સુરતમાં પિતાએ જ પોતાના પુત્રનું અપહરણ કર્યું (ETV Bharat Reporter) સુરત :હાલમાં જ ડિંડોલીમાંથી પાંચ વર્ષીય બાળકના અપહરણ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસ બાદ સામે આવ્યું કે, ખુદ પિતાએ બાળકનું અપહરણ કરીને પોતાની બહેન અને મિત્ર મારફતે મહારાષ્ટ્ર મોકલી આપ્યો હતો. પોલીસે બાળકને મુક્ત કરાવી આરોપી પિતા સહિત અન્ય બે શખ્સની ધરપકડ કરી છે.
પાંચ વર્ષીય બાળક ગુમ :આ બાબતે DCP ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, ગત 6 જુલાઈના રોજ ડિંડોલી વિસ્તારમાં આવેલ ગોવર્ધનનગરમાં રહેતા તારાચંદ પાટિલના 5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. પરિવારે બાળકની શોધખોળ કરી પરંતુ બાળક મળ્યું નહીં. ત્યારબાદ પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે 7 જુલાઈએ જગન્નાથ રથયાત્રા હોવાથી સુરત ક્રાઈમ બ્રાન્ચ તથા ડીંડોલી પોલીસ બંદોબસ્તમાં હતી, તેમ છતાં બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી.
પિતા જ નીકળ્યો અપહરણકર્તા :સૌપ્રથમ પોલીસે આજુબાજુના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતું. અંતે પોલીસે પિતાની કડકાઈથી પૂછપરછ કરતા પિતાએ જ બાળકનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. તેણે બાળકને પોતાની બહેન અને મિત્ર કરણ મારફતે મહારાષ્ટ્રના ભુસાવલ ખાતે આવેલ ભુલદાણામાં મોકલી આપ્યો હતો. આથી ડીંડોલી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમે નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાં બાળકને મુક્ત કરાવી તથા મહિલા અને અન્ય એક પુરુષને ઝડપી પાડ્યો હતો.
અપહરણ કરવા પાછળનું મુખ્ય કારણ બાળકના પિતા અને માતા વચ્ચેનો ઝઘડો હતો. આ ઉપરાંત બાળકની માતા આરોપી પિતાને વારંવાર નવા મકાન માટે દબાણ કરતી હતી. આરોપી પિતા પર રૂ. 9 લાખનું દેવું પણ થઇ ગયું હતું. જેથી તેણે પોતાના સસરા પાસેથી ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પિતા તારાચંદ પાટીલ, બહેન જ્યોતિબેન ઠાકરે અને કરણ વાકોડેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- લ્યો બોલો! હવે લોખંડનાં સળિયા અને પાટાઓની ચોરી, આઠ ઇસમો ઝડપાયા
- કામરેજની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી