ગુજરાત

gujarat

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જલજીલણી મહોત્સવ યોજાયો, જાણો જલ જીલણી એકાદશીનું માહાત્મ્ય - Jaljilani Ekadashi

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 2:09 PM IST

ભાદરવા સુદ અગિયારસના દિવસે જલજીલણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તોની હાજરીમાં મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવીને આજે પરિવર્તનની એકાદશીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.

જલજીલણી મહોત્સવ
જલજીલણી મહોત્સવ (ETV Bharat Gujarat)

જૂનાગઢ : ભાદરવા શુભ એકાદશીના દિવસે સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની મનાતી જલજીલણી એકાદશીની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો સંતો અને ભાવિકોની હાજરીની વચ્ચે આજે જલજીલણી એકાદશીની ઉજવણી કરાઈ રહી છે.

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જલજીલણી મહોત્સવ યોજાયો (ETV Bharat Gujarat)

જલ જીલણી એકાદશી :આજના દિવસે ઠાકોરજીને નૌકા વિહાર કરાવવાની તેમજ આજના દિવસે કાકણીનો પ્રસાદ ઠાકોરજીને અર્પણ કર્યા બાદ હરિભક્તોમાં વહેંચવાની ધાર્મિક પરંપરા છે. તે મુજબ આજે ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નૌકામાં ઠાકોરજીને સ્નાન અને અભિષેક બાદ આરતી કરીને આજની જલજીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

પરિવર્તનની એકાદશી :ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રીહરિ પડખું ફરે છે, જેને અંગ પરિવર્તનની એકાદશી તરીકે પણ સનાતન હિંદુ ધર્મમાં માનવામાં આવે છે. આજના દિવસે ભગવાન વામનનું પૂજન કરવાની પણ વિશેષ પરંપરા છે. આજના દિવસે વ્રત, તપ, પૂજા અને ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે, તેવી ધાર્મિક પરંપરા આજની અગિયારસ સાથે જોવા મળે છે.

હરિકૃષ્ણનો નૌકા વિહાર (ETV Bharat Gujarat)

જલ જીલણી એકાદશીની પરંપરા :મહાભારતમાં જલજીલણી એકાદશીનો ઉલ્લેખ પરિવર્તનની એકાદશી તરીકે કરવામાં આવ્યો છે. મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આજની પરિવર્તનની એકાદશી વિશે સમજાવ્યું હતું. તે મુજબ આજના દિવસે ઠાકોરજીને નૌકામાં બેસાડીને સંકીર્તન, ધૂન અને આરતી કરી હતી. આમ પ્રત્યેક હરિભક્તોએ ભગવાન શ્રી હરિ કૃષ્ણને પોતાનો ભાવ અર્પણ કરીને જલ જીલણી એકાદશીની ઉજવણી કરી હતી.

હરિકૃષ્ણના નૌકા વિહારનું મહત્વ :જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમ સ્વરુપદાસ સ્વામીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્ષ દરમિયાન એકઠું થયેલું વરસાદનું પાણી સૌ કોઈ માટે શુભકારી, ફળદાયી અને પરિણામલક્ષી સાબિત થાય તે માટે આજના દિવસે વરસાદના નવા જળમાં જગતગુરુ શ્રી હરિકૃષ્ણને નૌકા વિહાર કરાવ્યા બાદ તે જળથી અભિષેક કરવાની વિશેષ પરંપરા છે. આજે પાવનકારી એકાદશીના પ્રસંગે સૌ હરિભક્તોએ સાથે મળીને શ્રી હરિને નૌકા વિહાર કરાવી, અભિષેક અને મહાઆરતી કરીને જલજીલણી એકાદશીની ઉજવણી કરી છે.

  1. "હરિ ઝૂલ્યા હેતના હિંડોળે" : જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ
  2. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અટલ અખાડાના ઉભા ગણપતિ, ગર્ભગૃહમાં બિરાજમાન દેવ

ABOUT THE AUTHOR

...view details