ફરિયાદોના મોનીટરીંગ માટે રાઉન્ડ ધી કલોક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે. ઈવીએમ અને વીવીપેટ માટે અલગથી ક્ંટ્રોલરૂમ રાખવામાં આવ્યો છે. એટલું જ નહી જિલ્લાના 660 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે અને તે માટે અલગથી કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. સોમવારે સાંજ સુધીમાં જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીંગ પાર્ટી દ્વારા ઈવીએમ પહોંચતા કરી દેવામાં આવશે.
- જૂનાગઢ લોકસભા બેઠક પર 17, 95,110 મતદારો મતદાન કરશે - Loksabha Election 2024