સુરેન્દ્રનગર:ખેડૂતો દ્વારા જિલ્લામાં પાક વળતરની સહાયમાં ગોલમાલ અને યોગ્ય સર્વે ન થયાના આક્ષેપ ખેતીવાડી અધિકારીઓ પર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ખેડૂતો દ્વારા ઓછી પાક સહાય આપી હોવાની રજૂઆત કરી કૃષિમંત્રીને સહાયના ચેક પરત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું જે અંગે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ખેડૂતોએ નુકસાનની રકમ મેળવવા માટે ફોર્મ પણ ભર્યા છે. જે અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવી રહી છે.
પિયત હેકટર દીઠ 24,000 અને બિન પિયતમાં 11,000 ની બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની સરકારની જાહેરાત થઈ હતી જે માટે ખેડૂતો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. અને ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી રહી છે. પરંતુ અહીં જાણવા જેવી બાબત એ છે કે, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમમાં ખેડૂતોને રૂપિયા 1,200 થી લઈ રૂપિયા 5,000 સુધીની સહાય ચૂકવવામાં આવી રહી છે.
આ દરમિયાન ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, નુકસાનીનું સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઓફિસમાં બેસીને કરવામાં આવ્યું છે અને સ્થળ પર જઈને સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતોને 1200, 2000, 3500, 5000 જેટલી સહાય ચૂકવવામાં આવી રહી છે. ખેડૂતોને અલગ અલગ વળતર આપવામાં આવી રહ્યું છે. આ કારણોસર આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. મુળી, થાન અને ચોટીલા તાલુકાના ખેડૂતો દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વેમાં ગોલમાલ કર્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત મળેલ વળતરની રકમના ચેક કૃષિ મંત્રીને ખેતીવાડી અધિકારી મારફત પરત આપવામાં આવ્યા હતા.